કોંગ્રેસમાં જ વિખવાદ, SCO અને BRICSથી ભારતને શું મળ્યું? ચિદમ્બરમના સવાલ પર શશિ થરૂરનો પલટવાર, ભાજપે લીધી મજા
ભારતમાં યોજાયેલી BRICS સમિટ મુદ્દે કોંગ્રેસમાં જ ખેંચતાણ શરૂ થઈ છે. ચિદમ્બરમે સમિટના ફાયદા પર સવાલ ઉઠાવ્યા, તો થરૂરે તેને દેશ માટે ગૌરવ ગણાવ્યું. જાણો સમગ્ર વિવાદ અને લેટેસ્ટ અપડેટ.
પી. ચિદમ્બરમના નિવેદનથી બિલકુલ વિપરીત વલણ કોંગ્રેસના જ સાંસદ શશિ થરૂરે અપનાવ્યું છે. થરૂરે બ્રિક્સ સમિટને ભારત માટે એક મોટી ઉપલબ્ધિ ગણાવી છે. થરૂરે જણાવ્યું કે બ્રિક્સ એ 'ગ્લોબલ સાઉથ' માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ મંચ છે.
ભારતમાં યોજાયેલી બ્રિક્સ સમિટને લઈને દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીની અંદર જ આ મુદ્દે બે અલગ-અલગ સૂર જોવા મળી રહ્યા છે, જેના કારણે એક નવો વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ આ સમિટના પરિણામોને લઈને સામસામે આવી ગયા છે. આ આંતરિક ખેંચતાણનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે, અને ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે બ્રિક્સ સમિટની સફળતા અને તેના પરિણામો પર ખુલ્લી શંકા વ્યક્ત કરી છે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે, છેલ્લા બે-ત્રણ બ્રિક્સ સંમેલનોથી દેશને કોઈ નક્કર કે વાસ્તવિક ફાયદો થયો હોય તેવું જણાતું નથી.
ચિદમ્બરમે એમ પણ ઉમેર્યું કે ભારત હાલમાં G-20, એસસીઓ અને ક્વાડ જેવા અનેક વૈશ્વિક મંચો સાથે જોડાયેલું છે, પરંતુ આ તમામ જૂથોનો હિસ્સો હોવાથી દેશને હકીકતમાં શું લાભ મળી રહ્યો છે, તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ નથી.
શશિ થરૂરનો અલગ સૂર: આ દેશ માટે ગૌરવની વાત છે
પી. ચિદમ્બરમના નિવેદનથી બિલકુલ વિપરીત વલણ કોંગ્રેસના જ સાંસદ શશિ થરૂરે અપનાવ્યું છે. થરૂરે બ્રિક્સ સમિટને ભારત માટે એક મોટી ઉપલબ્ધિ ગણાવી છે. થરૂરે જણાવ્યું કે બ્રિક્સ એ 'ગ્લોબલ સાઉથ' માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ મંચ છે.
તેમણે આંકડા આપતા કહ્યું કે આ જૂથ વિશ્વની મોટાભાગની વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને વૈશ્વિક જીડીપીમાં તેનો 41 ટકા જેટલો મોટો હિસ્સો છે. ભારતમાં વિદેશી રાષ્ટ્રપ્રમુખોનું એકઠા થવું એ દેશની રાજદ્વારી તાકાત અને વધતી વૈશ્વિક પ્રતિષ્ઠાનો પુરાવો છે. જોકે, શશિ થરૂરે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે સભ્ય દેશો વચ્ચે વૈશ્વિક મુદ્દાઓ પર સહમતિ સાધવી અને વ્યાપારિક અસંતુલન દૂર કરવું એ એક મોટો પડકાર છે.
ભાજપે લીધી મજા: કોંગ્રેસને ગણાવ્યા 'નારાજ ફૂઆ'
કોંગ્રેસના આ બે મોટા નેતાઓના વિરોધાભાસી નિવેદનો બાદ ભાજપને મોકળું મેદાન મળી ગયું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ પર આકરો કટાક્ષ કર્યો છે.
ભંડારીએ કહ્યું કે, "જ્યારે પણ દેશ પ્રગતિ કરે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું ગૌરવ વધે છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી લગ્નમાં રિસાયેલા 'નારાજ ફૂઆ' ની જેમ હંમેશાં તેનો વિરોધ જ કરતી રહે છે." ભાજપનું કહેવું છે કે શશિ થરૂરના નિવેદને ખુદ કોંગ્રેસની બેવડી નીતિ અને આંતરિક વિખવાદને દુનિયા સામે ખુલ્લો પાડી દીધો છે.