રાધારમણ દાસનો દાવો છે કે બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ અન્ય એક હિન્દુ પૂજારીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા પૂજારીની વાત કરીએ તો તેમનું નામ શ્યામ દાસ પ્રભુ હોવાનું જણાયું છે. અહેવાલો અનુસાર, શ્યામ દાસ પ્રભુ જેલમાં બંધ ચિન્મય કૃષ્ણ દાસને મળવા ગયા હતા, તે દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી.
શ્યામ દાસ પ્રભુની કોઈપણ સત્તાવાર વોરંટ વગર ધરપકડ કરવામાં આવી છે. ઇસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા રાધારમણ દાસે શ્યામ દાસ પ્રભુની ધરપકડ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ‘આજે વધુ એક બ્રહ્મચારી શ્યામ દાસ પ્રભુની ચટગાંવ પોલીસે ધરપકડ કરી છે.'
હિંદુ પુજારી ચિન્મય કૃષ્ણ દાસ, ઈસ્કોનના ભૂતપૂર્વ સભ્ય, સોમવારે 25 નવેમ્બરે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. તે જ સમયે, બાંગ્લાદેશના નાણાકીય અધિકારીઓએ ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય ચિન્મય કૃષ્ણ દાસ અને સંગઠન સાથે સંકળાયેલા અન્ય 17 લોકોના બેંક ખાતામાંથી 30 દિવસ માટે વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો છે.