ટેસ્લા સસ્તી નહીં થાય! ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ઈલોન મસ્કને મોટો ઝટકો, જાણો લક્ઝરી કારના ભાવ પર શું થશે અસર
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેની નવી ટ્રેડ ડીલમાં લક્ઝરી કાર અને બાઈક્સ સસ્તી થશે, પરંતુ ટેસ્લાને કોઈ રાહત મળી નથી. જાણો ઈલોન મસ્કની મુશ્કેલીઓ કેમ વધી અને ભારતમાં ટેસ્લાનું ભવિષ્ય શું છે.
યુરોપિયન ડીલમાં વાહનો પરનો ટેરિફ ઘટાડીને 10% સુધી લઈ જવાની અને EV માટે તબક્કાવાર રાહતોની વાત છે.
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા નવા વ્યાપાર કરાર (Trade Deal)ના સમાચાર ઓટોમોબાઈલ સેક્ટર માટે મિશ્ર પરિણામો લઈને આવ્યા છે. એક તરફ લક્ઝરી કાર અને પાવરફુલ બાઈક્સના શોખીનો માટે ખુશખબર છે, તો બીજી તરફ ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા (Tesla) અને તેના સીઈઓ ઈલોન મસ્ક માટે આ સમાચાર નિરાશાજનક સાબિત થયા છે. લાંબા સમયથી ભારતમાં એન્ટ્રી માટે ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડાની રાહ જોઈ રહેલા મસ્કને આ ડીલથી મોટો ફટકો પડ્યો છે.
શું છે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 ફેબ્રુઆરીના રોજ ભારત અને અમેરિકા વચ્ચે એક વચગાળાની ટ્રેડ ડીલની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની લાંબી ચર્ચાઓ બાદ આ નિર્ણય લેવાયો છે. આ સમજૂતીમાં ‘લેવડ-દેવડ'ની નીતિ સ્પષ્ટ દેખાય છે:
અમેરિકા શું કરશે: અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પરનો ટેરિફ 50% થી ઘટાડીને 18% કરવાનો નિર્ણય લીધો છે.
ભારત શું કરશે: બદલામાં ભારતે રશિયા પાસેથી કાચા તેલની ખરીદી અટકાવવા અને અમેરિકન વાહનો પર ડ્યુટી ઘટાડવા સહમતિ દર્શાવી છે.
પેટ્રોલ-ડીઝલ કાર સસ્તી થશે, પણ EV નહીં
રશિયા-યુક્રેન અને ગ્લોબલ માર્કેટની સ્થિતિ વચ્ચે આ ડીલની સૌથી મોટી અસર લક્ઝરી વાહનો પર પડી છે.
પેટ્રોલ-ડીઝલ કાર: 3,000 CC થી વધુ ક્ષમતા ધરાવતી હાઈ-એન્ડ અમેરિકન કાર પરની ઈમ્પોર્ટ ડ્યુટી 110% થી ઘટાડીને 30% કરવામાં આવશે. જોકે, આ ઘટાડો રાતોરાત નહીં થાય પરંતુ આગામી 10 વર્ષમાં ધીરે-ધીરે લાગુ થશે.
હાર્લી-ડેવિડસન: બાઈક લવર્સ માટે સારા સમાચાર એ છે કે હાર્લી-ડેવિડસન જેવી મોટરસાયકલો પરની ઈમ્પોર્ટ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ (ખતમ) કરી દેવામાં આવી છે.
ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV): નવાઈની વાત એ છે કે આ કરારમાંથી ઇલેક્ટ્રિક વાહનોને બાકાત રાખવામાં આવ્યા છે. મતલબ કે ટેસ્લા જેવી કંપનીઓને ટેક્સમાં કોઈ છૂટ મળશે નહીં.
યુરોપ સાથે ડીલ અલગ, અમેરિકા સાથે અલગ
નોંધનીય બાબત એ છે કે ભારતે યુરોપિયન યુનિયન સાથે જે કરાર કર્યો છે, તેમાં ઇલેક્ટ્રિક વાહનો માટે નરમ વલણ અપનાવ્યું છે. યુરોપિયન ડીલમાં વાહનો પરનો ટેરિફ ઘટાડીને 10% સુધી લઈ જવાની અને EV માટે તબક્કાવાર રાહતોની વાત છે. પરંતુ અમેરિકા સાથેની ડીલમાં EV ને બહાર રાખવામાં આવતા ટેસ્લા માટે ભારતના દરવાજા ખૂલવા મુશ્કેલ બની ગયા છે.
ટેસ્લા માટે ભારતની સફર મુશ્કેલ બની
ટેસ્લા માટે ભારતનું માર્કેટ ખૂબ જ પડકારજનક રહ્યું છે. ઈલોન મસ્ક સતત ઊંચી ઈમ્પોર્ટ ડ્યુટીની ટીકા કરતા આવ્યા છે, પરંતુ સરકાર તરફથી તેમને કોઈ ખાસ રાહત મળી નથી. બ્લૂમબર્ગના જાન્યુઆરી 2026 ના રિપોર્ટ મુજબ ટેસ્લાની હાલત ભારતમાં ઘણી નબળી છે:
વેચાણમાં ઘટાડો: વર્ષ 2025 માં ટેસ્લા ભારતમાં માત્ર 227 ગાડીઓ જ રજીસ્ટર કરાવી શકી.
બુકિંગ કેન્સલ: અનેક ગ્રાહકો જેમણે ઉત્સાહમાં બુકિંગ કરાવ્યું હતું, તેમણે પાછળથી બુકિંગ રદ કરાવ્યું છે.
ડિસ્કાઉન્ટ છતાં મંદી: કંપનીએ માર્કેટ પકડવા માટે SUV મોડલ્સ પર 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું હોવા છતાં વેચાણ વધ્યું નથી.
ગ્રાહકોનો મોહભંગ અને હરીફાઈ
ભારતીય ગ્રાહકો હવે માત્ર બ્રાન્ડ નેમ પર જવાને બદલે કિંમત અને ફીચર્સ પર ધ્યાન આપી રહ્યા છે. ટેસ્લાની સામે BMW iX1 અને BYD ની સીલાયન (Sealion) જેવી કારો મજબૂત વિકલ્પ બનીને ઉભરી છે. આ કારો ટેસ્લાના 'મોડલ વાય' કરતા સસ્તી છે અને ફીચર્સમાં તેને ટક્કર આપે છે. ગ્લોબલ લેવલે પણ ચીનની BYD કંપની હવે દુનિયાની સૌથી મોટી EV વિક્રેતા બની ગઈ છે, જ્યારે ટેસ્લાની ડિમાન્ડ ઘટી રહી છે.
ટૂંકમાં કહીએ તો, ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી પરંપરાગત લક્ઝરી કાર કંપનીઓને ફાયદો થશે, પરંતુ ઈલોન મસ્કનું સસ્તા ટેક્સ સાથે ભારતમાં ગાડીઓ વેચવાનું સપનું હાલ પૂરતું તો રોળાઈ ગયું છે.