ભુવનેશ્વર સ્થિત હવામાન વિભાગ દ્વારા ગંજામ અને તેની આસપાસના વિસ્તારો માટે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Cyclone Arnab update: બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાત અર્નબને કારણે હવામાનમાં મોટો પલટો આવ્યો છે. ઓડિશા પર આ વાવાઝોડાનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ઓડિશા સરકારે ગંજામ સહિત 5 જિલ્લાઓમાં સ્કૂલ-કોલેજ અને આંગણવાડીઓ બંધ રાખવાનો મોટો નિર્ણય લીધો છે. આ સાથે જ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 8 જેટલી ટ્રેનો પણ કેન્સલ કરવામાં આવી છે. ચાલો જાણીએ આ વાવાઝોડાને લગતી તમામ લેટેસ્ટ માહિતી.
હવામાન વિભાગનું રેડ અને ઓરેન્જ એલર્ટ
ભુવનેશ્વર સ્થિત હવામાન વિભાગ દ્વારા ગંજામ અને તેની આસપાસના વિસ્તારો માટે ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 2 દિવસોમાં આ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પૂરી શક્યતા છે. આથી વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
ગંજામ જિલ્લો: કલેક્ટરના આદેશ મુજબ, 27 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર 2026 સુધી જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓ (પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક), ડિગ્રી કોલેજો, ટેકનિકલ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ બંધ રહેશે.
અન્ય જિલ્લાઓ: ગંજામ ઉપરાંત ઓડિશાના દક્ષિણ ભાગમાં આવેલા ગજપતિ, રાયગડા, કોરાપુટ અને મલકાનગિરી જિલ્લાઓમાં પણ 28 અને 29 ઓક્ટોબરે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવશે.
શિક્ષકો માટે ખાસ નિયમ: ભલે વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરાઈ હોય, પરંતુ સ્કૂલ-કોલેજના શિક્ષકો અને નોન-ટીચિંગ સ્ટાફે ફરજિયાતપણે પોતાની ડ્યુટી પર હાજર રહેવું પડશે અને તેમને સોંપાયેલી કામગીરી કરવાની રહેશે.
વાવાઝોડાને કારણે આ 8 ટ્રેનો કરાઈ રદ
ખરાબ હવામાનને કારણે રેલવે વિભાગે કેટલીક ટ્રેનો સંપૂર્ણ રદ કરી છે, તો કેટલીકના રૂટ ટૂંકાવ્યા છે. જો તમે મુસાફરી કરવાના છો, તો આ લિસ્ટ ખાસ ચેક કરી લેજો:
ટ્રેન નંબર 18515 અને 18516 (વિશાખાપટ્ટનમ-કિરંદુલ નાઈટ એક્સપ્રેસ): 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી બંને દિશામાં રદ રહેશે.
ટ્રેન નંબર 58538 (વિશાખાપટ્ટનમ-કોરાપુટ પેસેન્જર): 27 થી 30 ઓક્ટોબર સુધી નહીં ચાલે. તેની રિટર્ન ટ્રેન નંબર 58537 (કોરાપુટ-વિશાખાપટ્ટનમ) 28 થી 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 18512 (વિશાખાપટ્ટનમ-કોરાપુટ ઇન્ટરસિટી એક્સપ્રેસ): 30 ઓક્ટોબરે રદ રહેશે. જ્યારે તેની રિટર્ન ટ્રેન નંબર 18511 31 ઓક્ટોબરે નહીં દોડે.
ટ્રેન નંબર 58501 (વિશાખાપટ્ટનમ-કિરંદુલ પેસેન્જર) અને 58502 (રિટર્ન): આ બંને ટ્રેનો 27 થી 30 ઓક્ટોબર સુધી સંપૂર્ણ રદ કરવામાં આવી છે.
ટ્રેન નંબર 18447 (ભુવનેશ્વર-જગદલપુર હીરાખંડ એક્સપ્રેસ): 27 થી 30 ઓક્ટોબર સુધી આ ટ્રેન રાયગડા ખાતે જ સમાપ્ત થઈ જશે. જ્યારે રિટર્ન ટ્રેન નંબર 18448 કોરાપુટના બદલે રાયગડાથી જ 28 થી 31 ઓક્ટોબર દરમિયાન ઉપડશે.