હિમાચલ પ્રદેશના મનાલીમાં વાદળ ફાટવાના કારણે અંજની મહાદેવ નદી અને નાળા છલકાઈ ગયા. પૂરના કારણે રૂખડ, પલચન અને કુલંગ ગામમાં અફરા-તફરી મચી ગઈ. નદીમાંથી આવતા ભયંકર અવાજથી લોકો ગભરાઈ ગયા. પલચનમાં પૂરના કારણે બે મકાનો ધોવાઈ ગયા. IMD હવામાન અહેવાલ મુજબ, આગામી 24 કલાક દરમિયાન પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, હિમાચલ, ઉત્તરાખંડ, ગોવા અને જમ્મુના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
મહારાષ્ટ્રમાં વરસાદે સર્જ્યો હાહાકાર!
મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પ્રશાસને નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરી દીધા છે.
ઉત્તરાખંડ: દેહરાદૂન, નૈનીતાલ અને બાગેશ્વરમાં એલર્ટ
ઉત્તરાખંડમાં વરસાદી માહોલ યથાવત છે. ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે ગમે ત્યારે ખરાબ હવામાન આવવાની શક્યતા છે. IMD અનુસાર, દેહરાદૂન, નૈનીતાલ અને બાગેશ્વરમાં ભારે વરસાદની આશંકા છે.
HP: NHમાં પુલ અને પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન
મનાલીમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાના કારણે પુલ અને પાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું છે. ઘરોમાં રહેતા લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. પૂરના કારણે અનેક ઘરો ધરાશાયી થયા હતા. પલચન અને સોલાંગ નજીક સ્નો ગેલેરીમાં કાટમાળને કારણે મનાલી લેહ રોડ (NH) પણ બંધ કરી દેવામાં આવ્યો છે. મનાલી પ્રશાસન રાહત કાર્યમાં લાગેલું છે.