આવનારા 5 વર્ષમાં ટેકનોલોજીની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ જશે. માઈક્રોસોફ્ટની તાજેતરની રિપોર્ટ મુજબ, 2030 સુધી લેપટોપમાં કી-બોર્ડ અને માઉસની જરૂર નહીં રહે. આ લેપટોપ ટચ સ્ક્રીન અને જેસ્ચર કંટ્રોલથી ચાલશે, જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મહત્વની ભૂમિકા ભજવશે.
માઈક્રોસોફ્ટે તાજેતરમાં યૂટ્યૂબ પર "માઈક્રોસોફ્ટ 2030 વિન્ડોઝ વિઝન" નામનો એક વીડિયો રિલીઝ કર્યો છે, જેમાં ભવિષ્યના વિન્ડોઝનો ઉપયોગ કેવી રીતે થશે તે દર્શાવવામાં આવ્યું છે. આ વીડિયો મુજબ, AI ટેકનોલોજીની મદદથી લેપટોપ અને કમ્પ્યુટર સાથેની વાતચીત એટલી સરળ બનશે કે તમે તેની સાથે દોસ્તની જેમ વાત કરી શકશો.
માઈક્રોસોફ્ટના ડેવિડ વેસ્ટનના જણાવ્યા અનુસાર, "કી-બોર્ડ અને માઉસનો જમાનો હવે ખતમ થવાની તૈયારીમાં છે. 2030 સુધીમાં આ બંને ટેકનોલોજી જૂની લાગશે, જેમ આજે GenZને DOS સિસ્ટમનો ઉપયોગ વિચિત્ર લાગે છે." તેમનું કહેવું છે કે ભવિષ્યમાં લોકો વૉઇસ કમાન્ડ અને જેસ્ચરથી લેપટોપ ચલાવશે.
આ દિશામાં માઈક્રોસોફ્ટે પહેલેથી જ કામ શરૂ કરી દીધું છે. કંપનીએ તાજેતરમાં Copilot AI લોન્ચ કર્યું છે, જે વિન્ડોઝ 11માં ઉપલબ્ધ છે. આ ટૂલ યૂઝર્સને તેમના લેપટોપ સાથે વાતચીત કરવાની સુવિધા આપે છે. તમે ફક્ત "Hey Copilot" કહીને લેપટોપને કોઈપણ કામ કરવા માટે સૂચના આપી શકો છો. માઈક્રોસોફ્ટ આ ટેકનોલોજીને વધુ સુધારવા માટે અબજો રૂપિયાનું રોકાણ કરી રહી છે.
આ નવી ટેકનોલોજી લેપટોપના ઉપયોગને વધુ સરળ અને ઝડપી બનાવશે. 2030 સુધી ટેકનોલોજીની દુનિયા એટલી આગળ વધી જશે કે કી-બોર્ડ અને માઉસનો ઉપયોગ ભૂતકાળની વાત બની જશે.