Trump interview Video: હવે બહુ થયું, થેન્ક્યુ ડાર્લિંગ...મહિલા પત્રકારના સવાલ પર ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા, અધવચ્ચે છોડ્યો ઈન્ટરવ્યુ | Moneycontrol Gujarati
Get App

Trump interview Video: હવે બહુ થયું, થેન્ક્યુ ડાર્લિંગ...મહિલા પત્રકારના સવાલ પર ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા, અધવચ્ચે છોડ્યો ઈન્ટરવ્યુ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ NBC ના ઈન્ટરવ્યુમાં મહિલા પત્રકાર ક્રિસ્ટન વેલકર પર ભડક્યા. ચૂંટણીમાં ગેરરીતિના સવાલ પર ગુસ્સે થઈને ટ્રમ્પે અધવચ્ચે જ ઈન્ટરવ્યુ છોડી દીધો.

અપડેટેડ 11:00:47 AM Jun 08, 2026 પર
Story continues below Advertisement
આ વાતના જવાબમાં એન્કર ક્રિસ્ટન વેલકરે સ્પષ્ટતા કરી કે કેલિફોર્નિયામાં પોસ્ટલ બેલેટ અને અન્ય પ્રક્રિયાઓના કારણે મતગણતરીમાં થોડા દિવસો લાગવા એ એકદમ સામાન્ય બાબત છે.

Trump interview Video: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મીડિયા વચ્ચેનો વિવાદ કોઈ નવી વાત નથી, પરંતુ તાજેતરમાં બનેલી એક ઘટનાએ ફરીથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. NBC ના લોકપ્રિય કાર્યક્રમ 'મીટ ધ પ્રેસ' ના એક ઈન્ટરવ્યુ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે માઈક કાઢીને ઈન્ટરવ્યુ અધવચ્ચે જ છોડી દીધો. મહિલા એન્કર ક્રિસ્ટન વેલકર સાથે તેમની આ ઉગ્ર બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વિવાદનું મૂળ કેલિફોર્નિયા અને અમેરિકામાં થયેલી ચૂંટણીઓમાં ગેરરીતિના આક્ષેપો હતા.

ક્યાંથી શરૂ થઈ બોલાચાલી?

રવિવારે પ્રસારિત થયેલા આ ઈન્ટરવ્યુમાં કેલિફોર્નિયાની પ્રાથમિક ચૂંટણીની મતગણતરી વિશે ચર્ચા ચાલી રહી હતી. ટ્રમ્પે એવો આક્ષેપ કર્યો કે મતદાનના ઘણા દિવસો પછી પણ પરિણામ ન આવવું એ ચૂંટણી પ્રક્રિયામાં મોટી ગરબડનો સંકેત છે. તેમણે કહ્યું કે, "ચાર દિવસ થઈ ગયા છે અને હજુ સુધી તેઓ પરિણામ આપી શક્યા નથી."

આ વાતના જવાબમાં એન્કર ક્રિસ્ટન વેલકરે સ્પષ્ટતા કરી કે કેલિફોર્નિયામાં પોસ્ટલ બેલેટ અને અન્ય પ્રક્રિયાઓના કારણે મતગણતરીમાં થોડા દિવસો લાગવા એ એકદમ સામાન્ય બાબત છે. પરંતુ ટ્રમ્પ આ સાંભળીને ભડકી ગયા અને બોલ્યા, "શું તમને ખબર છે તેઓ આવું કેમ કરી રહ્યા છે? કારણ કે તેઓ ચૂંટણીમાં છેતરપિંડી કરી રહ્યા છે."


જ્યારે પત્રકારે પુરાવા માંગ્યા...

જ્યારે વેલકરે વારંવાર આ ગેરરીતિના પુરાવા માંગ્યા ત્યારે ટ્રમ્પે કહ્યું કે, "મારે માત્ર જોવાનું જ હોય છે." તેમણે ઉમેર્યું કે તેઓ લોકોની ફરિયાદો સાંભળે છે અને તેના આધારે પોતાનો અભિપ્રાય બનાવે છે.

આના પર વેલકરે સીધો જવાબ આપતા કહ્યું કે માત્ર આવું કહેવું એ કોઈ પુરાવો ન ગણી શકાય. આ સાંભળીને માહોલ ગરમાયો. ટ્રમ્પે ગુસ્સામાં પત્રકાર અને આખા પ્રેસ પર નિશાન સાધતા કહ્યું, "તેઓ ભ્રષ્ટ છે, જેમ કે તમે ભ્રષ્ટ છો. તમારું પ્રેસ ભ્રષ્ટ છે અને આ 'મીટ ધ પ્રેસ' પણ ભ્રષ્ટ છે."

વેલકરે શાંતિથી પોતાનો બચાવ કરતા કહ્યું કે હું નિષ્પક્ષ છું અને ભ્રષ્ટ નથી. આના પર ટ્રમ્પે વધુ આકરો પ્રહાર કરતા કહ્યું કે, "કાં તો તમે ભ્રષ્ટ છો અથવા મૂર્ખ છો. તમારું નેટવર્ક જાણે છે કે ચૂંટણીમાં ગેરરીતિ થાય છે." આ દરમિયાન ટ્રમ્પે માત્ર NBC જ નહીં, પરંતુ ABC, CBS અને CNN જેવા મોટા મીડિયા નેટવર્કને પણ ભ્રષ્ટ અને એકતરફી ગણાવ્યા.

'થેન્ક્યુ ડાર્લિંગ... તમારો દિવસ સારો રહે'

આટલી ઉગ્ર ચર્ચા પછી ટ્રમ્પે અચાનક ઈન્ટરવ્યુ ખતમ કરવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું, "માફ કરજો, હવે આને અહીં જ પૂરો કરીએ. હવે બહુ થયું. આભાર, ડાર્લિંગ... તમારો દિવસ સારો રહે."

જ્યારે વેલકરે વાત આગળ વધારવાની કોશિશ કરી, ત્યારે ટ્રમ્પે કંટાળો દર્શાવતા કહ્યું કે તેમણે પહેલેથી જ ઘણો સમય આપ્યો છે. "હું તમારી સાથે વરસાદમાં એક કલાક બેઠો છું. મેં તમને ઘણો સમય આપ્યો છે. તમારે તમારી પત્રકારિતા સુધારવી જોઈએ. સાંભળો, બેઈમાન પ્રેસ સાથે કોઈ દેશ ક્યારેય મહાન બની શકે નહીં. ચાલો જઈએ." આટલું કહીને તેમણે માઈક કાઢી નાખ્યું અને જતા રહ્યા.

આ સમગ્ર ઘટના ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકન મુખ્યપ્રવાહના મીડિયા વચ્ચેના જૂના તણાવને ઉજાગર કરે છે. રસપ્રદ વાત એ છે કે, આટલી બબાલ પછી પણ NBC ના રિપોર્ટ મુજબ ટ્રમ્પ ભવિષ્યમાં વેલકર સાથે ફરીથી ઈન્ટરવ્યુ આપવા માટે સંમત થયા છે. પરંતુ હાલ પૂરતો આ ઈન્ટરવ્યુ અમેરિકન રાજકારણમાં અને મીડિયા જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 08, 2026 11:00 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.