Davos 2026: ‘2024માં 60 યુદ્ધ થયા, જેમાંથી અમુક તો ફિક્સ હતા!’ મેક્રોંએ ટ્રમ્પને આડે હાથ લીધા; ગ્રીનલેન્ડ અને ટેરિફ મુદ્દે દાવોસમાં ગરમાવો | Moneycontrol Gujarati
Get App

Davos 2026: ‘2024માં 60 યુદ્ધ થયા, જેમાંથી અમુક તો ફિક્સ હતા!’ મેક્રોંએ ટ્રમ્પને આડે હાથ લીધા; ગ્રીનલેન્ડ અને ટેરિફ મુદ્દે દાવોસમાં ગરમાવો

Davos 2026: વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2026માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોંએ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા. ગ્રીનલેન્ડ, 200% ટેરિફ અને ‘ફિક્સ યુદ્ધ’ વિશે મેક્રોંએ શું કહ્યું? જાણો સમગ્ર અહેવાલ.

અપડેટેડ 04:46:14 PM Jan 21, 2026 પર
Story continues below Advertisement
ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ પર કબ્જો જમાવવાની કે ખરીદવાની વાતોને મેક્રોંએ 'નવો સંસ્થાનવાદ' ગણાવીને ફગાવી દીધી હતી.

Davos 2026: વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) 2026ના મંચ પરથી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વિના તેમના પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા છે. પોતાના ભાષણમાં મેક્રોંએ કટાક્ષ કરતા કહ્યું કે આ સમય 'શાંતિ અને સ્થિરતા'નો છે, જેના પર હોલમાં બેઠેલા લોકો હસી પડ્યા હતા. તેમણે ટ્રમ્પની ગ્રીનલેન્ડ ખરીદવાની જિદ અને ફ્રેન્ચ દારૂ (વાઈન) પર ટેક્સ વધારવાની ધમકીનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

‘2024માં થયેલા યુદ્ધોમાંથી કેટલાક ફિક્સ હતા’

મેક્રોંએ દુનિયામાં વધી રહેલી અસ્થિરતા તરફ ઈશારો કરતા કહ્યું કે, વર્ષ 2024માં દુનિયાભરમાં 60થી વધુ યુદ્ધો થયા હતા. તેમણે હળવા અંદાજમાં કટાક્ષ કરતા કહ્યું કે, "મને તો એવું પણ જાણવા મળ્યું છે કે આમાંથી અમુક યુદ્ધ તો 'ફિક્સ' હતા." મેક્રોંનો આ ઈશારો ગાઝા અને અન્ય સંઘર્ષો તરફ હતો. ઉલ્લેખનીય છે કે, જ્યારે મેક્રોંએ ટ્રમ્પના ગાઝા માટેના 'બોર્ડ ઓફ પીસ'માં જોડાવાની ના પાડી હતી, ત્યારે ટ્રમ્પે ગુસ્સે થઈને ફ્રેન્ચ વાઈન પર 200% ટેરિફ લગાવવાની ધમકી આપી હતી.

નવા સંસ્થાનવાદ અને ગ્રીનલેન્ડ મુદ્દે વિરોધ

ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ પર કબ્જો જમાવવાની કે ખરીદવાની વાતોને મેક્રોંએ 'નવો સંસ્થાનવાદ' ગણાવીને ફગાવી દીધી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "કોઈપણ દેશ બીજા દેશની સંપ્રભુતા પર હુમલો ન કરી શકે. યુરોપિયન યુનિયન (EU) એ એકજૂથ થઈને આનો વિરોધ કરવો જોઈએ." તેમણે ઉમેર્યું કે આ સમય કોઈ નવા સામ્રાજ્યવાદ કે પંડારા બોક્સ ખોલવાનો નથી, પરંતુ ક્લાઈમેટ ચેન્જ અને વિકાસ પર ધ્યાન આપવાનો છે.


સાથી દેશો વચ્ચે ટેરિફ વૉર 'ગાંડપણ' સમાન

અમેરિકા દ્વારા ફ્રાન્સ સહિત 8 દેશો પર ટેરિફ લગાવવાની ધમકી પર મેક્રોં નારાજ દેખાયા હતા. તેમણે કહ્યું કે, મિત્ર દેશો અને સહયોગીઓ વચ્ચે ટેરિફ લગાવવા અને ભાગલા પાડવા એ સમજદારી નથી. EU એ પોતાના જ સાથી અમેરિકા સામે વળતી કાર્યવાહી કરવી પડે, તે વિચારવું પણ એક પ્રકારનું 'ગાંડપણ' છે. તેમણે કહ્યું કે આ બધું બિનજરૂરી આક્રમકતાનું પરિણામ છે.

ટ્રમ્પે લીક કર્યા હતા મેક્રોંના મેસેજ

આ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે મંગળવારે જ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર મેક્રોં સાથેના અંગત મેસેજ લીક કરી દીધા હતા અને તેમની ટીકા કરી હતી. આ ઘટના બાદ યુરોપ અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે.

ચીનના રોકાણ અને યુરોપની એકતા પર ભાર

પોતાના સંબોધનમાં મેક્રોંએ યુરોપમાં અમુક સેક્ટરમાં ચીનના ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે યુક્રેન જેવા મુદ્દાઓ પર વાત કરતા કહ્યું કે યુરોપે પોતાના એજન્ડાને સરળ બનાવીને એક થઈને આગળ વધવાની જરૂર છે. મેક્રોંના આ તેવર સ્પષ્ટ કરે છે કે યુરોપ હવે અમેરિકાના દબાણ સામે ઝુકવા તૈયાર નથી.

આ પણ વાંચો-Atal Pension Yojana: મોદી સરકારનો મોટો નિર્ણય: અટલ પેન્શન યોજના 2031 સુધી લંબાવાઈ, કરોડો લોકોને મળશે ગેરંટીડ પેન્શન

MoneyControl News

MoneyControl News

First Published: Jan 21, 2026 4:46 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.