ચીનની ચાલબાજી: પોતાના ફાયદા માટે ભારતનું નુકસાન! જાણો શું છે ડ્રેગનની ડમ્પિંગ પોલિસી જે બની ગળાનો ફાંસો? | Moneycontrol Gujarati
Get App

ચીનની ચાલબાજી: પોતાના ફાયદા માટે ભારતનું નુકસાન! જાણો શું છે ડ્રેગનની ડમ્પિંગ પોલિસી જે બની ગળાનો ફાંસો?

China Dumping Policy: અમેરિકાના કડક વલણ બાદ ચીન પોતાનો સસ્તો માલ ભારત સહિતના દેશોમાં ડમ્પ કરી રહ્યું છે. ચીનની આ પોલિસીને કારણે ભારતીય ઉદ્યોગોને મોટું નુકસાન થઈ રહ્યું છે. યુરોપના એક નિર્ણયમાં તો ચીનના પાપે ભારત પણ દંડાઈ ગયું છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

અપડેટેડ 04:48:23 PM Jan 18, 2026 પર
Story continues below Advertisement
ચીનની આ સસ્તા માલની ડમ્પિંગ નીતિની સીધી અસર ભારતના ઘરેલુ ઉદ્યોગો પર પડી છે. દેશની GDPમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો ઘટીને લગભગ 14% જેટલો થઈ ગયો છે, જે ચિંતાનો વિષય છે.

China Dumping Policy: ચીન હંમેશા પોતાની વિસ્તારવાદી નીતિ અને વેપારમાં ચાલાકી માટે જાણીતું છે. હાલમાં ચીન એક નવી જ રમત રમી રહ્યું છે, જેને 'ડમ્પિંગ પોલિસી' કહેવામાં આવે છે. સરળ ભાષામાં કહીએ તો, ચીન પોતાના દેશનો સસ્તો માલ ભારત અને બીજા દેશોમાં મોટા પાયે ઠાલવી રહ્યું છે. આને કારણે માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરના બજારોમાં ઉથલપાથલ મચી ગઈ છે.

અમેરિકાના ડરથી ચીનની નવી ચાલ

જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની સામાન પર ભારે ટેરિફ લગાવવાની વાત કરી છે, ત્યારથી ચીનની હાલત કફોડી થઈ ગઈ છે. અમેરિકામાં ચીનનો માલ વેચવો હવે મુશ્કેલ બની ગયો છે. આથી, ચીન હવે અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને ભારત જેવા મોટા બજારો પર નજર દોડાવી રહ્યું છે.

આ માટે ચીને બે મોટા પગલાં લીધા છે તેણે જાણીજોઈને પોતાની કરન્સી 'યુઆન'ને નબળી પાડી દીધી છે, જેથી તેનો સામાન વિદેશમાં સસ્તો પડે. તેણે અનેક પ્રોડક્ટ્સના ભાવ સાવ તળિયે બેસાડી દીધા છે. ગયા વર્ષે ચીનનો ટ્રેડ સરપ્લસ રેકોર્ડબ્રેક 1.2 ટ્રિલિયન ડોલર રહ્યો હતો, જે દર્શાવે છે કે ચીન દુનિયાભરમાં કેટલો માલ વેચી રહ્યું છે.

ભારતના ઉદ્યોગો પર ગંભીર અસર


ચીનની આ સસ્તા માલની ડમ્પિંગ નીતિની સીધી અસર ભારતના ઘરેલુ ઉદ્યોગો પર પડી છે. દેશની GDPમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો હિસ્સો ઘટીને લગભગ 14% જેટલો થઈ ગયો છે, જે ચિંતાનો વિષય છે. સસ્તા ચીની સામાન સામે ટકી રહેવું ભારતીય કંપનીઓ માટે મુશ્કેલ બની રહ્યું છે. જોકે, ભારત સરકાર પણ હવે જાગૃત થઈ છે. ચીનથી આવતા ડમ્પિંગ માલની તપાસ કર્યા બાદ ભારતે કેમિકલ્સ અને ઈલેક્ટ્રિકલ સ્ટીલ્સ જેવા કેટલાક ઉદ્યોગો પર કડક ટેક્સ અને ડ્યુટી લગાવી દીધી છે.

દુનિયાભરના દેશો ચીન સામે થયા એક

માત્ર ભારત જ નહીં, દુનિયાના ઘણા દેશો હવે ચીનની આ આડોડાઈ સામે લડી રહ્યા છે. હાલમાં ડમ્પિંગને લઈને 120થી વધુ તપાસ ચાલી રહી છે. જાપાન, કેનેડા, મેક્સિકો અને થાઈલેન્ડ જેવા દેશોએ ચીની સામાન પર ટેરિફ લગાવવાનું શરૂ કર્યું છે. ફ્રાન્સ અને જર્મની જેવા દેશોને પણ ચીનના સસ્તા માલને કારણે નુકસાન વેઠવું પડી રહ્યું છે. પૂર્વીય યુરોપ અને આફ્રિકાના બજારોમાં પણ ચીની સામાનનો ખડકલો થઈ ગયો છે.

ચીનના પાપે ભારત દંડાયું!

સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચીનની આ ડમ્પિંગ નીતિની લપેટમાં ભારત પણ આવી ગયું છે. યુરોપમાં ચીન પેન્ટ, પ્લાસ્ટિક, પેપર અને ટેકનોલોજીને લગતો સામાન ડમ્પ કરી રહ્યું છે. આના જવાબમાં યુરોપિયન યુનિયન (EU) કડક પગલાં લઈ રહ્યું છે. હાલમાં જ EU એ 'બેરિયમ કાર્બોનેટ' પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લગાવી છે. ચીનની કંપનીઓ માટે આ ડ્યુટી 83.9% જેટલી ઊંચી રાખવામાં આવી છે. પરંતુ, આ તપાસમાં ભારતમાંથી આવતા માલ પર પણ અસર પડી છે અને ભારતીય સપ્લાયર્સ પર 4.6% ડ્યુટી લાગી છે. આમ, ચીનની ભૂલને કારણે ભારતીય ઉદ્યોગોએ પણ ભોગવવું પડી રહ્યું છે. આ નિર્ણયથી કાચ અને સિરામિક ઉદ્યોગમાં ભારે હલચલ જોવા મળી રહી છે. અંતમાં કહીએ તો, ચીન પોતાના આર્થિક સ્વાર્થ માટે ગ્લોબલ માર્કેટના નિયમો નેવે મૂકી રહ્યું છે. ભારત સહિતના દેશોએ હવે પોતાની ઇકોનોમી બચાવવા માટે વધુ કડક વલણ અપનાવવું અનિવાર્ય બની ગયું છે.

આ પણ વાંચો-ભારતનો ડંકો: 5G યૂઝર્સમાં દુનિયાનો બીજો સૌથી મોટો દેશ બન્યું ભારત, 40 કરોડ લોકો કરી રહ્યા છે ઉપયોગ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 18, 2026 4:48 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.