એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન તાજેતરમાં મુંબઈમાં યોજાયા. જેમાં દેશ અને દુનિયાની અનેક જાણીતી હસ્તીઓને આમંત્રિત કરવામાં આવી હતી. માર્ચની શરૂઆતમાં, જામનગરમાં લગ્ન પહેલાના સમારંભમાં વિશ્વભરના મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દુનિયાના અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન હતા, જેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે. લગ્નો પાછળ થતા સરેરાશ ખર્ચ પર નજર કરીએ તો ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે. લગ્નની સરેરાશ કિંમત ભારત કરતાં અમેરિકા, યુકે અને સ્પેનમાં વધુ છે. જાણો આ દેશોમાં લગ્નમાં કેટલો ખર્ચ થાય છે.
એક રિપોર્ટ પ્રમાણે, અમેરિકા વિશ્વમાં લગ્નો પર સૌથી વધુ પૈસા ખર્ચે છે. ત્યાં લગ્નનો સરેરાશ ખર્ચ $35,000 એટલે કે લગભગ 30 લાખ રૂપિયા છે. આ લિસ્ટમાં યુકે બીજા સ્થાને છે. ત્યાં લગ્નનો સરેરાશ ખર્ચ $28,500 એટલે કે લગભગ 24 લાખ રૂપિયા છે. ત્રીજો યુરોપિયન દેશ સ્પેન છે. સુંદરતા માટે પોપ્યુલર આ યુરોપિયન દેશમાં લગ્ન કરવાનો સરેરાશ ખર્ચ 21.49 લાખ રૂપિયા છે. આ પછી ભારતનો નંબર આવે છે. ભારતમાં લગ્નનો સરેરાશ ખર્ચ $25,000 એટલે કે લગભગ 21 લાખ રૂપિયા છે.
આ લિસ્ટમાં આગળ ઇટલી છે. ત્યાં લગ્નનો સરેરાશ ખર્ચ $23,900 એટલે કે લગભગ 20 લાખ રૂપિયા છે. યુરોપિયન દેશ ફ્રાંસમાં આ ખર્ચ $21,800 છે. તેવી જ રીતે, ઉત્તર અમેરિકન દેશ કેનેડામાં, લગ્નનો સરેરાશ ખર્ચ $20,000 છે. પોર્ટુગલમાં લગ્ન કરવાનો સરેરાશ ખર્ચ $18,000, ઉરુગ્વેમાં $15,700, ચિલીમાં $9,000, બ્રાઝિલમાં $9,000, મેક્સિકોમાં $8,700, પેરુમાં $8,000 અને કોલંબિયામાં $5,250 છે.