ચીનને પછાડવા અમેરિકાની મોટી તૈયારી: વાઈસ પ્રેસિડન્ટ જેડી વેન્સે જાહેર કર્યો ક્રિટિકલ મિનરલ્સ માટેનો 'માસ્ટર પ્લાન'
America vs China Critical Minerals: અમેરિકાએ ચીનના ક્રિટિકલ મિનરલ્સ પરના દબદબાને તોડવા માટે મોટી યોજના બનાવી છે. વાઈસ પ્રેસિડન્ટ જેડી વેન્સે 'ટ્રેડિંગ બ્લોક' બનાવવાની જાહેરાત કરી છે. જાણો શું છે આ પ્લાન અને તે દુનિયા માટે કેમ મહત્વનો છે.
જેડી વેન્સે વિદેશ મંત્રીઓની એક મીટિંગમાં સ્પષ્ટ કર્યું કે, "છેલ્લા 1 વર્ષમાં થયેલા ટ્રેડ વોરે આપણને બતાવી દીધું છે કે મોટાભાગના દેશો તે મિનરલ્સ માટે ચીન પર કેટલા નિર્ભર છે, જેના પર ચીનનો સંપૂર્ણ કંટ્રોલ છે.
America vs China Critical Minerals: ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી આર્થિક રસાકસી હવે એક નવા મુકામે પહોંચી છે. ટેકનોલોજી અને ડિફેન્સ સેક્ટર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતા 'ક્રિટિકલ મિનરલ્સ'ના ક્ષેત્રમાં ચીનની બાદશાહત ખતમ કરવા માટે અમેરિકાએ કમર કસી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન અને વાઈસ પ્રેસિડન્ટ જેડી વેન્સ હવે આ બાબતે એક મોટું પગલું ભરવા જઈ રહ્યા છે.
શું છે અમેરિકાનો 'ટ્રેડિંગ બ્લોક' પ્લાન?
અમેરિકાના વાઈસ પ્રેસિડન્ટ જેડી વેન્સે જાહેરાત કરી કે અમેરિકા પોતાના સાથી દેશો સાથે મળીને એક 'ક્રિટિકલ મિનરલ્સ ટ્રેડિંગ બ્લોક' બનાવવા માંગે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ચીનની રણનીતિ સામે લડવાનો છે. ઘણીવાર ચીન પોતાના હરીફોને નબળા પાડવા માટે મિનરલ્સના ભાવમાં મનસ્વી ફેરફાર કરે છે અથવા સપ્લાય અટકાવી દે છે. આ ટ્રેડિંગ બ્લોક દ્વારા અમેરિકા ટેરિફ (ટેક્સ) નો ઉપયોગ કરીને કિંમતો જાળવી રાખશે અને ચીન પરની નિર્ભરતા ઘટાડશે.
જેડી વેન્સે વિદેશ મંત્રીઓની એક મીટિંગમાં સ્પષ્ટ કર્યું કે, "છેલ્લા 1 વર્ષમાં થયેલા ટ્રેડ વોરે આપણને બતાવી દીધું છે કે મોટાભાગના દેશો તે મિનરલ્સ માટે ચીન પર કેટલા નિર્ભર છે, જેના પર ચીનનો સંપૂર્ણ કંટ્રોલ છે. અમે ઈચ્છીએ છીએ કે સભ્ય દેશો વચ્ચે એવો સહયોગ બને જે અમેરિકન ઇન્ડસ્ટ્રીઝને મજબૂતી આપે અને ઉત્પાદન વધારે."
ક્રિટિકલ મિનરલ્સ એટલે શું? અને તે કેમ મહત્વના છે?
તમારા મનમાં સવાલ થતો હશે કે આખરે આ ક્રિટિકલ મિનરલ્સ શું છે જેના માટે અમેરિકા આટલું ચિંતિત છે? સરળ ભાષામાં સમજીએ તો, આ 17 રાસાયણિક તત્વોનું એક ગ્રુપ છે. જેમાં નીઓડાઈમિયમ, સેરીયમ, લેન્થેનમ વગેરેનો સમાવેશ થાય છે. ભલે આ નામ અઘરા લાગે, પણ તેનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ.
આજનો જમાનો ટેકનોલોજીનો છે અને 21મી સદીનું લગભગ દરેક 'સ્માર્ટ' ઉપકરણ આ મિનરલ્સ પર ચાલે છે.
મોબાઈલ ફોન અને લેપટોપ
ટીવી સ્ક્રીન
ઇલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહનો (EVs)
જેટ એન્જિન અને રડાર સિસ્ટમ
ગાઈડેડ મિસાઈલ અને ડિફેન્સ ટેકનોલોજી
આ ખનીજો પૃથ્વી પર ઓછી માત્રામાં મળે છે, પણ તેમનું મહત્વ સોના-ચાંદી કરતા પણ વધારે છે.
ચીનનો દબદબો અને અમેરિકાની ચિંતા
હાલની સ્થિતિએ આ ક્ષેત્રમાં ચીનનો એકહથ્થુ શાસન છે. આંકડા જોઈએ તો ચોંકી જવાય તેવા છે, દુનિયામાં થતા રેયર અર્થ માઈનિંગ (ખોદકામ) માં ચીનનો હિસ્સો લગભગ 60 થી 70 ટકા છે. સૌથી મહત્વની વાત પ્રોસેસિંગ અને રિફાઈનિંગની છે, જેમાં ચીનનો હિસ્સો 85 થી 90 ટકા જેટલો છે. ચીનના 'ઇનર મંગોલિયા' માં આવેલ બાયન ઓબો ક્ષેત્રમાં દુનિયાનો સૌથી મોટો રેયર અર્થ ભંડાર છે. ચીન પાસે માત્ર આ ખનીજોનો જથ્થો જ નથી, પણ તેને શુદ્ધ કરવાની ટેકનોલોજીમાં પણ તે સૌથી આગળ છે.
આ કારણે અમેરિકા, જાપાન અને યુરોપ જેવા વિકસિત દેશો પણ ચીન પર નિર્ભર છે. અમેરિકાને ડર છે કે જો ભવિષ્યમાં કોઈ વિવાદ થાય, તો ચીન આ મિનરલ્સનો સપ્લાય રોકીને દુનિયાને બ્લેકમેલ કરી શકે છે. આ નિર્ભરતા ચીનને એક મોટો વ્યૂહાત્મક ફાયદો આપે છે, જેને તોડવા માટે હવે અમેરિકાએ આ નવી તૈયારી આરંભી છે.