Gujarat Weather: રાજ્યમાં જુલાઈ મહિનામાં સારો વરસાદ વરસી ગયો. ઓગસ્ટ મહિનામાં સામાન્યથી પણ ઓછો વરસાદ રહેવાનું અનુમાન હતું અને એવું જ થયું. રાજ્યમાં છેલ્લા 22 દિવસથી વરસાદે વિરામ લીધો છે. મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. કૃષિ પાક માટે અત્યારે પાણીની જરૂર છે, પરંતુ વરસાદ ખેંચાયો છે. કારણ કે કોઈ સિસ્ટમ સક્રિય નથી. જોકે, હજુ પણ રાહ જોવી પડશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું હતું. જેના કારણે સારો વરસાદ આવે તેવી આશા હતી પરંતુ એ સિસ્ટમ ઉપર જતી રહી છે. એટલે હવે એક સપ્તાહ સુધી તો માત્ર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, દીવ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આવામાં આવનારા એક સપ્તાહમાં સારા વરસાદની રાહ જોઈને બેસી રહેતા નહીં. કારણ કે સારો વરસાદ આપે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. હજુ એક સપ્તાહ સુધી તો સારો વરસાદ થવાની કોઈ શક્યતા નથી. એટલે જો કૃષિ પાકને પાણીની જરુર હોય તો સિંચાઈ કરી દેજો.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહન્તી દ્વારા આગાહી કરતા આજે બપોરે જણાવાયું છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં વધારે વરસાદની કોઇ સંભાવના નથી. છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા છે. જોકે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધારે વરસાદ નહીં થાય. એકાદ બે જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે.