Bharat Bandh 12 February: 12 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન! શું બેંકો, શાળાઓ અને ઓફિસો રહેશે બંધ? જાણો સંપૂર્ણ લિસ્ટ
12 ફેબ્રુઆરીએ દેશભરમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. 10થી વધુ યુનિયનો સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે. જાણો આ દિવસે તમારી સ્કૂલ, ઓફિસ કે બેંક ચાલુ રહેશે કે બંધ? વાંચો વિગતવાર અહેવાલ
યૂનિયનોએ દાવો કર્યો છે કે, માત્ર વિપક્ષ શાસિત રાજ્યોમાં જ નહીં, પરંતુ ભાજપ શાસિત રાજ્યોમાં પણ આ બંધની અસર જોવા મળશે.
Bharat Bandh 12 February: આગામી 12 ફેબ્રુઆરીના રોજ દેશભરમાં વિવિધ ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં બોલાવવામાં આવેલી આ હડતાલની અસર સામાન્ય જનજીવન પર પડી શકે છે. જો તમે 12 ફેબ્રુઆરીએ બેંકના કામ માટે બહાર જવાનું વિચારી રહ્યા હોવ અથવા ઓફિસ જવાના હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે.
શા માટે અપાયું છે ભારત બંધનું એલાન?
10થી વધુ ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચા (SKM) સહિતના ખેડૂત સંગઠનોએ આ બંધનું આહ્વાન કર્યું છે. યુનિયનોનો આરોપ છે કે કેન્દ્ર સરકારની નીતિઓ "મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ સમર્થક" છે. ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના મહાસચિવ અમરજીત કૌરના જણાવ્યા અનુસાર, આ વખતે આંદોલનમાં ગત વખત કરતા વધુ લોકો જોડાય તેવી શક્યતા છે.
તેમણે દાવો કર્યો છે કે આ હડતાલમાં દેશભરમાંથી અંદાજે 30 કરોડ મજૂરો અને કામદારો જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 9 જુલાઈ 2025ના રોજ થયેલા પ્રદર્શનમાં લગભગ 25 કરોડ લોકો જોડાયા હતા. યુનિયનોના મતે દેશના 600થી વધુ જિલ્લાઓમાં બંધની અસર જોવા મળી શકે છે.
12 ફેબ્રુઆરીએ શું બંધ રહી શકે છે?
આ હડતાલને કારણે કેટલીક મહત્વપૂર્ણ સેવાઓ પર અસર પડવાની શક્યતા છે. યુનિયનોએ સરકારી વિભાગો અને જાહેર સાહસોને નોટિસ પાઠવી દીધી છે. નીચે મુજબની સેવાઓ પર અસર પડી શકે છે:
સરકારી બેંકો અને વીમા કંપનીઓના કામકાજ.
સરકારી કચેરીઓ અને જાહેર ક્ષેત્રના એકમો (PSUs).
કેટલાક રાજ્યોમાં રાજ્ય પરિવહનની બસ સેવાઓ.
ઔદ્યોગિક એકમો અને મેન્યુફેક્ચરિંગ હબ.
કોલસા, સ્ટીલ અને અન્ય મોટા ઉદ્યોગો
ગ્રામીણ વિસ્તારોમાં મનરેગા (MGNREGA) હેઠળના કામો.
શું ખુલ્લું રહેશે?
સામાન્ય જનતાને તકલીફ ન પડે તે માટે કેટલીક આવશ્યક સેવાઓને બંધમાંથી બાકાત રાખવામાં આવી છે. નીચે મુજબની સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે:
હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી સ્વાસ્થ્ય સેવાઓ.
દૂધ, દવાઓ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓની સપ્લાય.
મેટ્રો સેવા (જે તે શહેરના સ્થાનિક પ્રશાસનના નિર્ણય પર આધારિત).
ખાનગી ઓફિસો અને આઈટી (IT) કંપનીઓ.
શાળાઓ અને કોલેજો (આ અંગે રાજ્ય સરકાર કે સ્થાનિક કલેક્ટર નિર્ણય લેશે, હાલ કોઈ સત્તાવાર રજા જાહેર નથી).
ભાજપ શાસિત રાજ્યોમાં પણ અસરની શક્યતા
યૂનિયનોએ દાવો કર્યો છે કે માત્ર વિપક્ષ શાસિત રાજ્યોમાં જ નહીં, પરંતુ ભાજપ શાસિત રાજ્યોમાં પણ આ બંધની અસર જોવા મળશે. ખાસ કરીને ઓડિશા અને આસામ જેવા રાજ્યોમાં બંધની વ્યાપક અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બ્લોક લેવલ સુધી પ્રચાર અભિયાન પણ ચલાવવામાં આવ્યા છે.