કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઉદ્યોગોને કહ્યું કે તેઓ વારંવાર ટેક્સ ઘટાડાની માંગ ન કરે કારણ કે સરકારને ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવા માટે નાણાંની જરૂર છે. અહીં એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું કે ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ 2 વર્ષમાં 9 ટકા ઘટશે. પોતાના સ્પષ્ટ વિચારો માટે જાણીતા ગડકરીએ કહ્યું, "ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અને ટેક્સમાં ઘટાડો કરવાની માંગ ન કરો. આ એક સતત પ્રોસેસ છે જે ચાલુ રહે છે. જો આપણે ટેક્સ ઘટાડીશું, તો તમે વધુ માંગશો, કારણ કે તે માનવ સ્વભાવ છે.
તેમણે કહ્યું, અમે ટેક્સનો બોજ ઘટાડવા માંગીએ છીએ, પરંતુ ટેક્સ વિના સરકાર કલ્યાણકારી યોજનાઓને આગળ ધપાવી શકતી નથી. મંત્રીએ કહ્યું કે સરકારનો અભિગમ શ્રીમંત લોકો પાસેથી કર વસૂલવાનો અને ગરીબોને લાભ આપવાનો છે. તેથી સરકારની પણ પોતાની લિમિટેશન છે. ગડકરીના મતે, ભારતનો લોજિસ્ટિક્સ ખર્ચ હાલમાં 14થી 16 ટકા છે. તેમણે કહ્યું, હું તમને ખાતરી આપું છું કે બે વર્ષમાં આપણો લોજિસ્ટિક્સ ખર્ચ ઘટીને નવ ટકા થઈ જશે. આનાથી આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સ્પર્ધાત્મક બનીશું.
મંત્રીએ કહ્યું કે ચીનમાં લોજિસ્ટિક્સ ખર્ચ 8 ટકા છે અને અમેરિકા અને યુરોપિયન દેશોમાં તે 12 ટકા છે. ગડકરીએ એમ પણ કહ્યું કે ભારતીય ઉદ્યોગે ક્વોલિટી સાથે સમાધાન કર્યા વિના પ્રોડક્શન ખર્ચ ઘટાડવાની જરૂર છે. મંત્રીએ કહ્યું કે ભારત મૂડી રોકાણ વધારીને વધુ રોજગારીનું સર્જન કરશે. તેમણે કહ્યું, તમે માત્ર સંપત્તિ સર્જક જ નથી પણ રોજગાર સર્જક પણ છો. આપણે આ સુવર્ણ યુગનો લાભ લેવાની જરૂર છે. આ ઉપરાંત, ગડકરીએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે આયાત ઘટાડવા અને નિકાસ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.