IRDAI new rules 2026: હેલ્થ અને કાર ઇન્સ્યોરન્સ થશે સસ્તા, એજન્ટોના કમિશન પર IRDAI ચલાવશે કાતર | Moneycontrol Gujarati
Get App

IRDAI new rules 2026: હેલ્થ અને કાર ઇન્સ્યોરન્સ થશે સસ્તા, એજન્ટોના કમિશન પર IRDAI ચલાવશે કાતર

IRDAI new rules 2026: IRDAI એ હેલ્થ અને મોટર ઇન્સ્યોરન્સ પર એજન્ટોનું કમિશન 40% થી ઘટાડીને 15% કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા નિયમથી ગ્રાહકોને પ્રીમિયમમાં સીધો ફાયદો થશે. જાણો નવા નિયમોની વિગત.

અપડેટેડ 10:55:48 AM Sep 25, 2026 પર
Story continues below Advertisement
અત્યાર સુધી પોલિસી ખરીદવા પર ગ્રાહકોના પ્રીમિયમનો મોટો હિસ્સો એજન્ટો અને ડિસ્ટ્રિબ્યુટરના ખિસ્સામાં કમિશન રૂપે જતો હતો. પરંતુ હવે નવા પ્રસ્તાવ મુજબ મોટા ફેરફારો થશે.

IRDAI new rules 2026: જો તમે પણ દર વર્ષે હેલ્થ કે કાર ઇન્સ્યોરન્સના મોંઘા પ્રીમિયમથી પરેશાન છો, તો તમારા માટે રાહતના સમાચાર છે. ભારતીય વીમા નિયમન અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) એ વીમા સેક્ટરને વધુ ગ્રાહક-લક્ષી અને પારદર્શક બનાવવા માટે એક કડક નિર્ણય લીધો છે.

IRDAI દ્વારા એક નવો ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યો છે. આ નવા નિયમો અંતર્ગત મોટર અને હેલ્થ ઇન્સ્યોરન્સ પર ડિસ્ટ્રિબ્યુટર અને એજન્ટોને મળતા તોતિંગ કમિશનમાં મોટો ઘટાડો કરવામાં આવશે. આ નિયમ લાગુ થવાથી એજન્ટોને મળતું કમિશન ઘટશે અને તેનો સીધો આર્થિક ફાયદો ગ્રાહકોને સસ્તા પ્રીમિયમ રૂપે મળશે.

હેલ્થ ઇન્સ્યોરન્સમાં પ્રીમિયમ ઘટશે

અત્યાર સુધી પોલિસી ખરીદવા પર ગ્રાહકોના પ્રીમિયમનો મોટો હિસ્સો એજન્ટો અને ડિસ્ટ્રિબ્યુટરના ખિસ્સામાં કમિશન રૂપે જતો હતો. પરંતુ હવે નવા પ્રસ્તાવ મુજબ મોટા ફેરફારો થશે:

* પહેલા વર્ષે ડિસ્ટ્રિબ્યુટરનું કમિશન 40% થી ઘટાડીને સીધું 15% કરવામાં આવશે.


* એજન્ટોને પહેલા વર્ષે 20% કમિશન આપવામાં આવશે.

* પોલિસી રિન્યુઅલ વખતે પણ કમિશન ઘટશે; જેમાં ડિસ્ટ્રિબ્યુટરને માત્ર 5% અને એજન્ટને 10% કમિશન મળશે જે અગાઉ 10 થી 15% સુધી વસૂલાતું હતું.

* નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અગાઉ GST માં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને નહોતો મળ્યો, પરંતુ કમિશન ઘટવાથી પ્રીમિયમની રકમમાં સીધો ઘટાડો જોવા મળશે.

લોન સાથે પરાણે વીમો પધરાવવાની પ્રથા બંધ

ઘણીવાર બેંકમાંથી લોન લેતી વખતે ગ્રાહકોને બિનજરૂરી વીમો પધરાવી દેવામાં આવતો હોય છે. IRDAI એ આ 'મિસ-સેલિંગ' (ગેરમાર્ગે દોરીને વીમો વેચવાની પ્રથા) પર કડક પ્રતિબંધ મૂક્યો છે. હવે લોન સાથે કોઈ પણ બિનજરૂરી કે ફરજિયાત ન હોય તેવો વીમો ગ્રાહકને વેચી શકાશે નહીં. આ પગલાથી સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડતો વધારાનો બોજ હળવો થશે.

કાર ઇન્સ્યોરન્સ અને ડીલરોના કમિશન પર બ્રેક

વાહન વીમાના આંકડાઓ ખૂબ ચોંકાવનારા છે. છેલ્લા 2 વર્ષમાં મોટર ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં 34% નો વધારો થયો છે, જ્યારે કમિશનમાં 259% નો જંગી ઉછાળો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2026 ના ડેટા મુજબ, મોટર ઇન્સ્યોરન્સમાં 29,000 કરોડ રૂપિયાનું પ્રીમિયમ વસૂલાયું હતું. જેમાંથી 7,050 કરોડ રૂપિયા તો માત્ર કમિશનમાં જ ચૂકવાયા હતા. કેટલીક જગ્યાએ તો ગ્રાહકો પાસેથી 50% સુધીનું કમિશન વસૂલવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

‘વીમા સુગમ પોર્ટલ' બનશે ફરજિયાત

આ ખુલ્લી લૂંટ અટકાવવા માટે IRDAI એ કાર ડીલરોનું કમિશન પણ ઘટાડીને મહત્તમ 15% કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ઉપરાંત, દરેક કાર શોરૂમ અને ડીલરોએ પોતાની દુકાનમાં ‘વીમા સુગમ પોર્ટલ'નો QR કોડ ગ્રાહકો જોઈ શકે તે રીતે સાર્વજનિક રૂપે રાખવો ફરજિયાત બનશે. ગ્રાહક આ કોડ સ્કેન કરીને જાતે જ થર્ડ-પાર્ટી મોટર ઇન્સ્યોરન્સ ખરીદી શકશે. ડીલરોએ પણ ગ્રાહકોને આ પોર્ટલ વિશે માહિતગાર કરવા જ પડશે.

આ પણ વાંચો- એશિયન ગેમ્સ 2026: ભારતનો દબદબો! શૂટિંગમાં બીજો ગોલ્ડ, દેશના ખાતામાં અત્યાર સુધી 19 મેડલ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

સરકાર અને IRDAIની આ તૈયારીથી સ્પષ્ટ છે કે આવનારા સમયમાં વીમા બજારમાં એજન્ટોની મનમાની ઓછી થશે. ડિજિટલ પોર્ટલનો વ્યાપ વધવાથી અને કમિશન પર સંકજો કસાવાથી સામાન્ય માણસને હેલ્થ અને વાહન વીમો ખરીદવો વધુ સસ્તો અને સરળ પડશે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 25, 2026 10:51 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.