પોતાના અનુભવો શેર કરતા ડોભાલે કહ્યું કે તેઓ પોતાની યુવાનીનો સમય હવે ભૂલી ચૂક્યા છે અને આજની પેઢી ઘણી બદલાઈ ગઈ છે.
Ajit Doval: નવી દિલ્હીમાં યોજાયેલા ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે યુવાનોમાં નવો જોશ ભર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સુપરફાસ્ટ સ્પીડથી આગળ વધી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ રફ્તાર કાયમ રહેશે. ડોભાલે યુવાનોને નિર્ણય લેવાની શક્તિ અને મનોબળનું મહત્વ સમજાવતા અનેક મોટી વાતો કરી હતી.
ભારત 'ઓટોપાયલટ' મોડ પર પણ વિકાસ કરશે
અજીત ડોભાલે કહ્યું કે વડાપ્રધાન મોદીએ દેશના વિકાસ માટે જે સ્પીડ નક્કી કરી છે, ભારત તે જ ગતિએ આગળ વધશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત ચોક્કસપણે વિકસિત રાષ્ટ્ર બનશે. તેમણે કહ્યું કે, "ભલે દેશ ઓટોપાયલટ મોડ પર ચાલે, તો પણ તે વિકાસના પથ પર જ આગળ વધતો રહેશે." આ માટે છેલ્લા 10 વર્ષમાં નેતૃત્વએ જે મજબૂત પાયો નાખ્યો છે, તે ખૂબ મહત્વનો છે.
યુવાનો માટે ડોભાલની ખાસ સલાહ
પોતાના અનુભવો શેર કરતા ડોભાલે કહ્યું કે તેઓ પોતાની યુવાનીનો સમય હવે ભૂલી ચૂક્યા છે અને આજની પેઢી ઘણી બદલાઈ ગઈ છે. જોકે, એક વસ્તુ હંમેશા સમાન રહે છે અને તે છે - નિર્ણય લેવાની ક્ષમતા. તેમણે યુવાનોને ગુરુમંત્ર આપતા કહ્યું કે, "જીવનમાં અને દેશના વિકાસમાં સાચા સમયે લેવાયેલા મજબૂત નિર્ણયો જ તમને આગળ લઈ જાય છે. જો તમારે વિકસિત ભારતના લીડર બનવું હોય, પછી ભલે તે સાયન્સ હોય, ટેક્નોલોજી હોય કે સુરક્ષાનું ક્ષેત્ર હોય, તમારે અત્યારથી જ નિર્ણય લેવાની શક્તિ કેળવવી પડશે."
મનોબળ નહીં હોય તો હથિયારો પણ નકામા
રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે વાત કરતા તેમણે 'ઈચ્છાશક્તિ' એટલે કે Willpower પર ભાર મૂક્યો. તેમણે ખૂબ જ સચોટ વાત કરી કે જો તમારી પાસે દુનિયાભરના હથિયારો અને સંસાધનો હોય, પણ લડવાનું મનોબળ ન હોય તો તે બધું નકામું છે. યુદ્ધ એટલા માટે નથી લડાતા કે દુશ્મનના મૃતદેહો જોઈને સંતોષ મળે, તે માનસિક વિકૃતિ છે. ખરું યુદ્ધ તો દુશ્મનનું મનોબળ તોડવા માટે લડાય છે. જ્યારે સામેવાળાનું મનોબળ તૂટી જાય, ત્યારે તે હાર સ્વીકારી લે છે.
આપણને મળેલું નેતૃત્વ પ્રેરણારૂપ
સરકારની કામગીરીના વખાણ કરતા ડોભાલે કહ્યું કે આપણે નસીબદાર છીએ કે આપણને આવું મજબૂત નેતૃત્વ મળ્યું છે. છેલ્લા 10 વર્ષમાં નેતૃત્વની કટિબદ્ધતા, મહેનત અને સમર્પણને કારણે ભારત આજે મજબૂત સ્થિતિમાં છે. આ નેતૃત્વ યુવાનો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત છે. ઉલ્લેખનીય છે કે, ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2.0’ની શરૂઆત શનિવારથી થઈ છે અને તે 12 જાન્યુઆરી સુધી નવી દિલ્હીના ભારત મંડપમમાં ચાલશે, જેમાં દેશના ભવિષ્ય અંગે યુવાનો સાથે સંવાદ કરવામાં આવી રહ્યો છે.