રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા સામે નોંધાઈ FIR: પોલીસ પર હુમલો અને સરકારી કામમાં અડચણ ઊભી કરવાનો ગંભીર આરોપ
દિલ્હીમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ પર હુમલો કરવા બદલ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા સામે FIR નોંધાઈ છે. આ મામલે 91 લોકોની અટકાયત કરાઈ છે. જાણો શું છે સમગ્ર મામલો.
પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર, આ પ્રદર્શન દરમિયાન કુલ 91 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં ઘણા સાંસદો અને અગ્રણી નેતાઓ સામેલ છે.
Rahul Gandhi FIR: દિલ્હીમાં થયેલા કોંગ્રેસના એક ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. દિલ્હી પોલીસે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સામે FIR નોંધી છે. આ સાથે જ કોંગ્રેસના અન્ય નેતાઓ અને પ્રદર્શનમાં ભાગ લેનારા અનેક કાર્યકર્તાઓ સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ પર પ્રદર્શન દરમિયાન પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો અને સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, બુધવારના રોજ દિલ્હીમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા હંગામા અને ઘર્ષણના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ પોલીસ સમગ્ર મામલાની અને તેમાં સામેલ લોકોની ભૂમિકાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
91 લોકોની કરવામાં આવી અટકાયત
પોલીસના સત્તાવાર નિવેદન અનુસાર, આ પ્રદર્શન દરમિયાન કુલ 91 લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં ઘણા સાંસદો અને અગ્રણી નેતાઓ સામેલ છે. 'ઈન્ડિયા' ગઠબંધનના નેતાઓએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં આ વિરોધ માર્ચ કાઢી હતી.
ઘટનાક્રમ મુજબ, જનપથ પર આવેલી એક સાઉથ ઈન્ડિયન વેજિટેરિયન રેસ્ટોરન્ટમાં બપોરનું ભોજન લીધા બાદ, તમામ વિપક્ષી નેતાઓ બસોમાં બેસીને અચાનક જંતર-મંતર પર ધરણા કરવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં જ પોલીસે તેમની બસોને રોકી લીધી હતી, જેના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ જોવા મળ્યું હતું.
CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ અને પ્રિયંકાનો વિરોધ
વિપક્ષના સભ્યો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની ઉગ્ર માંગ સાથે નારેબાજી કરી રહ્યા હતા. આ માહોલ વચ્ચે પ્રિયંકા ગાંધી અને અન્ય મહિલા નેતાઓ હાથમાં બંધારણની કોપી લઈને રસ્તા પર જ સૂઈ ગયા હતા. પોલીસે ભારે જહેમત બાદ તેમને ત્યાંથી બળજબરીથી હટાવીને બસોમાં બેસાડ્યા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસ, CPM, CPI, RJD, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને અન્ય કેટલાક પક્ષોના સાંસદો પણ જોડાયા હતા.
પોલીસ કરી રહી છે મારપીટના વીડિયોની તપાસ
જંતર-મંતર પાસે થયેલા આ હંગામામાં મહિલા પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલો સાથે પણ કથિત રીતે ઝપાઝપી અને મારપીટ થઈ હોવાની ફરિયાદો ઉઠી છે. દિલ્હી પોલીસ આ ઘટનાને લગતા મોબાઈલ ફોન પર ઉતારવામાં આવેલા અને અન્ય સ્ત્રોતોમાંથી મળેલા અનેક વીડિયો ફૂટેજની તપાસ કરી રહી છે.
આ વીડિયોના આધારે કાયદો અને વ્યવસ્થા જાળવવા તૈનાત પોલીસકર્મીઓ સાથે ઘર્ષણ કરનારા પ્રદર્શનકારીઓની ઓળખ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિલ્હી પોલીસ સરકારી કર્મચારીઓ પર હુમલો કરવાના આરોપમાં નવી ભારતીય ન્યાય સંહિતાની કડક કલમો હેઠળ FIR નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી કરી રહી છે.