ભારતની મોટી તૈયારી: પાકિસ્તાનની ઉંઘ હરામ કરવા આવી રહ્યા છે 114 નવા રાફેલ, મેક્રોનની મુલાકાત પહેલાં 3.25 લાખ કરોડની ડીલ ફાઈનલ!
India France Defence Deal: ફ્રાંસના રાષ્ટ્રપતિના ભારત પ્રવાસ પહેલાં ભારતીય વાયુસેના માટે 114 રાફેલ જેટની ઐતિહાસિક ડીલ મંજૂર થવાની તૈયારીમાં છે. જાણો 3.25 લાખ કરોડના આ મેગા પ્રોજેક્ટ અને તેનાથી પાકિસ્તાન કેમ ફફડી રહ્યું છે તેની સંપૂર્ણ વિગતો.
'ઓપરેશન સિંદૂર' દરમિયાન જ્યારે પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને PoK માં એરસ્ટ્રાઈક કરી હતી, ત્યારે રાફેલ વિમાનોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
India France Defence Deal: ભારતીય વાયુસેના (IAF) પોતાની તાકાતમાં અનેરો વધારો કરવા જઈ રહી છે, જેના સમાચાર માત્રથી પાડોશી દેશ પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ભારતની મુલાકાતે આવે તે પહેલાં જ ભારત 114 રાફેલ ફાઈટર જેટ ખરીદવાની તૈયારીમાં છે. અંદાજે 3.25 લાખ કરોડ રૂપિયાની આ મેગા ડીલ માત્ર સેનાને જ મજબૂત નહીં કરે, પરંતુ ‘મેક ઈન ઈન્ડિયા' મિશનને પણ નવી ઊંચાઈ આપશે.
12 ફેબ્રુઆરીએ મળી શકે છે મંજૂરી સૂત્રોના જણાવ્યા અનુસાર, 12 ફેબ્રુઆરી 2026ના રોજ રક્ષા અધિગ્રહણ પરિષદ (DAC)ની મહત્વની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં 114 મલ્ટી-રોલ ફાઈટર એરક્રાફ્ટ (MRFA) ખરીદવા માટે ‘એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી' (AoN) એટલે કે જરૂરિયાતની સ્વીકૃતિ મળવાની પૂરી શક્યતા છે. ડિફેન્સના નિયમો મુજબ, કોઈપણ મોટી ખરીદી માટે આ પહેલું ઔપચારિક પગલું ગણાય છે.
નોંધનીય છે કે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન 18થી 20 ફેબ્રુઆરી દરમિયાન ‘AI Impact Summit' માટે ભારત આવી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન આ ડીલને આગળ વધારવામાં આવે અથવા તેને આખરી ઓપ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
શું છે આખી ડીલ?
96 વિમાનો ભારતમાં જ બનશે આ પ્રસ્તાવ ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનો છે. યોજના મુજબ ભારત ફ્રેન્ચ કંપની ‘ડસોલ્ટ એવિએશન' પાસેથી 18 રાફેલ જેટ ‘ફ્લાય-અવે' (તૈયાર હાલતમાં) કન્ડિશનમાં ખરીદશે. બાકીના 96 ફાઈટર જેટ ભારતમાં જ ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે મળીને બનાવવામાં આવશે. આમાં ઘણા ટુ-સીટર (બે સીટ વાળા) વિમાનો પણ હશે, જેનો ઉપયોગ ટ્રેનિંગ માટે થશે.
ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ બોર્ડ (DPB) દ્વારા આ પ્રસ્તાવને અગાઉથી જ લીલી ઝંડી મળી ચૂકી છે. હવે DAC ની મંજૂરી બાદ કોમર્શિયલ વાતચીત થશે અને છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિ (CCS) તેને ફાઈનલ મંજૂરી આપશે.
ઓપરેશન સિંદૂર અને રાફેલનો ડર
ભારત પાસે અત્યારે 36 રાફેલ વિમાનો છે, જેણે પોતાની તાકાત સાબિત કરી દીધી છે. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન જ્યારે પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને PoK માં એરસ્ટ્રાઈક કરી હતી, ત્યારે રાફેલ વિમાનોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ વિમાનોએ સ્કેલ્પ મિસાઈલ, મેટિઓર અને હેમર બોમ્બ વડે આતંકી ઠેકાણા તો નષ્ટ કર્યા જ હતા, સાથે પાકિસ્તાની વિમાનોને પણ ધૂળ ચટાડી દીધી હતી.
વાયુસેના પ્રમુખનું નિવેદન ગયા વર્ષે ઓક્ટોબર 2025માં વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહે પણ નવા ફાઈટર જેટ્સની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે રાફેલ ભારતીય વાયુસેના માટે શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે. 114 નવા વિમાનોના ઉમેરાથી ભારતની હવાઈ સુરક્ષા અભેદ્ય બની જશે અને ચીન તથા પાકિસ્તાન જેવા પડોશીઓ સામે ભારતનું પલ્લું ભારે રહેશે.