બાંગ્લાદેશે અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લોન લીધી છે. કુલ વિદેશી દેવામાંથી લગભગ 26% હિસ્સો વર્લ્ડ બેંકનો છે.
Bangladesh Debt Crisis: ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ ગંભીર આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યો છે. વર્લ્ડ બેંક દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા 'ઇન્ટરનેશનલ ડેટ રિપોર્ટ 2025' અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં બાંગ્લાદેશ પર વિદેશી દેવાનો બોજ 42% જેટલો વધી ગયો છે. આ રિપોર્ટ દર્શાવે છે કે દેશની આર્થિક સ્થિતિ પર દેવું ચૂકવવાનું દબાણ સતત વધી રહ્યું છે.
દેવાનો આંકડો ચોંકાવનારો રિપોર્ટ મુજબ, વર્ષ 2020માં બાંગ્લાદેશનું કુલ વિદેશી દેવું 73.55 બિલિયન ડોલર હતું, જે 2024ના અંત સુધીમાં વધીને 104.48 બિલિયન ડોલર પર પહોંચી ગયું છે. આ આંકડામાં સરકારી અને ખાનગી ક્ષેત્ર દ્વારા લેવામાં આવેલી તમામ લોનનો સમાવેશ થાય છે. સૌથી ચિંતાની વાત એ છે કે નવા દેવાની રકમ ભલે ધીમે-ધીમે વધી હોય, પરંતુ જૂની લોન ચૂકવવાનો ખર્ચ લગભગ બમણો થઈ ગયો છે.
જૂની લોન ચૂકવવી બની મુશ્કેલ આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2020માં બાંગ્લાદેશે મૂળ રકમ અને વ્યાજ પેટે 3.73 બિલિયન ડોલર ચૂકવ્યા હતા. જયારે, 2024 સુધીમાં આ રકમ વધીને 7.35 બિલિયન ડોલર થઈ ગઈ. આ દર્શાવે છે કે દેશ પર લોનના હપ્તા ભરવાનું દબાણ કેટલું વધી ગયું છે. નવાઈની વાત એ છે કે, દેવું ચૂકવવાની જવાબદારી વધવા છતાં, બાંગ્લાદેશને મળતી નવી લોનની રકમમાં ખાસ કોઈ વધારો થયો નથી.
મોટા પ્રોજેક્ટ્સ બન્યા બોજ?
છેલ્લા એક દાયકામાં બાંગ્લાદેશે દેશના વિકાસ માટે મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેવા કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, મેટ્રો રેલ, એરપોર્ટ ટર્મિનલ, રિવર ટનલ અને એક્સપ્રેસવે માટે વિદેશમાંથી મોટી રકમનું ધિરાણ લીધું હતું. આમાંથી ઘણા પ્રોજેક્ટ્સની લોનની ચુકવણી હવે શરૂ થઈ ગઈ છે, જેણે દેશની તિજોરી પર ભાર વધાર્યો છે. વર્ષ 2024માં બાંગ્લાદેશનું વિદેશી દેવું તેની નિકાસમાંથી થતી કમાણીના 192% હતું. જ્યારે, દેવાની કુલ ચુકવણી તેની નિકાસના 16% જેટલી હતી. આ ગંભીર આંકડાઓને કારણે વર્લ્ડ બેંકે બાંગ્લાદેશને એવા દેશોની યાદીમાં મૂક્યું છે કે જેમના પર દેવું ચૂકવવાનું દબાણ ઝડપથી વધી રહ્યું છે. આ યાદીમાં શ્રીલંકાનો પણ સમાવેશ થાય છે.
કોની પાસેથી લીધું છે દેવું?
બાંગ્લાદેશે અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લોન લીધી છે. કુલ વિદેશી દેવામાંથી લગભગ 26% હિસ્સો વર્લ્ડ બેંકનો છે. બાંગ્લાદેશ વર્લ્ડ બેંકની શાખા IDA (ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન) પાસેથી ઓછી વ્યાજ દરે લોન લેનારા મુખ્ય દેશોમાં સામેલ છે. એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) અને જાપાન, આ બંને પાસેથી પણ બાંગ્લાદેશે મોટી રકમનું ધિરાણ લીધું છે. આમ, એક તરફ વિકાસના મોટા પ્રોજેક્ટ્સ અને બીજી તરફ વધતું જતું દેવું અને તેની ચુકવણીનો બોજ, બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા માટે આવનારા સમયમાં મોટો પડકાર બની શકે છે.