Death Certificate: વડોદરા મનપાની જન્મ-મરણની ઓફિસે જીવિત વૃદ્ધાને મોકલ્યો મરણનો દાખલો! પંચનામું કરી હયાતીનો દાખલો કઢાવ્યો
Death Certificate: કચેરી દ્વારા કરજણ તાલુકાના હાંડોદ ગામના રહેવાસી વિધવા વૃદ્ધ ઝવેરબેન ખુશાલભાઈ પરમાર હયાત હોવા છતાં તેમનો મરણનો દાખલો પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવ્યો હતો. મરણના દાખલામાં ઝવેરબેન પરમારની મૃત્યુની તારીખ 17 જુલાઈ 2023ના રોજ સયાજી હોસ્પિટલ, વડોદરામાં જણાવાયું છે.
પરિવારજનો દ્વારા આ બાબતે ગ્રામ પંચાયતમાં જઈને જાણ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા ઝવેરબેન પરમારની હયાતીનું પંચનામું કરવામાં આવ્યું હતું.
Death Certificate: વડોદરા મહાનગર સેવા સદનની જન્મ-મરણની કચેરીમાં ચાલતા અંધેર વહીવટી તંત્રનો એક કિસ્સો સામે આવ્યો છે. જન્મ-મરણની કચેરી દ્વારા કરજણ તાલુકાના હાંડોદ ગામની વિધવા વૃદ્ધા જીવિત હોવા છતાં, તેઓનો મરણ દાખલો તૈયારી કરી વૃદ્ધાના ઘરે પોસ્ટ દ્વારા મોકલી આપ્યો હતો. મરણનો દાખલો જોઈ વૃદ્ધા અને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. મરણનો દાખલો આવતા પરિવારજનોને ગ્રામ પંચાયત પાસે પંચનામું કરાવી હયાતીનો દાખલો લેવાની ફરજ પડી હતી.
પોસ્ટ દ્વારા દાખલો પહોંચ્યો
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હાંડોદ ગામના પરમાર ફળિયામાં રહેતા વિધવા મહિલા ઝવેરબેન ખુશાલભાઈ પરમાર જીવિત હોવા છતાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણની કચેરી દ્વારા તેઓના ઘરે ઝવેરબેન ખુશાલભાઈ પરમારનો મરણનો દાખલો પહોંચ્યો હતો. આથી પુત્ર સહિત પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા.
પરિવારમાં ચિંતાનું મોજું
દરમિયાન પરિવારજનો દ્વારા આ બાબતે ગ્રામ પંચાયતમાં જઈને જાણ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા ઝવેરબેન પરમારની હયાતીનું પંચનામું કરવામાં આવ્યું હતું. બાદમાં પરિવારજનોને ઝવેરબેન પરમારની હયાતીનો દાખલો આપવામાં આવ્યો હતો. પોસ્ટ દ્વારા ઘરે મરણનો દાખલો આવતા સરકારની વિધવા પેન્શનનો લાભ લેતા ઝવેરબેન પરમાર ચિંતામાં આવી ગયા હતા. ગ્રામ પંચાયત દ્વારા પંચનામું કરીને હયાતીનો દાખલો આપતા ઝવેરબેન અને પરિવારજનોએ રાહત અનુભવી હતી.
દાખલામાં 17 જુલાઈના રોજ મૃત્યુ બતાવ્યું
મળેલી માહિતી પ્રમાણે વડોદરા મહાનગર સેવા સદનની જન્મ-મરણ વિભાગની કચેરી વડોદરાના શીયાબાગ ખાતે આવેલી છે. આ કચેરી દ્વારા કરજણ તાલુકાના હાંડોદ ગામના રહેવાસી વિધવા વૃદ્ધ ઝવેરબેન ખુશાલભાઈ પરમાર હયાત હોવા છતાં તેમનો મરણનો દાખલો પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવ્યો હતો. મરણના દાખલામાં ઝવેરબેન પરમારની મૃત્યુની તારીખ 17 જુલાઈ 2023ના રોજ સયાજી હોસ્પિટલ, વડોદરામાં જણાવાયું છે.
હયાતીનો દાખલો લેવો પડ્યો
પોસ્ટ દ્વારા મરણનો દાખલો ઘરે આવતા ઝવેરબેનનો પુત્ર ગણપતભાઈ પરમાર ચોંકી ઉઠ્યા હતા. માતા જીવિત હોવા છતાં વડોદરા કોર્પોરેશનની જન્મ-મરણની કચેરી દ્વારા મરણનો દાખલો મોકલવામાં આવતા ફળિયામાં પણ ચકચાર મચી ગઈ હતી. માતા વિધવા હોઇ અને તેઓને સરકારની યોજના મુજબ વિધવા પેન્શનનો લાભ મળતો હોવાથી પુત્ર ગણપતભાઈને પોતાની માતાને જીવિત સાબિત કરવા માટે ગ્રામ પંચાયતનો દાખલો લેવાની ફરજ પડી હતી.