ઈરાનના નવા સુપ્રીમ લીડરની ખુલ્લી ધમકી: ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ બંધ કરી દઈશું, અમેરિકન સૈન્ય અડ્ડાઓ પર થશે હુમલા
ઈરાનના નવા સુપ્રીમ લીડર મઝતબા ખામનેઈનો પહેલો સંદેશ: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની અને અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર હુમલાની આપી ચેતવણી. જાણો પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની વિગતો.
પોતાના સંદેશમાં ખામનેઈએ કહ્યું કે અમેરિકા અને તેના સાથી દેશો સામે લડવા માટે ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ના વ્યૂહાત્મક મહત્વનો ઉપયોગ કરવો જોઈએ.
પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર આયતુલ્લા મઝતબા ખામનેઈએ પદ સંભાળ્યા બાદ પોતાના પહેલા જ સંદેશમાં અમેરિકા અને ઈઝરાયેલને સજ્જડ ચેતવણી આપી છે. ગુરુવારે જારી કરાયેલા આ સંદેશમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ રાખી શકે છે અને વિસ્તારમાં રહેલા અમેરિકન સૈન્ય અડ્ડાઓ પર હુમલા પણ થઈ શકે છે.
પિતાના મૃત્યુ બાદ પહેલો કડક સંદેશ
પોતાના પિતાના નિધન બાદ સુપ્રીમ લીડર બન્યા પછી મઝતબા ખામનેઈનું આ પહેલું સાર્વજનિક નિવેદન છે. જોકે, ખામનેઈ પોતે કેમેરા સામે આવ્યા ન હતા. ઈરાનના સરકારી ટેલિવિઝન પર એક પ્રસ્તુતકર્તા (એંકર) એ તેમનો આ લેખિત સંદેશ વાંચીને સંભળાવ્યો હતો. આ સંદેશમાં બદલો લેવાની અને દુશ્મનો પર દબાણ બનાવવાની રણનીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે.
હોર્મુઝ બંધ કરીને દુનિયાનું નાક દબાવશે ઈરાન?
પોતાના સંદેશમાં ખામનેઈએ કહ્યું કે, અમેરિકા અને તેના સાથી દેશો સામે લડવા માટે ઈરાને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ના વ્યૂહાત્મક મહત્વનો ઉપયોગ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, આ સમુદ્રી માર્ગ દુનિયા માટે ખૂબ જ મહત્વનો છે. વિશ્વનો લગભગ 20% ક્રૂડ ઓઈલ સપ્લાય આ જ રસ્તેથી થાય છે. ખામનેઈએ કહ્યું કે, આ રસ્તો બંધ કરવો એ દુશ્મનો પર દબાણ લાવવાનો સૌથી અસરકારક રસ્તો હોઈ શકે છે.
અમેરિકન સૈન્ય અડ્ડાઓ નિશાના પર
ઈરાનના સુપ્રીમ લીડરે ચેતવણી આપતા કહ્યું કે, "પશ્ચિમ એશિયાના વિસ્તારમાં આવેલા તમામ અમેરિકન સૈન્ય અડ્ડાઓ તાત્કાલિક બંધ થવા જોઈએ." તેમણે ધમકી આપી છે કે જો આમ નહીં થાય, તો આ અડ્ડાઓને હુમલાનો શિકાર બનાવવામાં આવશે.
બદલો લેવાની વાત દોહરાવી
ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ખામનેઈએ કહ્યું કે ઈરાન પોતાના શહીદોના લોહીનો બદલો લેવા માટે પાછી પાની નહીં કરે. તેમણે યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈની માંગ પણ કરી છે. તેમણે કહ્યું કે જો દુશ્મનો ભરપાઈ નહીં કરે તો તેમના સંસાધનોને નષ્ટ કરવામાં આવશે. તેમણે એક સ્કૂલ પર થયેલા હુમલામાં માર્યા ગયેલા લોકોનો બદલો લેવાની વાત પર ખાસ ભાર મૂક્યો હતો.
ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળશે?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને અપાયેલી આ ચેતવણીથી ગ્લોબલ માર્કેટમાં ચિંતા વધી છે. જો આ રસ્તો બ્લોક થાય તો ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચી શકે છે અને વિશ્વની અર્થવ્યવસ્થા ડગમગી શકે છે. હાલમાં જહાજો પર થઈ રહેલા હુમલાઓને કારણે આ રસ્તે સુરક્ષાનો મોટો પ્રશ્ન ઉભો થયો છે.
ટ્રમ્પે કહ્યું - ઈરાન હારની નજીક
એક તરફ ઈરાને લાંબા યુદ્ધની તૈયારી દર્શાવી છે, તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે મોડી રાત્રે નિવેદન આપ્યું કે ઈરાન હવે જલ્દી જ હારની નજીક પહોંચી શકે છે અને તેની સ્થિતિ ‘અંત’ જેવી થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ગત 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઈરાનના તત્કાલીન સુપ્રીમ લીડરનું મોત થયું હતું. ત્યારથી આ વિસ્તારમાં મિસાઈલ અને ડ્રોન હુમલાઓનું પ્રમાણ વધી ગયું છે. અમેરિકા અને અન્ય દેશોએ ઓઈલના ભાવ કાબૂમાં રાખવા પોતાના રિઝર્વ સ્ટોકમાંથી ઓઈલ છૂટું કરવું પડ્યું છે.