હવે AI વાપરવું થશે મોંઘું? ગૂગલ-OpenAI જેવી કંપનીઓએ ભારતમાં કન્ટેન્ટ વાપરવા બદલ આપવી પડશે રોયલ્ટી
AI Royalty India: ભારત સરકાર AI મોડેલ ટ્રેનિંગ માટે નવા નિયમો લાવી રહી છે. હવે ગૂગલ અને OpenAI જેવી મોટી કંપનીઓએ કોપીરાઇટ કન્ટેન્ટનો ઉપયોગ કરવા બદલ રોયલ્ટી ચૂકવવી પડી શકે છે. જાણો આ નવા નિયમની તમારા પર શું અસર થશે.
OpenAIના CEO સેમ ઓલ્ટમેને પણ કહ્યું હતું કે અમેરિકા પછી ભારત AI માટે વિશ્વનું બીજું સૌથી મોટું બજાર છે.
AI Royalty India: ગૂગલ, ઓપનએઆઈ (OpenAI), અને માઇક્રોસોફ્ટ જેવી ટેકનોલોજીની દુનિયાની મોટી કંપનીઓ માટે ભારતમાં કામ કરવું હવે થોડું મોંઘું સાબિત થઈ શકે છે. ભારત સરકાર એક એવો નિયમ લાવવાની તૈયારીમાં છે, જે મુજબ આ કંપનીઓએ પોતાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મોડેલને ટ્રેન કરવા માટે ભારતીય કન્ટેન્ટનો ઉપયોગ કરવા બદલ રોયલ્ટી એટલે કે એક પ્રકારની ફી ચૂકવવી પડશે. ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા રચવામાં આવેલી એક સમિતિએ આ અંગે સરકારને ભલામણ કરી છે.
શા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે?
આપણે જ્યારે પણ ChatGPT કે બીજા AI ટૂલ્સ પર કોઈ સવાલ પૂછીએ છીએ, ત્યારે તે આપણને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કરોડો લેખો, ફોટાઓ, વીડિયો અને અન્ય માહિતીના આધારે જવાબ આપે છે. આ માહિતી કોઈ લેખક, કલાકાર કે ક્રિએટરે બનાવેલી હોય છે, જેના પર તેમનો કોપીરાઇટ હોય છે. AI કંપનીઓ આ ડેટાનો મફતમાં ઉપયોગ કરીને પોતાના મોડેલને સ્માર્ટ બનાવે છે અને પછી તેમાંથી કરોડો રૂપિયા કમાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, DPIIT એ આ વર્ષની શરૂઆતમાં 8 સભ્યોની એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ સૂચવ્યું છે કે AI કંપનીઓને મફતમાં કન્ટેન્ટ વાપરવા દેવાને બદલે એક "ફરજિયાત રોયલ્ટી સિસ્ટમ" લાગુ કરવી જોઈએ.
સમિતિએ શું સૂચનો આપ્યા?
સમિતિએ 'ઝીરો પ્રાઇસ લાઇસન્સ મોડેલ'ને નકારી કાઢ્યો છે અને એક નવો હાઇબ્રિડ પ્લાન રજૂ કર્યો છે, જેમાં નીચેની મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે:
બ્લેન્કેટ લાઇસન્સ: AI ડેવલપર્સને ભારતમાં કોપીરાઇટ ધરાવતા તમામ કન્ટેન્ટનો કાયદેસર રીતે ઉપયોગ કરવા માટે એક જ લાઇસન્સ લેવું પડશે.
રોયલ્ટી ક્યારે લાગશે?: રોયલ્ટી ત્યારે જ ચૂકવવી પડશે જ્યારે AI મોડેલ કે ટૂલને વ્યવસાયિક રીતે (Commercially) લોન્ચ કરવામાં આવે. તેના દર સરકાર દ્વારા નિયુક્ત એક સમિતિ નક્કી કરશે.
કેન્દ્રીય સિસ્ટમ: રોયલ્ટી ભેગી કરવા અને તેને મૂળ કન્ટેન્ટ બનાવનારાઓ સુધી પહોંચાડવા માટે એક સેન્ટ્રલ સિસ્ટમ બનાવવામાં આવશે. આનાથી નાના અને મોટા બંને પ્રકારના AI ડેવલપર્સને ફાયદો થશે.
ભારત AI માટે એક મોટું બજાર
ઓપનએઆઈ (OpenAI) ના CEO સેમ ઓલ્ટમેને પણ કહ્યું હતું કે અમેરિકા પછી ભારત AI માટે વિશ્વનું બીજું સૌથી મોટું બજાર છે. AI કંપનીઓ ભારતીય યુઝર્સ પાસેથી મોટા પાયે આવક મેળવી રહી છે. આવામાં, ભારતીય ક્રિએટર્સને તેમના કન્ટેન્ટનો યોગ્ય હક મળે તે માટે સરકાર આ પગલું ભરી રહી છે. આગામી 30 દિવસમાં આ સૂચનો પર વિચારણા કરવામાં આવશે અને તે પછી અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. જો આ નિયમ લાગુ થશે, તો તે AI જગતમાં એક મોટો ફેરફાર લાવશે.