કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયો. સરકારે ચીનથી આવતા FDI માટે Press Note 3 ના નિયમો હળવા કર્યા. ગુજરાતના ધોલેરામાં નવા એરપોર્ટને લીલી ઝંડી. જાણો તમામ અગત્યના નિર્ણયો.
એપ્રિલ 2000 થી ડિસેમ્બર 2025 વચ્ચેના આંકડા મુજબ, ભારતમાં રોકાણ કરનારા દેશોમાં ચીન 23 માં નંબરે છે.
Cabinet Decisions: કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આજે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં અર્થતંત્ર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૌથી મોટો નિર્ણય ચીનથી આવતા સીધા વિદેશી રોકાણ (FDI) ને લઈને છે. સરકારે હવે ચીનથી આવતા FDI ની શરતોમાં થોડી છૂટછાટ આપી છે.
ચીન માટે FDI ના નિયમો હળવા કરાયા
કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, 'Press Note 3' માં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે એક નક્કી કરેલી મર્યાદા સુધી ચીનથી તરફથી રોકાણ (FDI) માટે સરકારની મંજૂરી લેવાની જરૂર રહેશે નહીં. આ મર્યાદામાં રહીને સીધું રોકાણ ભારતમાં આવી શકશે.
અગાઉના નિયમ મુજબ, ભારત સાથે જમીની સરહદ ધરાવતા 7 દેશો (ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, મ્યાનમાર અને અફઘાનિસ્તાન) ની કંપનીઓને ભારતના કોઈપણ સેક્ટરમાં રોકાણ કરતા પહેલા સરકારની ખાસ મંજૂરી લેવી પડતી હતી. હવે આ કડક નિયમમાં ચીન માટે થોડી રાહત આપવામાં આવી છે.
ગલવાન ઘાટી વિવાદ અને ચીની એપ્સ પર પ્રતિબંધ
જૂન 2020 માં ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ ભારત અને ચીનના સંબંધો ખૂબ જ ખરાબ થઈ ગયા હતા. આ ઘટના પછી ભારતે રોકાણના નિયમો કડક બનાવ્યા હતા અને સુરક્ષાના કારણોસર TikTok, WeChat અને અલીબાબાના UC Browser સહિત 200 થી વધુ ચીની મોબાઈલ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
ભારતમાં ચીનનું રોકાણ અને વ્યાપારના આંકડા
કડક તપાસ અને નિયમોને કારણે ભારતના કુલ FDI માં ચીનનો હિસ્સો ખૂબ જ ઓછો રહ્યો છે.
એપ્રિલ 2000 થી ડિસેમ્બર 2025 વચ્ચેના આંકડા મુજબ, ભારતમાં રોકાણ કરનારા દેશોમાં ચીન 23 માં નંબરે છે. આ સમયગાળામાં ચીને માત્ર 2.51 અબજ ડોલરનું રોકાણ કર્યું છે, જે ભારતના કુલ FDI ના માત્ર 0.32 ટકા છે. રોકાણ ભલે ઓછું હોય, પરંતુ બંને દેશો વચ્ચે વ્યાપાર સતત વધ્યો છે અને ચીન ભારતનો બીજો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે.
નાણાકીય વર્ષ 2025: ચીનમાં ભારતની નિકાસ નાણાકીય વર્ષ 2024 ના 16.66 અબજ ડોલરથી 14.5 ટકા ઘટીને 14.25 અબજ ડોલર રહી ગઈ. જ્યારે આયાત (Import) 101.73 અબજ ડોલરથી 11.52 ટકા વધીને 113.45 અબજ ડોલર થઈ ગઈ. જેના કારણે વેપાર ખાધ (Trade Deficit) 85 અબજ ડોલરથી વધીને 99.2 અબજ ડોલર થઈ ગઈ.
નાણાકીય વર્ષ 2026 (એપ્રિલ થી જાન્યુઆરી): ભારતની નિકાસ 38.37 ટકા વધીને 15.88 અબજ ડોલર થઈ, જ્યારે આયાત 13.82 ટકા વધીને 108.18 અબજ ડોલર થઈ. આ સમયમાં વેપાર ખાધ 92.3 અબજ ડોલર નોંધાઈ છે.
કેબિનેટ બેઠકના અન્ય મોટા નિર્ણયો
માત્ર FDI જ નહીં, કેબિનેટે અન્ય ઘણા પ્રસ્તાવ પણ પાસ કર્યા છે:
ગુજરાત માટે સારા સમાચાર: ગુજરાતના ધોલેરામાં નવું એરપોર્ટ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
નવા કાયદાઓને મંજૂરી: ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ (IBC) માં ફેરફાર અને કોર્પોરેટ લો એમેન્ડમેન્ટ બિલને કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે.
જલજીવન મિશન: ઘરે ઘરે પાણી પહોંચાડવાના આ મિશનને આગળ વધારવાનો પ્રસ્તાવ પાસ કરાયો છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી: જેવર એરપોર્ટને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડવાના પ્રસ્તાવને મંજૂરી મળી છે. આ ગ્રીનફિલ્ડ કનેક્ટિવિટીનો ખર્ચ વધીને 3630 કરોડ રુપિયા થઈ જશે.
આજની કેબિનેટ બેઠકમાં સરકારે આર્થિક વિકાસને વેગ આપવા અને દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવાના હેતુથી આ મહત્વના નિર્ણયો લીધા છે.