લોકસભા સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: 118 સાંસદોની સહી પણ રાહુલ ગાંધીની સહી ગાયબ, જાણો શું છે અંદરની વાત?
વિપક્ષ દ્વારા લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ અપાઈ છે. 118 સાંસદોએ સહી કરી છે પરંતુ રાહુલ ગાંધીની સહી નથી. જાણો ટીએમસીનું વલણ અને વિપક્ષે સ્પીકર પર લગાવેલા 4 ગંભીર આક્ષેપો.
પ્રાપ્ત માહિતી મુજબ, બંધારણના આર્ટિકલ 94 (c) અંતર્ગત વિપક્ષે લોકસભા સચિવાલયને આ નોટિસ આપી છે.
લોકસભામાં વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વિરોધ પક્ષોએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે મોરચો માંડ્યો છે અને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે સચિવાલયમાં નોટિસ મોકલી છે. આ નોટિસ પર વિપક્ષના કુલ 118 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. જોકે, આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે સરકાર સામે સતત અવાજ ઉઠાવતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની સહી આ નોટિસમાં નથી. બીજી તરફ, મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના સાંસદોએ પણ આ પ્રસ્તાવ પર સહી કરી નથી.
વિપક્ષે સ્પીકર પર લગાવ્યા ભેદભાવના આરોપ
પ્રાપ્ત માહિતી મુજબ, બંધારણના આર્ટિકલ 94 (c) અંતર્ગત વિપક્ષે લોકસભા સચિવાલયને આ નોટિસ આપી છે. વિપક્ષી સાંસદોનો મુખ્ય આરોપ છે કે સ્પીકર વિપક્ષ સાથે ભેદભાવભર્યું વર્તન કરે છે. સ્પીકરને હટાવવા માટે લાવવામાં આવેલા આ રેઝોલ્યુશનમાં વિપક્ષે મુખ્યત્વે 4 મુદ્દાઓ ટાંક્યા છે:
3 ફેબ્રુઆરીનું સસ્પેન્શન: આ તારીખે 8 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેનો વિરોધ કરવામાં આવ્યો છે.
4 ફેબ્રુઆરીની ટિપ્પણી: સત્તા પક્ષના એક સાંસદે બે પૂર્વ પ્રધાનમંત્રીઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. વિપક્ષે વાંધો ઉઠાવ્યો છતાં તેમને રોકવામાં આવ્યા ન હતા.
મહિલા સાંસદો અંગે: સ્પીકર દ્વારા વિપક્ષી મહિલા સાંસદોને લઈને કરવામાં આવેલી ટિપ્પણીનો પણ આ નોટિસમાં ઉલ્લેખ છે.
આ પ્રસ્તાવ પર 118 સાંસદોની સહી છે, પરંતુ ટીએમસી આ બાબતથી અળગી રહી છે. અવિશ્વાસ પ્રસ્તાવ લાવનારા સાંસદોનું કહેવું છે કે તેઓ સ્પીકરનું વ્યક્તિગત રીતે સન્માન કરે છે, પરંતુ તેમનું વલણ પક્ષપાતી રહ્યું છે. લોકસભા સ્પીકરે આ નોટિસની તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા માટે સેક્રેટરી જનરલને નિર્દેશ આપ્યા છે.
'અમે માત્ર સંદેશ આપવા માંગીએ છીએ'
આ અંગે કોંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "ભલે અમારી પાસે જરૂરી સંખ્યાબળ (Number) નથી, પરંતુ વિપક્ષ એક સ્પષ્ટ સંદેશ આપવા માંગે છે. અમે સરકારની જેમ એવું બહાનું નથી કાઢતા કે સામે મોટી ઈકોનોમી છે તો લડી ન શકીએ. અમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. સ્પીકરની ખુરશી પર બેઠેલી વ્યક્તિ પાસેથી નિષ્પક્ષ વ્યવહારની અપેક્ષા રાખવામાં આવે છે."
રાહુલ ગાંધીની સહી ન હોવા અંગે પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટતા કરી કે, "રાહુલજીએ સહી નથી કરી, પરંતુ 118 સાંસદોએ કરી છે." જ્યારે ટીએમસી વિશે તેમણે કહ્યું કે ભલે તેમના સાંસદોની સહી નથી, પરંતુ તેઓ અમારી સાથે જ છે.