ગુજરાત ટીબી સારવારમાં દેશમાં મોખરે, નીતિ આયોગના ટાર્ગેટના 95% હાંસલ | Moneycontrol Gujarati
Get App

ગુજરાત ટીબી સારવારમાં દેશમાં મોખરે, નીતિ આયોગના ટાર્ગેટના 95% હાંસલ

ગુજરાતે ટીબી (ક્ષય રોગ)ની સારવારમાં દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. રાજ્ય સરકારે ટીબીના દર્દીઓની નોંધણી અને સફળ સારવારના મામલે નીતિ આયોગે નિર્ધારિત કરેલા ટાર્ગેટના 95% પૂર્ણ કર્યા છે. આ સાથે જ, સારવાર પૂર્ણ થવાનો દર 91% સુધી પહોંચ્યો છે. વર્ષ 2024માં ટીબીના દર્દીઓને સહાય માટે સરકારે 43.9 કરોડ રૂપિયાનું ફાળો આપ્યું હતું.

અપડેટેડ 03:19:50 PM Mar 24, 2025 પર
Story continues below Advertisement
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત, ગુજરાતે નિક્ષય પોર્ટલ પર 10,682 નિક્ષય મિત્રોની નોંધણી કરી અને તેમના દ્વારા 3,49,534 પોષણ કિટનું વિતરણ કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાનું ટાર્ગેટ જાહેર કર્યું છે, અને તે દિશામાં ગુજરાતે મહત્વની પ્રગતિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યએ 2024માં 1,45,000 ટીબી દર્દીઓની ઓળખ અને નોંધણીનું ટાર્ગેટ રાખ્યું હતું, જેમાંથી 1,37,929 દર્દીઓની ઓળખ થઈ અને નોંધણી કરાઈ. આ ઉપરાંત, 1,24,581 દર્દીઓએ સારવાર સફળતાપૂર્વક પૂર્ણ કરી, જેનાથી સારવાર પૂર્ણતાનો દર 90.52% નોંધાયો.

નિક્ષય પોષણ યોજના હેઠળ આર્થિક સહાયમાં વધારો

ગુજરાત સરકારે ટીબી દર્દીઓને નિયમિત સારવાર મળે તે માટે નિક્ષય પોષણ યોજના હેઠળ દર્દી દીઠ 500 રૂપિયાની નાણાંકીય સહાય આપી રહી છે. 2024માં 1,18,984 દર્દીઓને આ યોજના હેઠળ 43.9 કરોડ રૂપિયાની મદદ પૂરી પાડવામાં આવી. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે 1 નવેમ્બર, 2024થી આ સહાયની રકમ વધારીને 1000 રૂપિયા કરી છે.


નિક્ષય મિત્રોનો સહયોગ, 3.49 લાખ પોષણ કિટનું વિતરણ

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત, ગુજરાતે નિક્ષય પોર્ટલ પર 10,682 નિક્ષય મિત્રોની નોંધણી કરી અને તેમના દ્વારા 3,49,534 પોષણ કિટનું વિતરણ કર્યું. આ પગલાંથી ટીબી દર્દીઓને દવા ઉપરાંત પોષણ પણ મળી રહે છે, જેના કારણે ગુજરાત આ ક્ષેત્રે દેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારું રાજ્ય બન્યું છે.

100 દિવસનું સઘન ટીબી નાબૂદી અભિયાન

ભારત સરકારે 7 ડિસેમ્બર, 2024થી શરૂ કરેલા "100-દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાન"માં ગુજરાતે 16 જિલ્લાઓ અને 4 મહાનગરપાલિકાઓને સામેલ કરીને નોંધપાત્ર પ્રગતિ કરી છે. 20 માર્ચ, 2025 સુધીમાં 35.75 લાખ લોકોનું ટીબી પરીક્ષણ કરાયું, જેમાં 16,758 નવા દર્દીઓની ઓળખ થઈ અને તેમની સારવાર શરૂ કરાઈ.

લાયન્સ ક્લબ સાથે કરાર, પોષણ સહાયમાં વધારો

ગુજરાત સરકારે 6 માર્ચ, 2025ના રોજ લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ સાથે એક સમજૂતી કરાર કર્યો છે, જે અંતર્ગત ટીબી દર્દીઓને દત્તક લઈને પોષણ સપોર્ટ આપવામાં આવશે. આ પહેલથી દર્દીઓના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થવાની આશા છે. આ રીતે, ગુજરાત ટીબી નાબૂદીના રાષ્ટ્રીય ટાર્ગેટને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

આ પણ વાંચો-Chardham Yatra : 3 દિવસમાં 5 લાખથી વધુ ઓનલાઈન રજિસ્ટ્રેશન, આ ધામની વધુ મુલાકાત લેશે ભક્તો

MoneyControl News

MoneyControl News

First Published: Mar 24, 2025 3:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.