E-Cigarette Ban India: ભારત સરકારે ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ હળવો કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. જાણો ફિલિપ મોરિસ જેવી દિગ્ગજ કંપનીઓને કેમ લાગ્યો મોટો ઝટકો અને શું છે સરકારનું કડક વલણ.
રિપોર્ટ્સ અનુસાર, માર્લબોરો સિગારેટ બનાવતી આ કંપની લાંબા સમયથી ભારતમાં ખાનગી રાહે લોબિંગ કરી રહી હતી.
E-Cigarette Ban India: ભારત સરકારે ઈ-સિગારેટ અને તમાકુના નવા ઉત્પાદનોને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. સરકારે ઈ-સિગારેટ પરના પ્રતિબંધને હટાવવા કે હળવો કરવાનો સાફ ઈનકાર કરી દીધો છે. સરકારના આ નિર્ણયને કારણે ‘હીટ-નોટ-બર્ન’ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ યથાવત રહેશે. ભારત સરકારના આ કડક નિર્ણયથી દુનિયાની મોટી તમાકુ કંપનીઓ, ખાસ કરીને ફિલિપ મોરિસ ઈન્ટરનેશનલને મોટો ફટકો પડ્યો છે.
શા માટે આ નિર્ણય મહત્વનો છે?
ભારત વિશ્વનું 7મું સૌથી મોટું સિગારેટ બજાર છે. અહીં દર વર્ષે અંદાજે 100 અબજથી વધુ સિગારેટનું વેચાણ થાય છે. આ વિશાળ બજાર પર નજર રાખીને વિદેશી કંપનીઓ ભારતમાં પ્રવેશવા માટે સતત પ્રયાસો કરી રહી હતી. જોકે, સરકારે 2019 માં જ ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ પ્રોડક્ટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો, જે આજે પણ અકબંધ છે.
આરોગ્ય મંત્રાલયનો રોકડું પરખાવતો જવાબ
દુનિયાની સૌથી મૂલ્યવાન તમાકુ કંપની ગણાતી ફિલિપ મોરિસને એવી આશા હતી કે ભારત તેમના ‘IQOS’ નામના હીટેડ તમાકુ ઉપકરણ માટે એક મોટું માર્કેટ બની શકે છે. કંપની દાવો કરતી હતી કે આ ડિવાઈસ સામાન્ય સિગારેટ કરતાં ઓછું નુકસાનકારક છે.
પરંતુ, રોઇટર્સના એક અહેવાલ મુજબ, જ્યારે આરોગ્ય મંત્રાલયને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "ભારત સરકાર આ પ્રતિબંધને રદ કરવા, તેમાં કોઈ સુધારો કરવા કે તેને હળવો કરવા અંગે કોઈ પણ વિચારણા કરી રહી નથી." મંત્રાલયે એમ પણ ઉમેર્યું કે વર્તમાન કાયદા મુજબ હીટ-નોટ-બર્ન ઉપકરણો પ્રતિબંધિત છે અને ભવિષ્યમાં પણ આ સ્થિતિ એવી જ રહેશે.
કંપનીના લોબિંગના પ્રયાસો નિષ્ફળ
રિપોર્ટ્સ અનુસાર, માર્લબોરો (Marlboro) સિગારેટ બનાવતી આ કંપની લાંબા સમયથી ભારતમાં ખાનગી રાહે લોબિંગ કરી રહી હતી. તેમણે ભારતના ઉચ્ચ અધિકારીઓ અને સંસદીય સમિતિ સમક્ષ પોતાના ‘IQOS’ ડિવાઈસના વિજ્ઞાન અને સંશોધનને ધ્યાનમાં લેવા રજૂઆતો કરી હતી. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય આ ઉત્પાદનોને પ્રતિબંધમાંથી મુક્તિ અપાવવાનો હતો.
એટલું જ નહીં, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દાવોસ (Davos) ખાતે યોજાયેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન પણ કંપનીના અધિકારીઓએ ભારતના રાજ્ય સ્તરના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને આ પ્રોડક્ટ્સને મંજૂરી મળે તે માટે પેરવી કરી હતી.
જાહેર આરોગ્ય સરકારની પ્રાથમિકતા
આંતરરાષ્ટ્રીય દબાણ અને કંપનીઓના સતત પ્રયાસો છતાં, ભારત સરકાર પોતાના નિર્ણય પર અડગ રહી છે. સરકારનું માનવું છે કે ઈ-સિગારેટ અને આવા અન્ય ઉપકરણો યુવા વર્ગમાં વ્યસનનું પ્રમાણ વધારી શકે છે. તેથી, જાહેર આરોગ્યને સૌથી ઉપર રાખીને સરકારે તમાકુ નિયંત્રણના કાયદાઓમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ ન આપવાનો નિર્ણય લીધો છે.