શું બ્રિટનના ભાગલા પડશે? વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડે અલગ થવા માટે ઐતિહાસિક કરાર પર કર્યા હસ્તાક્ષર | Moneycontrol Gujarati
Get App

શું બ્રિટનના ભાગલા પડશે? વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડે અલગ થવા માટે ઐતિહાસિક કરાર પર કર્યા હસ્તાક્ષર

દુનિયાના અનેક દેશો પર રાજ કરનાર બ્રિટનને હવે પોતાના જ ભાગલા પડવાનો ડર સતાવી રહ્યો છે. વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડે યુકેથી અલગ થવા માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જાણો સમગ્ર વિવાદ.

અપડેટેડ 10:22:01 AM Sep 15, 2026 પર
Story continues below Advertisement
વેલ્સના કાર્ડિફ શહેરમાં મળેલી બેઠક દરમિયાન વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડના નેતાઓએ આ કરારની જાહેરાત કરી હતી. આ દેશોએ બ્રિટન પાસેથી વધુ સ્વાયત્તતા અને સંપૂર્ણ આઝાદી માટે 'જનમત સંગ્રહ'કરાવવાના અધિકારની માંગ કરી છે.

એક સમય હતો જ્યારે દુનિયાના મોટા ભાગ પર બ્રિટનનું રાજ ચાલતું હતું. બ્રિટિશ સરકારે અનેક દેશો પર કબજો કર્યો, ત્યાં શાસન ચલાવ્યું અને તેમના ભાગલા પણ પાડ્યા. પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે એ જ બ્રિટનને પોતાના દેશના ભાગલા પડવાનો ડર સતાવી રહ્યો છે. એવી પ્રબળ સંભાવનાઓ દેખાઈ રહી છે કે વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડ આગામી સમયમાં બ્રિટનથી અલગ થઈ શકે છે.

સોમવારે આ ત્રણેય ક્ષેત્રોના ટોચના નેતાઓએ એક એવા કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી બ્રિટન તૂટવાનો ખતરો વધી ગયો છે.

શું છે સમગ્ર મામલો?

વેલ્સના કાર્ડિફ શહેરમાં મળેલી બેઠક દરમિયાન વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડના નેતાઓએ આ કરારની જાહેરાત કરી હતી. આ દેશોએ બ્રિટન પાસેથી વધુ સ્વાયત્તતા અને સંપૂર્ણ આઝાદી માટે 'જનમત સંગ્રહ'કરાવવાના અધિકારની માંગ કરી છે.

આ નેતાઓએ બ્રિટનના વડાપ્રધાન એન્ડી બર્નહામ અને તેમની સરકારને કડક શબ્દોમાં સંદેશો આપ્યો છે કે, તેઓ બંધારણીય ફેરફારો માટે તૈયાર રહે, કારણ કે આ વિસ્તારોનું ભવિષ્ય યુરોપિયન યુનિયન સાથે સુરક્ષિત છે. આ કરારમાં બ્રિટિશ સંસદ તરફ ઈશારો કરતા સ્પષ્ટપણે કહેવાયું છે કે, "આ ટાપુઓ અને દુનિયાભરમાં આ બધું જોઈ રહેલા લોકો માટે આનાથી મોટો કોઈ સંકેત ન હોઈ શકે કે હવે બ્રિટિશ સંસદનો સમય પૂરો થઈ રહ્યો છે."


બ્રિટનના વડાપ્રધાનનું શું કહેવું છે?

આ વધતા દબાણ વચ્ચે બ્રિટનના વડાપ્રધાન એન્ડી બર્નહામે તાજેતરમાં સાંસદોને જણાવ્યું હતું કે, જો તમામ પક્ષો વચ્ચે સહમતિ સધાશે, તો તેઓ સ્કોટલેન્ડની આઝાદી માટે વધુ એક જનમત સંગ્રહને મંજૂરી આપવા તૈયાર છે.

બીજી તરફ, ગુડ ફ્રાઈડે એગ્રીમેન્ટની શરતો મુજબ, ઉત્તરી આયર્લેન્ડ પાસે આયર્લેન્ડ સાથે જોડાવા માટે જનમત સંગ્રહ કરાવવાનો બંધારણીય અધિકાર પહેલેથી જ છે. જો એવા સંજોગો ઉભા થાય જેમાં ઉત્તરી આયર્લેન્ડના બહુમતી લોકો યુકેથી અલગ થવા માંગતા હોય, તો ત્યાં મતદાન થઈ શકે છે. નોંધનીય છે કે, આ આંતરિક ખેંચતાણ પહેલા બ્રિટનનો ઈઝરાયેલ સાથે પણ વિવાદ ચર્ચામાં રહ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી વધ્યું બ્રિટનનું ટેન્શન

બ્રિટન માટે સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે ઇતિહાસમાં પહેલીવાર સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડમાં એવી પાર્ટીઓ સત્તા પર છે જે આઝાદીનું ખુલ્લું સમર્થન કરે છે. આ પાર્ટીઓ પોતાના દેશના ભવિષ્યને લઈને વધુ અધિકારો માંગી રહી છે.

આ બધા વચ્ચે આગમાં ઘી હોમવાનું કામ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું છે. તાજેતરમાં જ પોતાની આયર્લેન્ડ મુલાકાત દરમિયાન ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, તેઓ "સંયુક્ત આયર્લેન્ડ" જોવાનું પસંદ કરશે. તેમણે ઉત્તરી આયર્લેન્ડનું આયર્લેન્ડમાં ભળવું ખૂબ જ સારી બાબત ગણાવી હતી. ટ્રમ્પના આ નિવેદન બાદ બ્રિટિશ સરકાર પર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દબાણ અને ટેન્શન ખૂબ વધી ગયું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 15, 2026 10:22 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.