94 વર્ષની ઉંમર, 14 લાખ કરોડની સંપત્તિ: અરબપતિ વોરેન બફેટનો અચાનક મોટો નિર્ણય, બોલ્યા- ‘હવે સમય આવી ગયો...’ | Moneycontrol Gujarati
Get App

94 વર્ષની ઉંમર, 14 લાખ કરોડની સંપત્તિ: અરબપતિ વોરેન બફેટનો અચાનક મોટો નિર્ણય, બોલ્યા- ‘હવે સમય આવી ગયો...’

બફેટની નિવૃત્તિની જાહેરાત બાદ બર્કશાયર હેથવેના શેરમાં તેજી જોવા મળી. શેર 1.80%ના ઉછાળ સાથે 539.80 ડોલરના સ્તરે બંધ થયો. આ શેર હવે તેના 542.07 ડોલરના ઉચ્ચ સ્તરની નજીક પહોંચી ગયો છે.

અપડેટેડ 11:26:43 AM May 04, 2025 પર
Story continues below Advertisement
વિશ્વના ટોચના 10 અરબપતિઓમાં પાંચમા ક્રમે સામેલ અને દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે બર્કશાયર હેથવેની વાર્ષિક બેઠકમાં 40,000 શેરહોલ્ડર્સને ચોંકાવી દીધા.

વિશ્વના ટોચના 10 અરબપતિઓમાં પાંચમા ક્રમે સામેલ અને દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટે બર્કશાયર હેથવેની વાર્ષિક બેઠકમાં 40,000 શેરહોલ્ડર્સને ચોંકાવી દીધા. 94 વર્ષની ઉંમરે તેમણે અચાનક કંપનીના CEO પદેથી નિવૃત્તિની જાહેરાત કરી. વિશ્વના પાંચમા સૌથી શ્રીમંત વ્યક્તિએ કહ્યું કે, હવે કંપનીની જવાબદારી કોઈ બીજાને સોંપવાનો સમય આવી ગયો છે.

3 Berkshire Hathaway 3

નિવૃત્તિની જાહેરાત

શનિવારે ઓમાહામાં યોજાયેલી બર્કશાયર હેથવેની વાર્ષિક બેઠકમાં વોરેન બફેટે તેમની કારકિર્દીનો અંત લાવવાની જાહેરાત કરી. તેમણે સંબોધનમાં કહ્યું, “મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આ વર્ષના અંત સુધીમાં કંપનીને નવો મુખ્ય કાર્યકારી અધિકારી મળી જવો જોઈએ.” એટલે કે, 2025ના અંતે વોરેન બફેટ બર્કશાયર હેથવે છોડશે, અને તેમની જગ્યાએ નવા CEO જવાબદારી સંભાળશે. આ અચાનક જાહેરાતથી 40,000થી વધુ હાજર રોકાણકારો ચોંકી ગયા. જોકે, શેરહોલ્ડર્સે ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે બફેટના નિર્ણયનું સ્વાગત કર્યું.

નવા CEO કોણ?


નિવૃત્તિની જાહેરાત સાથે બફેટે કંપનીના નવા ઉત્તરાધિકારી અંગેની ઉત્કંઠા પણ દૂર કરી. તેમણે જણાવ્યું કે ગ્રેગ એબેલ 2025ના અંતે બર્કશાયર હેથવેના નવા CEO બનશે. 62 વર્ષીય એબેલ 2018થી કંપનીના ઉપાધ્યક્ષ છે અને તેઓ બિન-વીમા વ્યવસાયોનું નેતૃત્વ કરી રહ્યા છે. 2021થી જ તેમને બફેટના ઉત્તરાધિકારી તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. એબેલે શેરહોલ્ડર્સને કહ્યું, “બર્કશાયરનો ભાગ બનીને હું ગૌરવ અનુભવું છું.”

3 Berkshire Hathaway 2

શેર નહીં વેચું, દાન કરીશ

બર્કશાયર હેથવેનું બજાર મૂલ્ય (માર્કેટ કેપિટલાઇઝેશન) 1.16 ટ્રિલિયન ડોલર છે. નિવૃત્તિની જાહેરાત સાથે બફેટે સ્પષ્ટ કર્યું કે તેઓ કંપનીના શેરહોલ્ડર રહેશે અને કંપનીના નિર્ણયો ગ્રેગ એબેલ લેશે, પરંતુ બફેટ સલાહકારની ભૂમિકામાં સક્રિય રહેશે. તેમણે કહ્યું, “મારી પાસે બર્કશાયરનો એક પણ શેર વેચવાનો ઈરાદો નથી. હું આખરે તે દાન કરી દઈશ.”

3 Berkshire Hathaway 1

એક યુગનો અંત

94 વર્ષની ઉંમરે વોરેન બફેટની નિવૃત્તિને એક યુગનો અંત કહેવું અતિશયોક્તિ નથી. 60 વર્ષના નોંધપાત્ર કાર્યકાળ બાદ તેમણે આ નિર્ણય લીધો છે. તેમના નેતૃત્વમાં બર્કશાયર હેથવે એક નિષ્ફળ ટેક્સટાઇલ કંપનીમાંથી 1.16 ટ્રિલિયન ડોલરના વિશાળ સામ્રાજ્યમાં ફેરવાઈ, જેનો વ્યવસાય આખા અમેરિકામાં ફેલાયેલો છે.

ટ્રમ્પની નીતિઓની ટીકા

શેરહોલ્ડર્સની બેઠકમાં બફેટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓની ટીકા કરી અને વૈશ્વિક વેપાર સહકારના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વેપારનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ ન કરવો જોઈએ.

આ પણ વાંચો- વૈદિક મંત્રોચ્ચારના દિવ્ય નાદ વચ્ચે ખુલ્યા બદ્રીનાથ ધામના કપાટ, શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી થઈ પુષ્પવર્ષા

MoneyControl News

MoneyControl News

First Published: May 04, 2025 11:26 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.