આમ આદમી પાર્ટી (AAP)ના વડા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હીની એક કોર્ટે કેજરીવાલ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. જાહેર નાણાંના દુરુપયોગના આરોપસર અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકો સામે કેસ નોંધવા માટે કહેવામાં આવ્યું છે.
કોર્ટે દિલ્હી પોલીસ પાસેથી 18 માર્ચ સુધીમાં રિપોર્ટ પણ માંગ્યો છે. કેજરીવાલ વિરુદ્ધ આ આદેશ એવા સમયે આવ્યો છે જ્યારે તેઓ પહેલેથી જ ઘણી કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાયેલા છે અને દિલ્હી ચૂંટણીમાં હાર બાદ હાલમાં વિપશ્યનામાં રોકાયેલા છે.
આ કેસ વર્ષ 2019નો છે. દિલ્હી દ્વારકામાં મોટા હોર્ડિંગ્સ લગાવવા અંગે ફરિયાદ કરવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ, તત્કાલીન મટિયાલાના ધારાસભ્ય ગુલાબ સિંહ અને દ્વારકાના કાઉન્સિલર નીતિકા શર્મા સામે કેસ નોંધવાની માંગ કરવામાં આવી હતી. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નેહા મિત્તલે કેજરીવાલ અને અન્યો વિરુદ્ધ અરજી સ્વીકારી અને FIR નોંધવા કહ્યું.
અગાઉ, જ્યારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારે મેજિસ્ટ્રેટે તેને ફગાવી દીધી હતી. આ પછી ફરિયાદીએ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી. સેશન્સ કોર્ટે ફરીથી કેસ મેજિસ્ટ્રેટ કોર્ટને મોકલ્યો જેથી નક્કી કરી શકાય કે આ કેસ કોગ્નિઝેબલ ગુનો છે કે નહીં. મેજિસ્ટ્રેટ કોર્ટે કેસની ફરી સુનાવણી કરી અને મંગળવારે અરજી સ્વીકારી અને કેસ નોંધવાનો આદેશ આપ્યો.