ઇન્કમ ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર! ડ્રાફ્ટ રૂલ્સ થયા જાહેર, 22 ફેબ્રુઆરી સુધી આપી શકશો તમારો અભિપ્રાય; જાણો વિગતવાર | Moneycontrol Gujarati
Get App

ઇન્કમ ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર! ડ્રાફ્ટ રૂલ્સ થયા જાહેર, 22 ફેબ્રુઆરી સુધી આપી શકશો તમારો અભિપ્રાય; જાણો વિગતવાર

Income Tax Draft Rules: ઇન્કમ ટેક્સ વિભાગે નવા એક્ટના ડ્રાફ્ટ રૂલ્સ જાહેર કર્યા છે. 1 એપ્રિલ, 2026થી નવો કાયદો લાગુ થશે. 1961ના જૂના કાયદાની જગ્યાએ આવનારા આ સરળ નિયમો વિશે જાણવા વાંચો આ અહેવાલ..

અપડેટેડ 02:34:49 PM Feb 10, 2026 પર
Story continues below Advertisement
આ ડ્રાફ્ટ પર સામાન્ય જનતા અને નિષ્ણાતો 22 ફેબ્રુઆરી, 2026 સુધી પોતાના સૂચનો કે અભિપ્રાય આપી શકે છે.

Income Tax Draft Rules: જો તમે ટેક્સપેયર છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નવા ‘ઇન્કમ ટેક્સ રૂલ્સ, 2026’ નો ડ્રાફ્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ નવા નિયમો ઇન્કમ ટેક્સ એક્ટ, 2025 ની વિગતો પૂરી પાડે છે.

ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરેલા યુનિયન બજેટ 2026માં આ નવા એક્ટની જાહેરાત કરી હતી. આ નવો એક્ટ વર્ષો જૂના ‘ઇન્કમ ટેક્સ એક્ટ, 1961’ નું સ્થાન લેશે અને આ જ વર્ષે 1 એપ્રિલથી લાગુ થવા જઈ રહ્યો છે.

22 ફેબ્રુઆરી સુધી આપી શકાશે અભિપ્રાય

સરકારે અત્યારે જે ડ્રાફ્ટ બહાર પાડ્યો છે, તેમાં ટેક્સના કાયદાઓ કેવી રીતે અમલમાં આવશે તેની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. સામાન્ય રીતે 'એક્ટ' માં કાયદા હોય છે, જ્યારે 'રૂલ્સ' માં તે કાયદાને ટેક્સપેયર્સ, પ્રોફેશનલ્સ અને અધિકારીઓ કેવી રીતે લાગુ કરશે તેની રીત હોય છે.

આ ડ્રાફ્ટ પર સામાન્ય જનતા અને નિષ્ણાતો 22 ફેબ્રુઆરી, 2026 સુધી પોતાના સૂચનો કે અભિપ્રાય આપી શકે છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સના નિયમો અને કાયદાની ભાષાને એકદમ સરળ બનાવવાનો છે, જેથી સામાન્ય માણસ પણ તેને સમજી શકે. જોકે, ટેક્સના મૂળભૂત નિયમોમાં કોઈ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા નથી.


નિયમોની સંખ્યામાં કરાયો મોટો ઘટાડો

નવા એક્ટની સૌથી સારી વાત એ છે કે તેને નાનો અને સરળ બનાવવામાં આવ્યો છે. દિલ્હીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રતિભા ગોયલે આ અંગે જણાવ્યું હતું કે, "ઇન્કમ ટેક્સ વિભાગે જાહેર કરેલા ડ્રાફ્ટ રૂલ્સથી પ્રોફેશનલ્સને કાયદાના પાસા સમજવામાં સરળતા રહેશે."

તેમણે એક મહત્વનો આંકડો શેર કરતા કહ્યું કે, જૂના ઇન્કમ ટેક્સ એક્ટ, 1961માં કુલ 511 રૂલ્સ (નિયમો) હતા. જે ઘટાડીને નવા એક્ટમાં માત્ર 323 કરી દેવામાં આવ્યા છે. આમ, લગભગ 6 દાયકા સુધી ચાલેલા જૂના કાયદાની સરખામણીમાં નવો કાયદો ઘણો સરળ બની ગયો છે.

રિટર્ન ફાઈલ કરવું બનશે સરળ

એક્સપર્ટ્સનું માનવું છે કે નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ થયા બાદ સામાન્ય કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની પ્રક્રિયા ખૂબ જ આસાન થઈ જશે. જૂના કાયદાની સૌથી મોટી મુશ્કેલી તેની જટિલ ભાષા હતી, જેના કારણે નિયમો સમજવા અઘરા પડતા હતા અને ટેક્સપેયર્સે વારંવાર CA કે પ્રોફેશનલ્સની મદદ લેવી પડતી હતી. હવે નવા એક્ટમાં અઘરા નિયમોને સાદી અને સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યા છે.

ક્યારે થશે ફાઈનલ અને ક્યારથી લાગુ?

અત્યારે જે રૂલ્સ આવ્યા છે તે માત્ર 'ડ્રાફ્ટ' છે, એટલે કે તે હજુ આખરી નથી. પ્રક્રિયા કઈક આવી રહેશે, સરકાર ટેક્સ પ્રોફેશનલ્સ, ઉદ્યોગ જગત અને કંપનીઓ પાસેથી મળેલા ફીડબેક (અભિપ્રાયો) નો અભ્યાસ કરશે. જરૂરી સુધારા-વધારા અને મંજૂરી બાદ તેનું ફાઈનલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. નવા ઇન્કમ ટેક્સ એક્ટ સાથે આ નવા રૂલ્સ 1 એપ્રિલ, 2026 થી સત્તાવાર રીતે લાગુ થઈ જશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ડ્રાફ્ટ રૂલ્સ બાદ હવે જલ્દી જ નવા ITR ફોર્મ્સ પણ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો-‘નરવણે ખોટું બોલે છે કે પેંગ્વિન?' પુસ્તક વિવાદ પર રાહુલ ગાંધીનો મોટો સવાલ, કહ્યું- અમને પૂર્વ આર્મી ચીફ પર પૂરો ભરોસો છે

MoneyControl News

MoneyControl News

First Published: Feb 10, 2026 2:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.