ચીનને હરાવવા હવે અમેરિકા મુસ્લિમ દેશના શરણે! પાકિસ્તાનને ખતરનાક યુદ્ધ જહાજ આપનાર તુર્કી સાથે મોટી ડીલની તૈયારી
સમુદ્રમાં ચીનની દાદાગીરી રોકવા માટે અમેરિકા હવે એ જ દેશની મદદ લેવા જઈ રહ્યું છે જેણે પાકિસ્તાનને અત્યાધુનિક યુદ્ધજહાજો આપ્યા છે. અમેરિકન નેવી અને તુર્કી વચ્ચેની આ રણનીતિક ડીલ વિશે વિગતે વાંચો.
અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ, તુર્કી અને અમેરિકા વચ્ચે ગયા વર્ષથી જહાજ નિર્માણમાં સહયોગ વધારવા માટે વાતચીત ચાલી રહી છે.
જે તુર્કીએ હાલમાં જ પાકિસ્તાનની નૌસેનાને અત્યાધુનિક યુદ્ધજહાજો સોંપ્યા છે, હવે દુનિયાની સુપરપાવર ગણાતું અમેરિકા પણ તે જ મુસ્લિમ દેશ પર ભરોસો કરવા જઈ રહ્યું છે. સમુદ્રમાં ચીનનો દબદબો સતત વધી રહ્યો છે અને તેને ટક્કર આપવા માટે અમેરિકાએ પોતાની રણનીતિ બદલી છે. રિપોર્ટ્સ મુજબ, અમેરિકા નૌસૈનિક જહાજોના નિર્માણ માટે તુર્કી સાથે મહત્વની વાતચીત કરી રહ્યું છે.
અમેરિકાનું શિપબિલ્ડિંગ સેક્ટર સંકટમાં
અમેરિકા પોતાની નેવી (Navy) ને વધુ મજબૂત કરવા માંગે છે, પરંતુ છેલ્લા ઘણા દાયકાઓના દુર્લક્ષને કારણે અમેરિકાનું જહાજ નિર્માણ ક્ષેત્ર (Shipbuilding Sector) ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે. અમેરિકા પાસે હાલમાં પૂરતા પ્રમાણમાં આધુનિક શિપયાર્ડ અને કુશળ કારીગરોની અછત છે. આ જ કારણ છે કે હવે અમેરિકા પોતાના સાથી દેશોની મદદ લેવા મજબૂર બન્યું છે.
અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ, તુર્કી અને અમેરિકા વચ્ચે ગયા વર્ષથી જહાજ નિર્માણમાં સહયોગ વધારવા માટે વાતચીત ચાલી રહી છે. અમેરિકા એ ચકાસી રહ્યું છે કે શું તુર્કી અમેરિકન નેવી માટે જહાજોના પાર્ટ્સ સપ્લાય કરી શકે છે અથવા વધારાના ફ્રિગેટ્સ (નાના યુદ્ધજહાજ) બનાવી આપવામાં મદદ કરી શકે છે?
તુર્કી બન્યું નેવલ પાવર
છેલ્લા થોડા વર્ષોમાં તુર્કી એક મોટી નૌસૈનિક શક્તિ બનીને ઉભર્યું છે. તુર્કીના શિપયાર્ડમાં એટલી ક્ષમતા છે કે તેઓ એકસાથે 30 થી વધુ જહાજો બનાવી શકે છે. તુર્કીની ડિફેન્સ કંપનીઓએ 'MILGEM પ્રોજેક્ટ' હેઠળ સ્વદેશી યુદ્ધજહાજોની ડિઝાઈન તૈયાર કરી છે. આ જહાજો પોતાની તેજ ગતિ, દુશ્મનની પકડમાં ન આવવાની 'સ્ટેલ્થ' ક્ષમતા અને આધુનિક હથિયારો માટે જાણીતા છે.
અત્યાર સુધી જાપાન-કોરિયા પર હતું નિર્ભર
અત્યાર સુધી અમેરિકા જહાજ નિર્માણ માટે જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયાઈ સાથીદારો પર નિર્ભર હતું. ડિસેમ્બર 2024માં દક્ષિણ કોરિયાની એક કંપનીએ અમેરિકામાં શિપયાર્ડ ખરીદ્યું હતું. જોકે, અમેરિકાના ઘણા પ્રોજેક્ટ્સ અટવાઈ પડ્યા છે. ડિસેમ્બર 2025માં જ અમેરિકન નેવીએ ઈટાલીની કંપની સાથે ચાલી રહેલા એક મોટા ફ્રિગેટ પ્રોજેક્ટને રદ કરવો પડ્યો હતો.
રાજકીય મુશ્કેલીઓ અને ટ્રમ્પ સરકાર
જોકે, તુર્કી સાથેની આ મિત્રતા અમેરિકા માટે સરળ નથી. 2019માં જ્યારે તુર્કીએ રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદી હતી, ત્યારે અમેરિકાએ તેના પર પ્રતિબંધો લગાવ્યા હતા. તેમ છતાં, ટ્રમ્પ પ્રશાસનના અધિકારીઓ માને છે કે શિપબિલ્ડિંગ ડીલ બંને દેશોના બગડેલા સંબંધો સુધારવામાં નિમિત્ત બની શકે છે. તુર્કીના શિપયાર્ડ્સ ઇસ્તંબુલની આસપાસ હોવાથી ત્યાં કામ ખૂબ ઝડપથી થાય છે, જેનો ફાયદો અમેરિકા ઉઠાવવા માંગે છે.
પાકિસ્તાન અને તુર્કીનું કનેક્શન
અમેરિકા જેની સાથે ડીલ કરવા માંગે છે તે તુર્કીએ પાકિસ્તાનને પણ મજબૂત કર્યું છે.
આમ, એક તરફ તુર્કી પાકિસ્તાનની તાકાત વધારી રહ્યું છે અને બીજી તરફ ચીનને રોકવા માટે અમેરિકા પણ હવે તુર્કીના જ શરણે ગયું છે. જો આ ડીલ ફાઈનલ થાય છે, તો વૈશ્વિક રાજનીતિમાં તુર્કીનું મહત્વ અનેકગણું વધી જશે.