Nuclear Power Plant: રશિયા-અમેરિકા જે ન કરી શક્યું તે વડોદરાએ કરી બતાવ્યું! પરમાણુ ક્ષેત્રે ભારતની ઐતિહાસિક સિદ્ધિ
Nuclear Power Plant: વડોદરાની કંપનીએ ન્યુક્લિયર રિએક્ટર માટે 3 જટિલ સાધનો બનાવી ઇતિહાસ રચ્યો છે. રશિયા કે અમેરિકા પણ જે નથી કરી શક્યા તે કામ વડોદરામાં થયું છે. જાણો આત્મનિર્ભર ભારતની આ મોટી સફળતા વિશે.
વડોદરામાં તૈયાર થયેલો આ સાધનોનો પહેલો જથ્થો તમિલનાડુ સ્થિત 'કુડાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ' ખાતે મોકલવામાં આવશે.
Nuclear Power Plant: ગુજરાતની સંસ્કારી નગરી વડોદરાએ ફરી એકવાર વૈશ્વિક ફલક પર ભારતનો ડંકો વગાડ્યો છે. અત્યાર સુધી આપણે ન્યુક્લિયર પ્લાન્ટના જટિલ સાધનો માટે વિદેશી કંપનીઓ પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે વડોદરાના એક નાના MSME એકમે આ ઈજારાશાહી તોડી નાખી છે. શહેરના 'વિવિધ હાઇફેબ' નામના એકમે 3 વર્ષની રાત-દિવસની મહેનત બાદ પરમાણુ રિએક્ટરમાં વપરાતા અત્યંત મહત્વના સાધનો સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કર્યા છે.
વિશ્વમાં પ્રથમવાર: એક જ છત નીચે બન્યા ત્રણ સાધનો
આ સમાચાર માત્ર વડોદરા કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આશ્ચર્યજનક છે. રશિયા અને અમેરિકા જેવા સુપરપાવર દેશો પણ જે નથી કરી શક્યા, તે વડોદરાએ કરી બતાવ્યું છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે જરૂરી મુખ્ય ત્રણ સાધનો એક જ જગ્યાએ (એક જ ફેક્ટરીમાં) બન્યા હોય તેવી આ વિશ્વની પ્રથમ ઘટના છે.
આ ત્રણ મુખ્ય સાધનો નીચે મુજબ છે:
* ફ્યુઅલ ટ્રાન્સફર મશીન
* સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સ્પોર્ટેશન કન્ટેનર
* સ્ટોરેજ રેક્સ
અત્યાર સુધી ભારત આ ટેક્નોલોજી માટે બીજા દેશો સામે હાથ લંબાવતું હતું, પણ હવે વડોદરા આ સાધનોનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે.
કેમ આ સાધનો છે ગેમ ચેન્જર?
પરમાણુ પ્લાન્ટમાં વીજળી પેદા કરવા માટે યુરેનિયમ ફ્યુઅલ રોડ્સ વપરાય છે. આ રોડ્સનો વપરાશ પૂરો થઈ ગયા પછી પણ તેમાંથી ભયાનક ગરમી અને રેડિયેશન નીકળતું હોય છે. આ વપરાયેલા રોડ્સને રિએક્ટરમાંથી બહાર કાઢીને 6 થી 7 વર્ષ સુધી પાણીના કુંડમાં સાચવવા પડે છે.
ત્યારબાદ તેને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે એવા કન્ટેનર અને મશીનો જોઈએ જેમાંથી જરા પણ રેડિયેશન લીક ન થાય. જો સહેજ પણ ચૂક થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. વડોદરામાં બનેલા આ સાધનો આ જટિલ કામને સુરક્ષિત રીતે પાર પાડશે.
બોરોટેડ સ્ટેનલેસ સ્ટીલનો કમાલ
વિવિધ હાઇફેબ કંપનીએ ન્યુક્લિયર પાવર કોર્પોરેશનના સાથ અને સહકારથી 'સ્પેન્ટ ફ્યુઅલ સ્ટોરેજ રેક્સ' (SFSR) બનાવ્યા છે. આમાં સાદું સ્ટીલ નહીં, પણ ખાસ પ્રકારનું 'બોરોટેડ સ્ટેનલેસ સ્ટીલ' વાપરવામાં આવ્યું છે. આ મટીરીયલની ખાસિયત એ છે કે તે ખતરનાક ન્યુટ્રોન એમિશન (વિકિરણો)ને રોકી શકે છે. કેન્દ્ર સરકારની અલગ-અલગ એજન્સીઓએ આ સાધનોનું સખત પરીક્ષણ કર્યું છે અને તેમાં આ સાધનો સો ટકા સફળ રહ્યા છે.
તમિલનાડુના પ્લાન્ટમાં થશે ઉપયોગ
વડોદરામાં તૈયાર થયેલો આ સાધનોનો પહેલો જથ્થો તમિલનાડુ સ્થિત 'કુડાનકુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ' ખાતે મોકલવામાં આવશે. આ ઉપરાંત, ટૂંક સમયમાં ફ્યુઅલ ટ્રાન્સફર મશીન પણ તૈયાર થઈને ડિલિવર કરવામાં આવશે. આ સિદ્ધિ 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઈન ઈન્ડિયા' અભિયાન માટે એક મોટું ઉદાહરણ પૂરું પાડે છે. હવે ભારતને આવા સંવેદનશીલ સાધનો માટે વિદેશી કંપનીઓને કરોડો રૂપિયા ચૂકવવા નહીં પડે અને આપણી વિદેશી મુદ્રાની પણ બચત થશે. પરમાણુ ઉર્જા ક્ષેત્રે ભારતની સુરક્ષા અને સ્વાયત્તતા હવે વધુ મજબૂત બની છે.