કેરળમાં ભૂસ્ખલન બાદ વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. પલક્કડમાં વરસાદને કારણે નદી એટલી બધી વધી ગઈ કે પુલ જ તૂટી ગયો. વીડિયો જોઈને એવું લાગે છે કે નદીએ પોતાની હદ વટાવીને મહાસાગરનું રૂપ લઈ લીધું છે. કેરળમાં આજે સવારથી જ સર્વત્ર તબાહીનો માહોલ છે. એવું લાગે છે કે વાયનાડમાં ભૂસ્ખલનને કારણે બધું જ ધોવાઈ ગયું છે. મૃત્યુઆંક 70ને પાર કરી ગયો છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ કુદરતી અકસ્માત અંગે મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી દુ:ખ વ્યક્ત કર્યું છે. અહીં મોટાપાયે બચાવ કામગીરી ચાલી રહી છે. એનડીઆરએફની સાથે સેનાને પણ બચાવ કામગીરી માટે તૈનાત કરવી પડી હતી.
આ દરમિયાન કેરળમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો પલક્કડ જિલ્લાનો હોવાનું કહેવાય છે. નદીના પ્રવાહ સાથે પુલ અનેક જગ્યાએ તુટી ગયો હોય અને ધોવાઈ ગયો હોય તે દૃશ્યમાન છે. તમને જણાવી દઈએ કે કેરળના પહાડી વાયનાડ જિલ્લામાં મંગળવારે વહેલી સવારે ભારે વરસાદ બાદ અનેક સ્થળોએ થયેલા ભૂસ્ખલનમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. કાટમાળ નીચે સેંકડો લોકો ફસાયા હોવાની શક્યતાને કારણે મૃત્યુઆંક વધી શકે છે. અન્ય સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે, પરંતુ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી નથી.
ભૂસ્ખલનની ઘટના મંગળવારે વહેલી સવારે બની હતી જેના કારણે ઘરોમાં સૂઈ રહેલા લોકોને બચવાની તક પણ મળી ન હતી. લોકો ફોન પર મદદ માટે આજીજી કરી રહ્યા છે અને બચાવકર્મીઓ કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. મૃતકોના મૃતદેહને ઓળખ અને પોસ્ટમોર્ટમ માટે વિવિધ હોસ્પિટલોના શબઘરોમાં લઈ જવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોમાં મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામોનો સમાવેશ થાય છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ટીમ સતત કામ કરી રહી છે. રેસ્ક્યુ ઓપરેશનમાં ભારતીય સેના પણ જોડાઈ છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ઉપરાંત, રાજ્ય સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ અને ફાયર કર્મીઓને તૈનાત કર્યા છે.