ભારતમાં સૌથી વધુ HIV ચેપના કેસ મિઝોરમમાં નોંધાયા છે. રાજ્યમાં HIV ચેપનો દર 2.73 ટકા સુધી પહોંચી ગયો છે, જે રાષ્ટ્રીય સરેરાશ 0.2 ટકા કરતા ઘણો વધારે છે. સોમવારે જાહેર કરાયેલા એક અહેવાલ મુજબ, મિઝોરમમાં અત્યાર સુધીમાં 32,287 HIV પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 5,511 લોકો મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, એપ્રિલ 2024 થી જાન્યુઆરી 2025 વચ્ચે રાજ્યમાં 1,769 નવા HIV કેસ નોંધાયા છે.
HIV (હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ) એક ખતરનાક વાયરસ છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. HIV પોઝિટિવ વ્યક્તિને AIDS (એક્વાર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ) થઈ શકે છે, જે આજીવન રોગ છે અને તેનો કોઈ ઈલાજ નથી.
મિઝોરમમાં HIV ચેપ ઝડપથી વધી રહ્યો છે
મિઝોરમમાં HIV ચેપના દરમાં વધારાએ રાજ્ય સરકારને ગંભીર ચિંતામાં મૂકી દીધી છે. આરોગ્ય મંત્રી લાલરિનપુઇએ આ ગંભીર પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું કે મિઝોરમમાં HIV ચેપનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધારે છે, અને તેને કંટ્રોલ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે એવો પણ સંકલ્પ કર્યો છે કે આગામી દિવસોમાં HIV સંક્રમિત લોકોની સારવાર અને સંભાળ માટે વધુ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.