હનીમૂન પર પતિને પતાવી દેનાર પત્નીને સુપ્રીમ કોર્ટનો ઝટકો: સોનમ રઘુવંશીના જામીન રદ્દ, 3 અઠવાડિયામાં સરેન્ડર કરવાનો આદેશ | Moneycontrol Gujarati
Get App

હનીમૂન પર પતિને પતાવી દેનાર પત્નીને સુપ્રીમ કોર્ટનો ઝટકો: સોનમ રઘુવંશીના જામીન રદ્દ, 3 અઠવાડિયામાં સરેન્ડર કરવાનો આદેશ

ઇન્દોરના વેપારી રાજા રઘુવંશીની મેઘાલયમાં હનીમૂન દરમિયાન થયેલી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. મુખ્ય આરોપી પત્ની સોનમના જામીન રદ્દ કરી 3 સપ્તાહમાં સરેન્ડર કરવા આદેશ આપ્યો છે.

અપડેટેડ 01:34:11 PM Jul 23, 2026 પર
Story continues below Advertisement
આરોપી પત્ની સોનમને નીચલી કોર્ટમાંથી મળેલા જામીનનો મેઘાલય સરકારે સખત વિરોધ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં તેને રદ્દ કરવા માટે અરજી દાખલ કરી હતી.

ઇન્દોરના જાણીતા ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીની હત્યાના ચકચારી કેસમાં સુપ્રીમ કોર્ટે બહુ મોટો નિર્ણય સંભળાવ્યો છે. મેઘાલયમાં હનીમૂન દરમિયાન થયેલી આ હત્યાકાંડની મુખ્ય આરોપી અને મૃતકની પત્ની સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે.

સર્વોચ્ચ અદાલતે નીચલી કોર્ટ દ્વારા સોનમને આપવામાં આવેલા જામીન તાત્કાલિક અસરથી રદ્દ કરી દીધા છે. કોર્ટે કડક વલણ અપનાવતા સોનમ રઘુવંશીને આગામી 3 અઠવાડિયાની અંદર સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો કેસના ટ્રાયલમાં વધુ વિલંબ થશે, તો 6 મહિના પછી સોનમ ફરીથી પોતાના જામીન માટે નવી અરજી દાખલ કરી શકશે.

કોણે કરી હતી જામીન રદ્દ કરવાની માંગ?

આરોપી પત્ની સોનમને નીચલી કોર્ટમાંથી મળેલા જામીનનો મેઘાલય સરકારે સખત વિરોધ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં તેને રદ્દ કરવા માટે અરજી દાખલ કરી હતી.

કોર્ટમાં બંને પક્ષની દલીલો


સુનાવણી દરમિયાન સોનમ રઘુવંશીના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસમાં કુલ 94 સાક્ષીઓ બનાવવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી માત્ર 4 સાક્ષીઓના જ નિવેદન નોંધાયા છે. આ ઉપરાંત કેસની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી છે. વકીલે જણાવ્યું કે સોનમે જાતે સરેન્ડર નહોતું કર્યું, પણ તેને યુપીના ગાઝીપુરથી પકડવામાં આવી હતી અને તે જામીનની તમામ કડક શરતોનું પાલન કરી રહી છે. તેના ભાગી જવાનો કોઈ ખતરો નથી. સોનમે પણ પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું હતું કે તેને માત્ર સંજોગોના આધારે ખોટા કેસમાં ફસાવવામાં આવી છે.

બીજી તરફ, મેઘાલય સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ દલીલોનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, દસ્તાવેજમાં કાનૂની કલમનો નંબર ટાઈપ કરવામાં એક નાની ભૂલ થઈ હતી, આવી તકનીકી ભૂલના આધારે ખૂનના કેસમાં જામીન આપી શકાય નહીં. તેમણે સ્પષ્ટ કહ્યું કે ચાર્જશીટમાં નોંધાયેલું છે કે આરોપીએ જાતે જ સરેન્ડર કર્યું હતું. તુષાર મહેતાએ કોર્ટમાં ચિંતા વ્યક્ત કરી કે જો જામીન ચાલુ રહેશે તો સોનમ ફરાર થઈ શકે છે.

અગાઉની સુનાવણીમાં શું થયું હતું?

પાછલી સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે સોનમના વકીલ સમક્ષ 2 વિકલ્પ મૂક્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે, શું સોનમ જાતે જ સરેન્ડર કરશે કે પછી કોર્ટ તેના જામીન રદ્દ કરવાનો ચુકાદો આપે?

આજની પેઢી પર સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી

આ કેસની સુનાવણી અને જામીન રદ્દ કરતી વખતે સુપ્રીમ કોર્ટે સમાજ અને આજની પેઢીને લઈને એક માર્મિક ટિપ્પણી પણ કરી. કોર્ટે કહ્યું કે બદલાતા સમાજમાં આવી ઘટનાઓ બની રહી છે. આજની પેઢી પાસે આપણા કરતા વધુ માહિતી હોઈ શકે છે, પરંતુ પ્રેશરનો સામનો કરવાની બાબતમાં તેઓ ખૂબ નબળા છે.

આ વાત સાથે સહમત થતા SG મહેતાએ કહ્યું કે, આજની પેઢી પાસે માહિતી છે પણ જ્ઞાન નથી. જેના પર જસ્ટિસ વરાલેએ ઉમેર્યું કે, આજકાલ WhatsApp પર જે કંઈ પણ શેર થઈ રહ્યું છે, લોકો તેને જ સાચું જ્ઞાન માની રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 23, 2026 1:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.