દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. કુલ 70 વિધાનસભા બેઠકોમાંથી, ભાજપે 48 બેઠકો જીતી છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી માત્ર 22 બેઠકો પર સમેટાઇ ગઈ છે. બીજી બાજુ, કોંગ્રેસે ઝીરો બેઠકની હેટ્રિક મારી છે. ભારતીય જનતા પાર્ટી 27 વર્ષ પછી દિલ્હીમાં સત્તામાં પરત ફરી રહી છે. દિલ્હીમાં ભાજપના આ શાનદાર પ્રદર્શન બદલ નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકોનો આભાર માન્યો.
વિકસિત ભારતની તર્જ પર કામ કરવામાં આવશે
નિર્મલા સીતારમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપ સરકાર ચોક્કસપણે દિલ્હીના લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરશે અને વિકસિત ભારતના લક્ષ્યને અનુરૂપ દિલ્હીમાં પરિવર્તન લાવશે. સીતારમણે કહ્યું, "ખરેખર, આ જાણીને આનંદ થયો, કારણ કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં, અમે ખૂબ જ ઉત્સુક છીએ કે દિલ્હીને એવી સરકાર મળે જે તેના લોકોની સેવા કરે. વિકસિત ભારત 2047 પ્રાપ્ત કરવા માટે આ સમયની માંગ છે.
દિલ્હીને ટોચની પ્રાથમિકતા મળવી જોઈએ
નિર્મલા સીતારમણે કહ્યું, "મારું દ્રઢપણે માનવું છે કે વડા પ્રધાને દેશ માટે જે બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે તેમાં દિલ્હીને ચોક્કસપણે ટોચની પ્રાથમિકતા મળવી જોઈએ." તેમણે કહ્યું કે આપણે માનવ વિકાસ ઇન્ડેક્ષ, માળખાગત સુવિધાઓ, શાળાઓ, હોસ્પિટલો અને લોકોની આરોગ્ય સંભાળ સંબંધિત તમામ મુદ્દાઓ સહિત દરેક દ્રષ્ટિકોણથી આપણા લોકોની સેવા કરવી જોઈએ. સીતારમણે ટ્વિટર પર લખ્યું, "ભાજપમાં વિશ્વાસ દર્શાવવા બદલ દિલ્હીના મતદારોનો આભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નેતૃત્વ હેઠળ, અમે દિલ્હીના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ અને સમર્પિત છીએ. દરેક કાર્યકરની મહેનત અને સમર્પણ પ્રશંસનીય છે.