ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈની તબિયત અંગે ઇઝરાયલના ગંભીર દાવાઓ વચ્ચે એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ એકદમ સ્વસ્થ દેખાઈ રહ્યા છે. જાણો સમગ્ર વિગત.
'મેહર ન્યૂઝ એજન્સી' અને રશિયન સરકારી મીડિયા RT_com દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં મુજતબા એકદમ સ્વસ્થ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં તેઓ પોતાના કેટલાક ખાસ સહયોગીઓ સાથે સામાન્ય રીતે વાતચીત કરતા નજરે પડે છે. આ વીડિયોએ પશ્ચિમી દેશોમાં ભારે ચર્ચા જગાવી છે.
ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનેઈની બગડતી તબિયત અને તેમની ગેરહાજરી અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે એક મોટો વળાંક આવ્યો છે. ઈરાની મીડિયા દ્વારા મુજતબા ખામેનેઈનો એક નવો વીડિયો જારી કરવામાં આવ્યો છે. 'મેહર ન્યૂઝ એજન્સી' અને રશિયન સરકારી મીડિયા RT_com દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં મુજતબા એકદમ સ્વસ્થ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં તેઓ પોતાના કેટલાક ખાસ સહયોગીઓ સાથે સામાન્ય રીતે વાતચીત કરતા નજરે પડે છે. આ વીડિયોએ પશ્ચિમી દેશોમાં ભારે ચર્ચા જગાવી છે.
ઇઝરાયલી મીડિયાએ શું કર્યો હતો દાવો?
આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે શુક્રવારે જ ઇઝરાયલી મીડિયાએ દાવો કર્યો હતો કે ખામેનેઈની હાલત "ખૂબ જ નાજુક" છે. ઇઝરાયલની ચેનલ 14 અને 'ધ જેરુસલેમ પોસ્ટ' દ્વારા ઈરાનના આંતરિક સૂત્રોને ટાંકીને અહેવાલ અપાયો હતો કે, ઈરાનની ટોચની લીડરશીપમાં મુજતબાની તબિયતને લઈને ભારે ચિંતાનો માહોલ છે. સૂત્રોએ ત્યાં સુધી દાવો કર્યો હતો કે, "જો જલ્દી જ તેમના મોતના સમાચાર આવે તો અમને કોઈ જ નવાઈ નહીં લાગે."
28 ફેબ્રુઆરી પછી જાહેરમાં નહોતા દેખાયા
નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલામાં તેમના પિતા અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યા થઈ હતી. પિતાના મોત બાદ તરત જ મુજતબાએ સુપ્રીમ લીડરનું પદ સંભાળી લીધું હતું. પરંતુ પદ સંભાળ્યા પછી તેઓ ક્યારેય જાહેરમાં જોવા મળ્યા નહોતા અને માત્ર લેખિત નિવેદનો દ્વારા જ દેશને સંદેશા આપતા હતા.
શું હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા ખામેનેઈ?
મીડિયા રિપોર્ટ્સમાં એવો ઈશારો કરવામાં આવ્યો હતો કે, જ્યારે તેમના પિતાના કમ્પાઉન્ડ પર પ્રારંભિક હુમલો થયો ત્યારે મુજતબા પણ ત્યાં હાજર હતા અને તેઓ ખરાબ રીતે ઘાયલ થયા હતા. એવું પણ કહેવાય છે કે તેમનો ચહેરો પણ બગડી ગયો હતો. જેના કારણે ટાર્ગેટ બનવાથી બચવા તેઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા અને વચેટિયાઓના એક નેટવર્ક મારફતે જ સરકારના મોટા અધિકારીઓ સાથે વાત કરતા હતા. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને પણ એક સરકારી ટીવી ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે ખામેનેઈ સાથે સીધી વાતચીત કરવી અત્યારે "ખૂબ જ મુશ્કેલ" છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠ્યા હતા સવાલો
ખામેનેઈની ગેરહાજરીને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક રિપોર્ટ્સ સામે આવ્યા હતા,,,જુલાઈ મહિનામાં સાઉદી અરેબિયાના ન્યૂઝ આઉટલેટ 'અલ-હદથ' એ એક ઇઝરાયલી સિક્યોરિટી સોર્સનો હવાલો આપી દાવો કર્યો હતો કે મુજતબા ખામેનેઈ ઈરાનમાં છે જ નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ઈરાનની ટોચની મિલિટરી લીડરશીપ ખતમ થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે મિલિટરી ઓપરેશન પછી ખામેનેઈ "90% ખતમ થઈ ગયા છે" અને કામ કરવા માટે અસક્ષમ છે.
Iran’s Mehr RELEASES VIDEO of Supreme Leader Mojtaba Khamenei for ‘FIRST TIME’ pic.twitter.com/v3Rp81VfLH
પશ્ચિમી દેશો અને વિપક્ષી ગુપ્તચર સંસ્થાઓ સતત એવું કહેતી આવી છે કે ખામેનેઈને ગંભીર ઈજાઓ થઈ છે, જેના કારણે તેઓ જાહેરમાં નથી આવતા. જોકે, ઈરાનના સરકારી અધિકારીઓ આ વાતને સદંતર નકારે છે. ઈરાનની હેલ્થ મિનિસ્ટ્રીના પ્રતિનિધિએ અગાઉ જણાવ્યું હતું કે તેમને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી. સિનિયર અધિકારીઓનું પણ કહેવું છે કે સુપ્રીમ લીડર દેશના હિત માટે સતત ઓપરેશનલ નિર્દેશો આપી રહ્યા છે અને આ નવો વીડિયો એ વાતની સાબિતી રૂપે જોવામાં આવી રહ્યો છે.