અમેરિકામાં પણ મફતની રેવડી કલ્ચર: ચૂંટણી જીતશે તો ડોનાલ્ડ ટ્રમ્પ દરેક નાગરિકને આપશે 4.2 લાખ રૂપિયા! જાણો ક્રૂડ ઓઇલ વિશે શું કહી મોટી વાત
US Elections, Freebies in US politics: અમેરિકામાં ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે દરેક નાગરિકને $5000 એટલે કે આશરે 4.2 લાખ રૂપિયા આપવાનું મોટું વચન આપ્યું છે. સાથે જ ઈરાન યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવ અંગે પણ મોટો દાવો કર્યો છે. જાણો વિગતવાર.
ટ્રમ્પે એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે જો રિપબ્લિકન પાર્ટી 'હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ' અને 'સેનેટ' બંનેની ચૂંટણી જીતી જશે, તો અમેરિકાના દરેક પુખ્ત નાગરિકને $5000 આશરે 4.2 લાખ રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે.
US Elections, Freebies in US politics: અમેરિકાના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતમાં ચૂંટણી સમયે જે રીતે 'મફતની રેવડી' કલ્ચર જોવા મળે છે, કંઈક એવો જ માહોલ હવે અમેરિકામાં પણ બની રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બે એવા મોટા નિવેદનો આપ્યા છે, જેનાથી રાજકીય અને આર્થિક જગતમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક તરફ તેમણે નાગરિકોને સીધી રોકડ રકમ આપવાનું વચન આપ્યું છે, તો બીજી તરફ ઈરાન સાથેના યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવ પર મહત્વની વાત કહી છે. આ બંને મુદ્દાઓ સીધા અમેરિકાની અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા છે.
દરેક નાગરિકને મળશે $5000
ટ્રમ્પે એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે જો રિપબ્લિકન પાર્ટી 'હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ' અને 'સેનેટ' બંનેની ચૂંટણી જીતી જશે, તો અમેરિકાના દરેક પુખ્ત નાગરિકને $5000 (આશરે 4.2 લાખ રૂપિયા) નું ડિવિડન્ડ આપવામાં આવશે. તેમણે આ યોજનાની સરખામણી એક સફળ કંપની સાથે કરી હતી. જેમ કોઈ કંપની નફો કરે ત્યારે તેના શેરધારકોને કેશ ડિસ્ટ્રિબ્યુશન આપે છે, તેવી જ રીતે અમેરિકાની આર્થિક સફળતાનો સીધો લાભ તેના નાગરિકોને મળવો જોઈએ.
સૈનિકોને આપ્યા હતા $1776
આ નવી જાહેરાત વખતે ટ્રમ્પે ગત વર્ષનો એક કિસ્સો પણ યાદ કર્યો. તેમણે જણાવ્યું કે અગાઉ સૈન્ય જવાનોને $1775 આપવામાં આવ્યા હતા. પરંતુ અમેરિકાની આઝાદીનું વર્ષ 1776 છે, તેથી આ રકમને આઝાદીના વર્ષ સાથે જોડવા માટે ટ્રમ્પે પોતાની તરફથી $1 ઉમેરીને સૈનિકોને કુલ $1776ની રકમ ચૂકવી હતી.
ઈરાન યુદ્ધ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો
પોતાના બીજા નિવેદનમાં ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વિશે વાત કરી હતી. આ બંને દેશો વચ્ચેના તીવ્ર હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં 3 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ સ્થિતિના કારણે જુલાઈ મહિના પછી પહેલીવાર ક્રૂડના ભાવ $100 ને પાર કરી ગયા છે.
મિડટર્મ ચૂંટણી સુધી ભાવ નહિ ઘટે
ડલ્લાસ ખાતે યોજાનારા રિપબ્લિકન મિડટર્મ કન્વેન્શનમાં જવા માટે પ્રસ્થાન કરતા પહેલા પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ખુલ્લા મને સ્વીકાર્યું કે હાલમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ મિડટર્મ ચૂંટણી પહેલા ઘટે તેવી કોઈ જ શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ યુદ્ધ માત્ર થોડા અઠવાડિયામાં પૂરું થઈ જશે, પરંતુ હવે આ સંઘર્ષ 7 માં મહિનામાં પ્રવેશી ચૂક્યો છે.
ચૂંટણી પછી પરિસ્થિતિ સુધરવાની આશા
ભલે હાલમાં ક્રૂડના ભાવ ઊંચા હોય, પરંતુ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે ચૂંટણી પૂરી થતાં જ ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાનું શરૂ થઈ જશે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે આ પ્રક્રિયામાં ચૂંટણીના સમયગાળા કરતાં થોડો વધુ સમય લાગી શકે છે. અંતમાં તેમણે પૂરો વિશ્વાસ બતાવ્યો કે ચૂંટણી પછી ઈરાન લાંબો સમય ટકી શકશે નહીં અને આખરે તેને પીછેહઠ કરવા માટે મજબૂર થવું જ પડશે.