ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો: ટેરિફથી અમેરિકાને થશે 600 અબજ ડોલરની કમાણી, ભારત પર પણ અસર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે નવી ટેરિફ નીતિથી અમેરિકાને 600 અબજ ડોલરની કમાણી થશે. જાણો ભારત પર લાગેલા 50% ટેક્સ અને ભારતની અર્થવ્યવસ્થા પર તેની શું અસર થઈ છે.
ભારતની ઈકોનોમી મજબૂતીથી આગળ વધી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા GDP ગ્રોથના આંકડા સાબિત કરે છે કે ભારત આવા આર્થિક દબાણને પહોંચી વળવા માટે સક્ષમ છે અને વિકાસની રફતાર જાળવી રાખી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આર્થિક નીતિઓને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમની સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી ટેરિફ નીતિના કારણે અમેરિકાને જબરદસ્ત ફાયદો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ પોલિસીથી અમેરિકાની તિજોરીમાં 600 અબજ ડોલરથી પણ વધુ રકમ આવવાની છે.
ટ્રુથ સોશિયલ પર કર્યો દાવો
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ શેર કરતા ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે, ટેરિફના કારણે અમેરિકા માત્ર આર્થિક રીતે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ પહેલા કરતા ઘણું વધારે મજબૂત બન્યું છે. તેમણે કહ્યું કે આવનારા સમયમાં આ કમાણીનો આંકડો હજુ વધશે.
મીડિયા પર સાધ્યું નિશાન
પોતાના નિવેદનમાં ટ્રમ્પે અમેરિકન મીડિયા પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે લખ્યું કે, "અમે ટેરિફના રૂપમાં 600 અબજ ડોલરથી વધુ કમાણી કરવા જઈ રહ્યા છીએ અને ટૂંક સમયમાં વધુ રેવન્યુ મળશે. પરંતુ ‘ફેક ન્યૂઝ’ મીડિયા આ સચ્ચાઈને છુપાવી રહ્યું છે, કારણ કે તેઓ આપણા દેશને નફરત કરે છે." તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે મીડિયા સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા ટેરિફના મહત્વના નિર્ણયમાં દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકા ફર્સ્ટની નીતિ અને ટેરિફ
તમને જણાવી દઈએ કે, પોતાના બીજા કાર્યકાળની શરૂઆતમાં જ ટ્રમ્પે દુનિયાના ઘણા દેશોમાંથી આવતા સામાન પર ટેક્સ વધારી દીધો હતો. તેમનું માનવું છે કે વર્ષોથી અન્ય દેશો અમેરિકા સાથે વેપારમાં ગરબડ કરી રહ્યા હતા અને અમેરિકન પ્રોડક્ટ્સ પર વધુ ટેક્સ વસૂલતા હતા. તેથી જવાબમાં તેમણે આ કડક પગલાં લીધા છે. ટ્રમ્પનું કહેવું છે કે આનાથી દુનિયાભરમાં અમેરિકાનું સન્માન અને પ્રભાવ વધ્યો છે.
ભારત પર પણ 50% ટેરિફનો બોજ
આ ટેરિફ વોરની અસર ભારત પર પણ જોવા મળી છે. ટ્રમ્પ પ્રશાસને ભારતીય સામાન પર લગભગ 50% સુધીનો ટેરિફ લગાવ્યો છે. આમાં રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત પર લગાવાયેલો 25% વધારાનો ટેક્સ પણ સામેલ છે. અમેરિકા ઈચ્છતું હતું કે ભારત રશિયા સાથે વેપાર ઓછો કરે.
ભારતની મજબૂત સ્થિતિ
જોકે, રાહતની વાત એ છે કે અમેરિકાના આ આકરા નિર્ણયો છતાં ભારતની આર્થિક પ્રગતિ પર કોઈ નકારાત્મક અસર પડી નથી. ભારતની ઈકોનોમી મજબૂતીથી આગળ વધી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા GDP ગ્રોથના આંકડા સાબિત કરે છે કે ભારત આવા આર્થિક દબાણને પહોંચી વળવા માટે સક્ષમ છે અને વિકાસની રફતાર જાળવી રાખી છે.