H-1B વિઝા સંકટ: અમેરિકામાં નોકરી છૂટતા લોન પર ઘર ખરીદનારા ભારતીયોની હાલત કફોડી, મજબૂરીમાં વતન વાપસી
H-1B visa crisis: અમેરિકામાં H-1B વિઝા સંકટ અને નોકરી જવાની બીકે ભારતીયોની હાલત ખરાબ થઈ છે. લોન પર લીધેલા ઘર વેચીને કે છોડીને મજબૂરીમાં ભારત પાછા ફરવું પડી રહ્યું છે.
H-1B visa crisis: અમેરિકા જઈને સેટલ થવાનું સપનું જોનારા અનેક ભારતીયો માટે અત્યારે ખૂબ જ કપરો સમય ચાલી રહ્યો છે. અમેરિકામાં H-1B વિઝા અને નોકરીની અનિશ્ચિતતાના કારણે સ્થાયી થયેલા પરિવારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઘર અને ગાડી હોવા છતાં, નોકરી જવાના ડર અને મોર્ગેજ લોનની મોટી જવાબદારીઓ વચ્ચે અનેક પરિવારોને મજબૂરીમાં બધું છોડીને ભારત પરત ફરવાનો વારો આવ્યો છે.
ખાસ કરીને ટેક્સાસના ડલાસ-ફોર્ટવર્થ અને આસપાસના વિસ્તારોમાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સની મોટી વસ્તી છે. અગાઉ આ જ ભારતીયો સ્થાનિક રિયલ એસ્ટેટ માર્કેટનો મુખ્ય આધાર હતા. સ્થાનિક બિલ્ડરોના જણાવ્યા મુજબ, લક્ઝરી ઘરોના વેચાણમાં અગાઉ દક્ષિણ એશિયાઈ મુખ્યત્વે ભારતીય ખરીદદારોનો હિસ્સો 70% જેટલો હતો. પરંતુ, હવે આ આંકડો ઘટીને સીધો 30% થી પણ નીચે આવી ગયો છે.
કોરોના મહામારી વખતે ઘરો સસ્તા હતા, ત્યારે અનેક ભારતીયોએ મોટી રકમની મોર્ગેજ લોન લઈને ઘર ખરીદી લીધા હતા. પણ હવે અચાનક નોકરીઓ છૂટી જવાને કારણે દર મહિને આટલા મોટા હપ્તા ભરવા તેમના માટે અશક્ય બની ગયા છે.
ઘર વેચવું પણ બન્યું મુશ્કેલ: બેવડો આર્થિક માર
નોકરી ગયા પછી ઘર વેચીને શાંતિથી વતન પાછા ફરવું પણ આ પરિવારો માટે સહેલું નથી.
સમય અને ખર્ચ: ઘર વેચાતા મહિનાઓ નીકળી જાય છે અને ત્યાં સુધી લોનના હપ્તા તો ચાલુ જ રાખવા પડે છે.
ભાવમાં ઘટાડો: પ્રોપર્ટીની બજાર કિંમત ઘટી ગઈ છે. ઘર વેચવા જતાં લોનની રકમ પણ ઊભી થઈ શકતી નથી, જેના કારણે મોટો આર્થિક ફટકો પડે છે.
આ જ કારણ છે કે ઘણા પરિવારો ઘર વેચ્યા વગર જ, લોનની જવાબદારીઓ એમ જ છોડીને મજબૂરીમાં ભારત પાછા ફરી રહ્યા છે.
60 દિવસના ગ્રેસ પિરિયડ પર લટકતી તલવાર
આ સમસ્યા માત્ર H-1B વિઝા પૂરતી સીમિત નથી, પરંતુ L-1 જેવા એમ્પ્લોયર-લિંક્ડ વિઝા ધરાવતા લોકો પણ પરેશાન છે. US Department of Homeland Security દ્વારા એક નવી દરખાસ્ત મૂકવામાં આવી છે. જેમાં H-1B અને L-1 વિઝા ધારકોને નોકરી છૂટ્યા પછી નવો રસ્તો શોધવા જે 60 દિવસનો ગ્રેસ પિરિયડ મળતો હતો, તે રદ કરવાની વાત છે. ભલે આ માત્ર એક દરખાસ્ત હોય, પરંતુ તેનાથી લોકોમાં કાયદેસર સ્ટેટસ અને નોકરીની સુરક્ષાને લઈને ડરનો માહોલ છે.
ગુજરાતીઓ પર સીધી અસર: હવે EB-5 વિઝા તરફ વધ્યો ઝુકાવ
આ સંકટની સીધી અસર ગુજરાત પર પણ પડી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના અનેક યુવાનો H-1B વિઝા પર અમેરિકામાં ટેક અને એન્જિનિયરિંગ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. ગ્રીનકાર્ડ મળવામાં લાગતો લાંબો સમય અને વિઝાની અનિશ્ચિતતાથી કંટાળીને હવે ગુજરાતીઓ કાયમી વસવાટ માટે EB-5 ઈન્વેસ્ટર વિઝા જેવા વિકલ્પો તરફ વળ્યા છે. હવે આ પ્રકારના વિઝા માટેની પૂછપરછમાં મોટો ઉછાળો આવ્યો છે.
અમેરિકન ડ્રીમ પૂરું કરવા ગયેલા ભારતીયો માટે હાલ વિઝા અને નોકરીનું સંકટ એક મોટો પડકાર બની ગયું છે. જો આગામી સમયમાં વિઝાના નિયમો વધુ કડક બનશે, તો સ્થિતિ હજુ વધારે વણસી શકે છે.