US-Iran War: ટ્રમ્પનો મોટો ધડાકો, 'આ વીકએન્ડમાં જ ખતમ થશે યુદ્ધ', સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ઈરાન અંગે આપી મોટી માહિતી
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે આ વીકએન્ડમાં જ ઐતિહાસિક શાંતિ કરાર થઈ શકે છે. બીજી તરફ કુવૈત હુમલામાં 1 ભારતીયનું મોત થયું છે. સંપૂર્ણ લેટેસ્ટ ન્યૂઝ વાંચો.
ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ ડીલ અંતર્ગત અમેરિકા ઈરાનના 'સંવર્ધિત યુરેનિયમ' ના સંપૂર્ણ સ્ટોકને પોતાના કબજામાં લઈ લેશે.
US-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે ખાડી દેશોમાં ચાલી રહેલા ભયંકર મિસાઈલ યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાન સાથેની શાંતિ મંત્રણા ખૂબ જ હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. જો બધું બરાબર રહ્યું તો, આ જ વીકએન્ડમાં બંને દેશો વચ્ચે એક ઐતિહાસિક શાંતિ કરાર થઈ શકે છે.
શું આ વીકએન્ડમાં જ થશે ડીલ?
વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ઈરાન સાથે વાતચીત ખૂબ સારી ચાલી રહી છે. તેમણે કહ્યું કે, "આ ડીલ થઈ પણ શકે અને ન પણ થાય, કોણ જાણે છે? પરંતુ જો ડીલ થશે, તો તે આ વીકએન્ડમાં જ થઈ શકે છે. જ્યારે તમે ઈરાન સાથે ડીલ કરી રહ્યા હોવ, ત્યારે કંઈ પણ થઈ શકે છે."
આ સાથે જ ટ્રમ્પે દુનિયાના વેપાર માટે મોટી રાહતના સમાચાર આપતા કહ્યું કે કરાર થતાં જ વેપાર માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝતરત જ ખોલી દેવામાં આવશે. જહાજોની અવરજવર માટે અમેરિકી નૌકાદળ ત્યાં પહેલેથી જ તૈનાત છે.
ઈરાનના યુરેનિયમ પર ટ્રમ્પની સીધી નજર
શાંતિની વાતો વચ્ચે ટ્રમ્પે એક એવી શરત મૂકી છે જેનાથી ઈરાનમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે આ ડીલ અંતર્ગત અમેરિકા ઈરાનના 'સંવર્ધિત યુરેનિયમ' ના સંપૂર્ણ સ્ટોકને પોતાના કબજામાં લઈ લેશે. તેમણે આક્રમક અંદાજમાં કહ્યું કે, "માત્ર અમેરિકા અને ચીન પાસે જ તેને સુરક્ષિત રાખવાની ક્ષમતા છે અને અમે તે યુરેનિયમ લઈને જ રહીશું."
વાતચીત માટે ઈરાને મૂકી 3 મોટી શરતો
એક તરફ ટ્રમ્પ ડીલની વાતો કરી રહ્યા છે, તો બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હજુ કોઈ નક્કર પ્રગતિ થઈ નથી. ઔપચારિક વાતચીત માટે ઈરાને 3 આકરી શરતો મૂકી છે:
ઈરાનના નાગરિકોના અધિકારો સંપૂર્ણપણે સુનિશ્ચિત કરવામાં આવે
લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક રોકવામાં આવે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તમામ તણાવ પર કાયમી રોક લગાવવામાં આવે. આ ઉપરાંત, ઈરાને ઈઝરાયેલને સીધી ચેતવણી આપી છે કે જો બેરૂત પર કોઈ પણ હુમલો થશે, તો ઈરાનની સેના ઈઝરાયેલને તબાહ કરી દેશે.
કુવૈત એરપોર્ટ પર હુમલો: 1 ભારતીય નાગરિકનું મોત
આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કુવૈત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા ભયંકર મિસાઈલ અને ડ્રોન હુમલામાં ભારે તારાજી સર્જાઈ છે. આ હુમલામાં 1 વ્યક્તિનું મોત થયું છે અને 63 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કુવૈતના જણાવ્યા મુજબ, ઈરાને 30 બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન છોડ્યા હતા, જેનાથી ટર્મિનલ-1 સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે.
ભારતના વિદેશ મંત્રાલયે સત્તાવાર પુષ્ટિ કરી છે કે આ હુમલામાં જીવ ગુમાવનાર એકમાત્ર વ્યક્તિ ભારતીય નાગરિક હતો. ભારત સરકારે નાગરિકો પર થયેલા આ કાયરતાપૂર્ણ હુમલાની કડક નિંદા કરી છે અને હુમલાઓ તાત્કાલિક રોકવાની અપીલ કરી છે.
ઈરાને હુમલાનો ઇનકાર કર્યો
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ કુવૈત એરપોર્ટ પર હુમલો કર્યાની વાતને નકારી કાઢી છે. ઈરાનનો દાવો છે કે તેમણે માત્ર કુવૈતમાં 'અલી અલ સાલેમ એર બેઝ' અને બહેરીનમાં અમેરિકી મથકને નિશાન બનાવ્યા હતા.
IRGC ના પ્રવક્તાએ દાવો કર્યો છે કે કુવૈત એરપોર્ટ પર થયેલી તબાહી ઈરાનની મિસાઈલથી નહીં, પરંતુ અમેરિકાના 'પેટ્રિઅટ એર ડિફેન્સ સિસ્ટમ' માં આવેલી ખરાબીના કારણે થઈ છે. જોકે, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કહ્યું છે કે તેમણે ઈરાનના તમામ હુમલાઓને હવામાં જ નિષ્ફળ બનાવી દીધા હતા.
હાલ મિડલ ઈસ્ટની આ સ્થિતિ પર આખી દુનિયાની નજર મંડાયેલી છે. હવે જોવું એ રહેશે કે આ વીકએન્ડમાં ટ્રમ્પના દાવા મુજબ ખરેખર કોઈ શાંતિ કરાર થાય છે કે પછી યુદ્ધ વધુ ભયંકર રૂપ લેશે.