જોર્ડનમાં આવેલા 'અઝરક એર બેઝ' ને પણ આ સંયુક્ત ડ્રોન અને મિસાઈલ ઓપરેશનમાં ટાર્ગેટ કરવામાં આવ્યું છે.
મિડલ ઈસ્ટમાં તણાવ હવે કાબૂ બહાર જઈ રહ્યો છે અને પરિસ્થિતિ ભયંકર યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે. અમેરિકાના બોમ્બમારાથી રોષે ભરાયેલી ઈરાનની સેના 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' એ બહેરીનની રાજધાની મનામામાં આવેલા અમેરિકી નૌકાદળના સૌથી શક્તિશાળી 5 મા કાફલાના મુખ્યાલય પર મિસાઈલો અને ડ્રોન વડે ભીષણ હુમલો કર્યો છે.
આ હુમલા બાદ અમેરિકન હેડક્વાર્ટરમાંથી આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા છે. આ ભયાનક દ્રશ્યોના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઈરાને મોટો દાવો કર્યો છે કે તેણે અમેરિકા અને તેના સાથી દેશોના કુલ 85 સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે.
બહેરીન અને કુવૈતમાં મધરાતે સાયરન ગુંજ્યા
બહેરીન: રાજધાની મનામામાં મધરાતે અચાનક એર રેડ સાયરન વાગવા લાગ્યા હતા. થોડી જ વારમાં સલમાન પોર્ટ પર આવેલા US 5th Fleet ના મુખ્યાલય અને શેખ ઈસા એર બેઝ પર એક પછી એક જોરદાર ધડાકા સંભળાયા હતા.
કુવૈત: ઈરાને કુવૈતમાં આવેલા અમેરિકી સેનાના મુખ્ય ઠેકાણા 'અલી અલ સાલેમ એર બેઝ' પર પણ ઉપરાછાપરી મિસાઈલો છોડી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અહીં અમેરિકી સૈન્ય બેઝને ભારે નુકસાન થયું છે.
જોર્ડન: જોર્ડનમાં આવેલા 'અઝરક એર બેઝ' ને પણ આ સંયુક્ત ડ્રોન અને મિસાઈલ ઓપરેશનમાં ટાર્ગેટ કરવામાં આવ્યું છે.
આ ભીષણ જંગ વચ્ચે ઈરાને એવો પણ દાવો કર્યો છે કે તેની એર ડિફેન્સ સિસ્ટમે બુશહર પ્રાંત પર ઉડી રહેલા અમેરિકાના અત્યંત આધુનિક અને ઘાતક 'MQ-9 રીપર ડ્રોન' (MQ-9 Reaper Drone) ને હવામાં જ તોડી પાડ્યું છે. ઈરાનનો આરોપ છે કે આ ડ્રોન અમેરિકી હુમલાઓ બાદ જાસૂસી કરવા અને ટાર્ગેટ લોક કરવા માટે મોકલવામાં આવ્યું હતું.
ઈરાન આટલું બધું કેમ ભડક્યું? શું છે વિવાદનું મૂળ?
ઈરાનની આ ખતરનાક જવાબી કાર્યવાહી અમેરિકાએ તાજેતરમાં કરેલા મહા-બોમ્બમારાનું પરિણામ છે. થોડા દિવસો પહેલા અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે ઈરાનની અંદર ઘૂસીને 80 થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા હતા. અમેરિકાએ ઈરાનના કમાન્ડ સેન્ટર, એર ડિફેન્સ સિસ્ટમ, કોસ્ટલ રડાર સાઇટ્સ, એન્ટી-શિપ મિસાઈલ અને IRGC ની ડઝનબંધ ફાસ્ટ એટેક બોટનો નાશ કરી દીધો હતો.
અમેરિકાએ પહેલા કેમ હુમલો કર્યો હતો?
અમેરિકાનો દાવો હતો કે ઈરાને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માંથી પસાર થતા 3 કોમર્શિયલ જહાજો પર હુમલો કરીને સીઝફાયર તોડ્યો હતો. આના જવાબમાં કાર્યવાહી કરવી જરૂરી હતી. અમેરિકાના તે હુમલાને કારણે ઈરાનના બંદર અબ્બાસ, સીરિક અને કેશ્મ ટાપુના પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભયંકર આગ લાગી હતી.