Electoral Bond: ઈલેક્ટોરલ બોન્ડના મુદ્દે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ને આકરો ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે SBIને પૂછ્યું કે અમારા આદેશ છતાં SBIએ હજુ સુધી યુનિક આઈડી નંબર કેમ જાહેર કર્યો નથી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું, 'જ્યારે આ મામલે અમારો આદેશ પહેલાથી જ સ્પષ્ટ છે તો SBI ડેટા કેમ જાહેર નથી કરી રહી.'
CJI ચંદ્રચુડે એમ પણ કહ્યું હતું કે, 'SBIનું વલણ એવું છે કે કોર્ટે જણાવવું જોઈએ કે શું ખુલાસો કરવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બોન્ડ સંબંધિત તમામ માહિતી, જે તમારી પાસે છે, તે જાહેર કરવામાં આવે.
‘SBIએ બધું જ જાહેર કરવું જોઈએ'
CJIએ SBIના વકીલ હરીશ સાલ્વેને કહ્યું, 'અમે ઈચ્છતા હતા કે SBI બધું જ જાહેર કરે. SBI સિલેક્ટેડ ન હોઈ શકે. અમને આશા હતી કે SBI કોર્ટ પ્રત્યે નિખાલસ અને ન્યાયી રહેશે. જ્યારે અમે બધી વિગતો કહીએ છીએ, ત્યારે અમારો અર્થ બધી વિગતો છે. બોન્ડ નંબર કેમ જાહેર કરવામાં આવ્યો ન હતો?
CJI ચંદ્રચુડે SCBA પ્રમુખ આદિશ અગ્રવાલને કહ્યું કે તમે વરિષ્ઠ વકીલ છો અને SCBA પ્રમુખ પણ છો. ઈલેક્ટોરલ બોન્ડ પર તમારો પત્ર એક પબ્લિસિટી સ્ટંટ છે. આનાથી વધુ કંઈ કહેવા માંગતા નથી.' કોર્ટમાં હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સરકાર SCBA પ્રમુખના પત્ર સાથે સહમત નથી.
એસજીએ કહ્યું- મામલાને અલગ વળાંક આપવાના પ્રયાસો થઈ રહ્યા છે
આ કેસમાં કેન્દ્ર તરફથી હાજર રહેલા મહેતાએ કહ્યું કે, 'તમે નિર્ણય આપ્યો છે, પરંતુ કોર્ટની બહાર તે અન્ય રીતે લેવામાં આવી રહ્યો છે. SBIની અરજી બાદ આ ગંભીર મામલો સામે આવ્યો છે. ત્યારપછી પ્રેસ ઈન્ટરવ્યુ શરૂ થઈ ગયા છે અને તેને અલગ વળાંક આપવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આના પર CJI ચંદ્રચુડે કહ્યું, 'એક સંસ્થા તરીકે, સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે તેના સંદર્ભમાં અમારે મજબૂત ખભા હોવા જોઈએ. અમારો હેતુ માત્ર માહિતીને પ્રકાશમાં લાવવાનો છે.
આ કેસમાં અરજદારો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે એપ્રિલ 2019માં કોર્ટે રાજકીય પક્ષો પાસેથી બોન્ડ્સ સંબંધિત માહિતી માંગી હતી, પરંતુ માત્ર અમુક રાજકીય પક્ષોએ જ ડેટા શેર કર્યો છે.