6G Technology: ભારતે 6G ટેક્નોલોજીમાં મોટી સફળતા મેળવી! IIT હૈદરાબાદે 7GHz બેન્ડમાં 6G પ્રોટોટાઇપ તૈયાર કર્યું, જે 2030માં રોલઆઉટ થશે. આ ટેક્નોલોજી ગામડાંથી શહેર સુધી હાઇ-સ્પીડ કનેક્ટિવિટી આપશે. વધુ જાણો!
IIT હૈદરાબાદે 6G માટે લો-પાવર સિસ્ટમ ચિપ ડિઝાઇન કરી છે, જે સિવિલિયન અને ડિફેન્સ ઉપયોગ માટે ટેરેસ્ટ્રિયલ અને સેટેલાઇટ કનેક્શન પૂરું પાડશે.
6G Technology: ભારતે ટેક્નોલોજીના ક્ષેત્રે વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) હૈદરાબાદે 6G ટેક્નોલોજીનું પ્રોટોટાઇપ તૈયાર કરી લીધું છે, જે 2030 સુધીમાં દેશભરમાં રોલઆઉટ થવાની શક્યતા છે. આ ટેક્નોલોજી માત્ર 5G કરતાં ઝડપી નથી, પરંતુ ગામડાં, શહેરો, આકાશ, જમીન અને સમુદ્રમાં પણ હાઇ-સ્પીડ કનેક્ટિવિટી પૂરી પાડશે.
6G પ્રોટોટાઇપનું સફળ પરીક્ષણ
IIT હૈદરાબાદે 7GHz બેન્ડમાં 6G પ્રોટોટાઇપનું સફળ પરીક્ષણ કર્યું છે. આ ટેક્નોલોજી 5Gની સરખામણીમાં અનેકગણી ઝડપી હશે. IIT હૈદરાબાદના પ્રોફેસર કિરણ કુચીના જણાવ્યા અનુસાર, દર દશકે નવી જનરેશનની મોબાઇલ ટેક્નોલોજી આવે છે. 5Gનો વિકાસ 2010થી 2020 દરમિયાન થયો હતો અને 2022થી તેનો દેશભરમાં વિસ્તાર શરૂ થયો. 6G પ્રોટોટાઇપનું કામ 2021માં શરૂ થયું હતું, અને હવે 2030 સુધીમાં તે રોલઆઉટ માટે તૈયાર થશે.
લો-પાવર ચિપની ખાસિયત
IIT હૈદરાબાદે 6G માટે લો-પાવર સિસ્ટમ ચિપ ડિઝાઇન કરી છે, જે સિવિલિયન અને ડિફેન્સ ઉપયોગ માટે ટેરેસ્ટ્રિયલ અને સેટેલાઇટ કનેક્શન પૂરું પાડશે. હાલમાં, આ ચિપને હાઇ-પરફોર્મન્સ 6G-AI ચિપસેટમાં વિકસાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પગલું ભારતને ઇન્ટરનેશનલ ટેક્નોલોજીના મુખ્ય પ્રવાહમાં સામેલ કરશે.
AI અને 6Gનું ભવિષ્ય
6G ટેક્નોલોજીના આગમનથી AR/VR, AI-યુક્ત ડિવાઇસ અને ઑટોનોમસ મોબિલિટીનો અનુભવ વધુ સારો થશે. ફેક્ટરીઓ, શાળાઓ, હોસ્પિટલો, ડિફેન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં AI-યુક્ત 6G ડિવાઇસ દેશના દરેક નાગરિકના જીવનને સ્પર્શશે. આ ઉપરાંત, આ ટેક્નોલોજી દેશની ઉત્પાદકતા અને સુરક્ષા વધારવામાં પણ મદદ કરશે.
ભારત બની રહ્યું છે ટેક્નોલોજી ટ્રેન્ડસેટર
ભારતે તાજેતરમાં નેટવર્ક્સ, ડિવાઇસ, AI એપ્લિકેશન અને ફેબલેસ ચિપ ડિઝાઇનમાં સ્વદેશી ઇનોવેશનને પ્રોત્સાહન આપતી નીતિઓ અપનાવી છે. આનાથી ભારત ટેક્નોલોજીના ક્ષેત્રે ગ્લોબલ સપ્લાયર અને સ્ટાન્ડર્ડ સેટર બની રહ્યું છે. 2030માં જ્યારે વિશ્વ 6G ટેક્નોલોજી અપનાવશે, ત્યારે ભારત પોતાની ટેક્નોલોજી, પ્રોડક્ટ્સ અને ઇકોસિસ્ટમ દ્વારા ‘વિકસિત ભારત 2047’ના વિઝનને હાંસલ કરવા આગળ વધશે.