ઈરાન-અમેરિકા યુદ્ધની મોટી અસર: કતાર અને ઈરાનના ગેસ ફિલ્ડ પર હુમલાથી દુનિયાભરમાં હાહાકાર, જાણો ગ્લોબલ માર્કેટ પર શું થશે અસર?
ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધે ગ્લોબલ એનર્જી માર્કેટમાં ભડકો કર્યો છે. કતાર અને ઈરાનના ગેસ ફિલ્ડ પર હુમલાથી ક્રૂડ ઓઈલ 115 ડોલરની નજીક પહોંચ્યું. જાણો ભારત અને દુનિયા પર તેની શું અસર થશે.
યુએઈ (UAE) ના ગેસ કારોબારને પણ આ યુદ્ધનો મોટો ફટકો પડ્યો છે. યુએઈના આ સૌથી મહત્વના હબશન ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં હાલ કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે.
Iran-US War Impact: ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધે હવે આખી દુનિયાની ઊંઘ હરામ કરી દીધી છે. ખાડી દેશોમાં આવેલા અત્યંત મહત્વના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાઓએ ભારત સહિત આખી દુનિયાની ચિંતામાં મોટો વધારો કર્યો છે. દુનિયાભરનું ગ્લોબલ એનર્જી માર્કેટ આ હુમલાઓથી હચમચી ગયું છે.
આ યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલ (કાચું તેલ) ના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે અને તે પ્રતિ બેરલ 115 ડોલરની સપાટીની નજીક પહોંચી ગયું છે. બીજી તરફ, LNG (લિક્વિફાઈડ નેચરલ ગેસ) માર્કેટમાં પણ સપ્લાય ખોરવાઈ જવાની અને કાર્ગો જહાજોના રૂટ બદલવાની નોબત આવી છે. ચાલો જાણીએ કે ખાડી દેશોમાં કઈ કઈ જગ્યાએ હુમલા થયા છે અને તેની ગ્લોબલ માર્કેટ પર કેટલી ખરાબ અસર પડી શકે છે.
આ 3 મોટા ગેસ અને ઓઈલ હબ પર થયો હુમલો
મિડલ ઈસ્ટના જે મુખ્ય એનર્જી સેન્ટર્સ પર હુમલા થયા છે, તે આખી દુનિયાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મોટો ભાગ ભજવે છે:
સાઉથ પારસ-નોર્થ ડોમ (South Pars–North Dome) ગેસ ફિલ્ડ:
આ દુનિયાનું સૌથી મોટું નેચરલ ગેસ ફિલ્ડ છે. એક દિવસ પહેલા જ સાંજના સમયે આ ગેસ ફિલ્ડ પર હુમલો કરવામાં આવ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્ડમાં અંદાજિત 48 લાખ કરોડ ક્યુબિક મીટર ગેસનો ભંડાર છે! દુનિયાભરમાં અત્યાર સુધી જેટલો ગેસ રિઝર્વ મળ્યો છે, તેનો 25 ટકા હિસ્સો માત્ર અહીં જ છે. આ ગેસ ફિલ્ડ ઈરાન અને કતાર બંનેના ગેસ ઉત્પાદનની કરોડરજ્જુ સમાન છે.
આ કતારનું મુખ્ય LNG એક્સપોર્ટ (નિકાસ) હબ છે, જ્યાં પણ હુમલાના સમાચાર છે. અહીંથી દર વર્ષે 7.7 થી 8 કરોડ ટન LNG ની નિકાસ થાય છે. આ આંકડો ગ્લોબલ LNG વેપારના 20 ટકા જેટલો થાય છે. અહીંથી સૌથી વધુ ગેસ એશિયા અને યુરોપના દેશોમાં જાય છે. અહીં પડેલી કોઈપણ મુશ્કેલીની સીધી અસર આખી દુનિયાના ગેસ સપ્લાય પર પડે છે.
હબશન ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટ (Habshan Gas Processing Plant):
યુએઈ (UAE) ના ગેસ કારોબારને પણ આ યુદ્ધનો મોટો ફટકો પડ્યો છે. યુએઈના આ સૌથી મહત્વના હબશન ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટમાં હાલ કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. આ પ્લાન્ટ દરરોજ અબજો ક્યુબિક ફીટ ગેસ હેન્ડલ કરે છે.
દુનિયા પર આ હુમલાઓની કેટલી અસર થવાની આશંકા છે?
આ હુમલાઓથી દુનિયા પર કેટલો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે, તેનો અંદાજ આ આંકડાઓ પરથી જ લગાવી શકાય છે:
દુનિયાના કુલ વૈશ્વિક ગેસ ભંડારનો 25 ટકા હિસ્સો આ વિસ્તાર સાથે જોડાયેલો છે. આખી દુનિયાના LNG બિઝનેસનો 20 ટકા હિસ્સો અહીંના એક્સપોર્ટ હબમાંથી પસાર થાય છે. વૈશ્વિક ક્રૂડ ઓઈલનો 20 ટકા હિસ્સો પણ આ જ ખાડી વિસ્તારમાંથી દુનિયાભરમાં જાય છે.
આગામી મહિનાઓમાં સપ્લાય પર મોટી બ્રેક લાગશે
આ હુમલાઓની સૌથી ખરાબ અસર સમયપત્રક પર પડી રહી છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો સૌથી મહત્વનો દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' સામાન્ય રીતે ચાલુ થઈ પણ જાય, તો પણ મુશ્કેલીઓ ઓછી નહીં થાય. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલું નુકસાન અને સાવચેતીના ભાગરૂપે પ્લાન્ટ્સ બંધ રાખવાના નિર્ણયોને કારણે આગામી કેટલાક મહિનાઓ સુધી દુનિયાભરમાં LNG નો સપ્લાય એકદમ મર્યાદિત રહી શકે છે.
ઈરાન અને કતારના એનર્જી સેક્ટરમાં પડેલી આ ખલેલ માત્ર મિડલ ઈસ્ટ પૂરતી સીમિત નથી. તેનાથી ભારત સહિત એશિયા અને યુરોપના દેશોમાં મોંઘવારી વધી શકે છે. આગામી દિવસોમાં જો યુદ્ધ વધુ વકરશે, તો પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ સામાન્ય માણસનું બજેટ સંપૂર્ણપણે ખોરવી શકે છે. રોકાણકારો અને સરકારો હાલ સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.