હવે Uber એપ પર પણ બુક થશે ટ્રેનની ટિકિટ, કંપનીએ ixigo સાથે મિલાવ્યો હાથ, જાણો આ નવું ફીચર કેવી રીતે કરશે કામ
હવે ટ્રેનની મુસાફરી થશે વધુ આસાન! Uber એપ પર હવે કેબની સાથે ટ્રેનની ટિકિટ પણ બુક કરી શકાશે. Uber એ ixigo સાથે ભાગીદારી કરી છે. જાણો આ નવું ફીચર કેવી રીતે કામ કરશે.
આ નવી સુવિધાને કારણે રેલવે સ્ટેશનો પર Uber ની સર્વિસ વધુ મજબૂત બનશે. કંપનીએ અમદાવાદ, સિકંદરાબાદ અને હાવડા જેવા મોટા રેલવે સ્ટેશનો પર મુસાફરો માટે ખાસ 'પિક-અપ અને ડ્રોપ-ઓફ ઝોન' બનાવ્યા છે.
ભારતમાં લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેન આજે પણ લોકોની પહેલી પસંદ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કેબ સર્વિસ આપતી કંપની Uber એ એક મોટો નિર્ણય લીધો છે. હવે તમે Uber એપ પરથી માત્ર કેબ જ નહીં, પરંતુ ટ્રેનની ટિકિટ પણ બુક કરી શકશો. ઉબરે આ માટે દેશની જાણીતી ટ્રાવેલ એપ ixigo સાથે ભાગીદારી કરી છે.
Uber અને ixigo ની શાનદાર ભાગીદારી
18 ઓગસ્ટના રોજ ઉબરએ ઓનલાઈન ટ્રાવેલ કંપની ixigo સાથે મળીને પોતાની એપ પર ટ્રેન ટિકિટ બુકિંગ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. યુઝર્સ હવે સીધા જ Uber એપ દ્વારા ટ્રેનની ટિકિટ બુક કરી શકશે. એપ પર જ પોતાનું PNR સ્ટેટસ ચેક કરી શકાશે. મુસાફરો ટ્રેનની મુસાફરી પહેલાં સ્ટેશને જવા કે મુસાફરી પછી ઘરે જવા માટે કેબને પણ આ જ એપથી લિંક કરી શકશે. આ સુવિધા ixigo ની ટિકિટ બુકિંગ ટેકનોલોજી પર કામ કરશે. આનાથી મુસાફરોને એક જ એપ દ્વારા તેમની આખી મુસાફરીનું પ્લાનિંગ કરવામાં ખૂબ જ સરળતા રહેશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
આંકડા મુજબ, ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2025-26 માં લગભગ 741 કરોડ મુસાફરોને સફર કરાવી છે. આ દર્શાવે છે કે ભારતમાં ટ્રેનનું મહત્વ કેટલું છે. ઉબર ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના બિઝનેસ ડેવલપમેન્ટ ડિરેક્ટર અર્નબ કુમારે જણાવ્યું હતું કે, "ટ્રેનથી સફર કરવી એ ભારતીયોના રોજિંદા જીવનનો મહત્વનો ભાગ છે. મુસાફરી માત્ર ટ્રેનમાં બેસવાથી શરૂ નથી થતી, પરંતુ ઘરથી સ્ટેશન પહોંચવા અને અંતિમ મંઝિલ સુધી જવા માટે પણ વાહનની જરૂર પડે છે." હવે Uber એપ દ્વારા મુસાફરોની આ ત્રણેય જરૂરિયાતો એક જ જગ્યાએ પૂરી થશે.
રેલવે સ્ટેશન પર મળશે ખાસ પિક-અપ અને ડ્રોપ સુવિધા
આ નવી સુવિધાને કારણે રેલવે સ્ટેશનો પર Uber ની સર્વિસ વધુ મજબૂત બનશે. કંપનીએ અમદાવાદ, સિકંદરાબાદ અને હાવડા જેવા મોટા રેલવે સ્ટેશનો પર મુસાફરો માટે ખાસ 'પિક-અપ અને ડ્રોપ-ઓફ ઝોન' બનાવ્યા છે. આગામી સમયમાં દેશના અન્ય મોટા સ્ટેશનો પર પણ આવી સુવિધા ઉભી કરવામાં આવશે, જેથી મુસાફરોને કેબ શોધવામાં તકલીફ ન પડે.
ixigo નું શું કહેવું છે?
ixigo ના ગ્રુપ CEO આલોક બાજપેયી અને કો-CEO રજનીશ કુમારે જણાવ્યું કે, "ટ્રેન ટિકિટ બુકિંગના મામલે ixigo દેશની મોટી ઓનલાઈન કંપનીઓમાં સામેલ છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે મુસાફરીને આસાન અને તણાવમુક્ત બનાવવાનો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, Uber સાથેની આ ભાગીદારીથી મુસાફરો પોતાના ઘરથી લઈને અંતિમ મંઝિલ સુધીની પૂરી સફરનું પ્લાનિંગ એકદમ સહેલાઈથી કરી શકશે.