BRICS Summit 2026: દિલ્હીમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું આગમન, 11 થી 13 સપ્ટેમ્બરની ટ્રાફિક એડવાઇઝરી જાહેર
દિલ્હીના ભારત મંડપમમાં 18મા બ્રિક્સ સંમેલન માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન પહોંચ્યા. 11 થી 13 સપ્ટેમ્બર સુધી દિલ્હી પોલીસની ટ્રાફિક એડવાઇઝરી, રૂટ ડાયવર્ઝન અને શું ચાલુ રહેશે તેની લેટેસ્ટ માહિતી જાણો.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
BRICS Summit 2026: દિલ્હીના પ્રખ્યાત 'ભારત મંડપમ' ખાતે 12 અને 13 સપ્ટેમ્બરના રોજ યોજાનાર બે દિવસીય બ્રિક્સ સંમેલન માટે દુનિયાભરના દિગ્ગજ નેતાઓનું આગમન શરૂ થઈ ગયું છે. ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહેલા આ 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે વહેલી સવારે દિલ્હી પહોંચી ગયા છે. આ હાઈ-પ્રોફાઈલ ઇવેન્ટને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને ટ્રાફિક પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક ડાયવર્ઝન લાગુ કર્યા છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર માહિતી આપી કે વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે ફેબ્રુઆરી 2022 માં યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી રશિયાની બહાર કોઈપણ બ્રિક્સ સંમેલનમાં પુતિનની આ પ્રથમ વ્યક્તિગત હાજરી છે.
બ્રિક્સ સંમેલન અને રાષ્ટ્રપતિ પુતિનનો 3 દિવસનો કાર્યક્રમ
11 સપ્ટેમ્બર (શુક્રવાર): રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. જેમાં સંરક્ષણ, ઉર્જા, વેપાર, ટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ્સ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. બંને નેતાઓ 'INNOPROM' પ્રદર્શનમાં ભાગ લેશે અને પુતિન બ્રિક્સ બિઝનેસ ફોરમને પણ સંબોધિત કરશે.
12 સપ્ટેમ્બર (શનિવાર): બપોરે 2:35 વાગ્યાથી ક્લોઝ ડોર સેશન સાથે મુખ્ય સંમેલનની શરૂઆત થશે. ત્યારબાદ ઇન્ડિયા ઇનોવેટ્સ પ્રદર્શન, ફેમિલી ફોટો, વૃક્ષારોપણ અને રાત્રે 7:30 વાગ્યે પીએમ મોદી દ્વારા આયોજિત ગાલા ડિનર યોજાશે.
13 સપ્ટેમ્બર (રવિવાર): સવારે 10:50 વાગ્યે ઉદ્ઘાટન સત્ર શરૂ થશે. આ વર્ષની થીમ 'Building for Resilience, Innovation, Cooperation and Sustainability' રાખવામાં આવી છે. આ સંમેલનનું સમાપન 'નવી દિલ્હી ઘોષણાપત્ર' સાથે થશે.
આ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, યુએઈના ક્રાઉન પ્રિન્સ, યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લઈ રહ્યા છે.
ટ્રાફિક એડવાઇઝરી: કયા રસ્તા બંધ રહેશે અને ક્યાં થશે અસર?
દિલ્હી ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સંમેલન દરમિયાન આખી દિલ્હી બંધ નહીં રહે. પરંતુ VVIP કાફલાની અવરજવર સમયે થોડા સમય માટે ટ્રાફિક રોકવામાં આવી શકે છે. શહેરમાં 35 થી વધુ મુખ્ય રસ્તાઓ અને 22 ડાયવર્ઝન પોઇન્ટ પર નિયંત્રણો રહેશે. મથુરા રોડ, સરદાર પટેલ માર્ગ, શાંતિ પથ, જનપથ, અશોકા રોડ, બારાખંભા રોડ, ટોલ્સટોય માર્ગ અને આફ્રિકા એવન્યુ રોડ જેવા વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ટ કરાશે.નોઈડા, પૂર્વ દિલ્હી અને દ્વારકાથી એરપોર્ટ કે દક્ષિણ દિલ્હી તરફ જતા મુસાફરોને મુસાફરીમાં સામાન્ય કરતા વધુ સમય લાગી શકે છે.
દિલ્હીમાં શું ચાલુ રહેશે અને શું બંધ?
કનોટ પ્લેસમાર્કેટ 11 થી 13 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણપણે ખુલ્લું રહેશે. સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન પર આવેલું દિલ્હી મેટ્રો મ્યુઝિયમ 11 થી 13 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. 14 સપ્ટેમ્બરે સોમવારની રજા હોવાથી તે હવે 15 સપ્ટેમ્બરે ખુલશે. મેટ્રો સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે, પરંતુ સુરક્ષાના કારણે અમુક સ્ટેશનોના ગેટ બંધ રહી શકે છે. ઓટો, ટેક્સી અને બસો ચાલુ રહેશે પરંતુ પ્રતિબંધિત વિસ્તારોમાં પીક-અપ કે ડ્રોપ-ઓફ કરી શકાશે નહીં. દૂધ, શાકભાજી અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓની સપ્લાય ચાલુ રહેશે, જ્યારે ભારે વાહનો અને ટ્રકોની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે.
વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે ખાસ સલાહ
ટ્રાફિક પોલીસે UPSC, NDA અને CDS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા જતા વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ સમય કરતા વહેલા ઘરેથી નીકળે અને પોતાનું એડમિટ કાર્ડ અને આઈડી પ્રૂફ સાથે જ રાખે. હોસ્પિટલ જતા દર્દીઓએ પણ રસ્તા પરના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વહેલા નીકળવું. કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો તાત્કાલિક નજીકના ટ્રાફિક પોલીસનો સંપર્ક કરવો.