બંગાળની ખાડીનું ચક્રવાત ડિપ્રેશનમાં ફેરવાશે. IMD એ ઓડિશા, છત્તીસગઢ, UP અને બિહાર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તર આંધ્રપ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશા પર છવાયેલું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાકમાં 7 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે.
IMD Weather Alert: દેશભરમાં ચોમાસાની વિદાયનો સમય નજીક છે, પરંતુ વરસાદનું રૌદ્ર સ્વરૂપ હજુ શાંત થયું નથી. બંગાળની ખાડીમાંથી ઉઠેલું ગંભીર ચક્રવાતી સિસ્ટમ હવે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પસાર થઈને દેશના જમીની ભાગોમાં પ્રવેશી ચૂક્યું છે. ભારત હવામાન વિજ્ઞાન વિભાગના લેટેસ્ટ હવામાન બુલેટિન મુજબ, ઉત્તર આંધ્રપ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશા પર છવાયેલું ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાકમાં 7 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે.
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને 24 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં નબળી પડી જશે અને એક 'ડિપ્રેશન' (દબાણના ક્ષેત્ર) માં ફેરવાઈ જશે. ત્યારબાદ આગામી 24 કલાકમાં તે વધુ નબળી પડવાની સંભાવના છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશના અનેક ભાગોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે.
આંધ્રપ્રદેશ: દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ 21 સેમી (અતિ ભારે) વરસાદ નોંધાયો છે.
અંદમાન-નિકોબાર, ઓડિશા, ઝારખંડ, કર્ણાટક અને તેલંગાણા: આ રાજ્યોમાં 12 થી 20 સેમી જેટલો ખૂબ જ ભારે વરસાદ વરસ્યો છે.
પશ્ચિમ બંગાળ, સિક્કિમ, છત્તીસગઢ, બિહાર અને ગોવા: અહીં પણ 7 થી 11 સેમી જેટલો સારો એવો વરસાદ રેકોર્ડ કરાયો છે.
ઓડિશા અને છત્તીસગઢમાં ભયંકર વરસાદનું રેડ એલર્ટ
ડીપ ડિપ્રેશનની સીધી અસરને કારણે ઓડિશા અને છત્તીસગઢમાં સ્થિતિ ગંભીર બની શકે છે. 24 સપ્ટેમ્બરે દક્ષિણ ઓડિશા અને દક્ષિણ છત્તીસગઢના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે (પવનના ઝટકા 70 કિમી સુધી જઈ શકે છે). આ વિસ્તારોમાં 25 અને 26 સપ્ટેમ્બરે પણ ભારે વરસાદ ચાલુ રહેશે.
યુપી, બિહાર, ઝારખંડ અને બંગાળમાં બગડશે હવામાન
આ ચક્રવાતી સિસ્ટમની અસર ઉત્તર અને પૂર્વ ભારત પર પણ જોવા મળશે.પૂર્વ યુપીમાં 24 થી 26 સપ્ટેમ્બર અને પશ્ચિમ યુપીમાં 25 થી 27 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન જોરદાર પવન પણ ફૂંકાશે. 24 સપ્ટેમ્બરે બિહાર અને ઓડિશામાં 50 થી 60 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાશે. બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 24 થી લઈને 26 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનો સિલસિલો યથાવત રહેશે. ઉત્તરાખંડમાં 26 સપ્ટેમ્બરે અત્યંત ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ 26 અને 27 સપ્ટેમ્બરે મુશળધાર વરસાદ પડી શકે છે.
મધ્ય અને પશ્ચિમ ભારતની સ્થિતિ
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની વાત કરીએ તો, પૂર્વ એમપી અને વિદર્ભમાં 24 થી 27 સપ્ટેમ્બર સુધી સારો વરસાદ થશે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં 26 સપ્ટેમ્બરે ભારે વરસાદનું અનુમાન છે. પશ્ચિમ ભારતમાં કોંકણ, ગોવા (24 સપ્ટેમ્બર) અને મધ્ય મહારાષ્ટ્ર તથા મરાઠવાડામાં (24 થી 26 સપ્ટેમ્બર) 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવા અને વીજળી પડવાની પૂરી શક્યતા છે.
દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં એલર્ટ
દક્ષિણના રાજ્યોમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 24 સપ્ટેમ્બરે ભારે પવન સાથે વરસાદની ચેતવણી છે. કેરળ અને કર્ણાટકમાં પણ 24 અને 25 સપ્ટેમ્બરે વરસાદ પડશે. જ્યારે પૂર્વોત્તર રાજ્યો જેમ કે આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં 24 તારીખે ભારે વરસાદ પડશે. આસામ અને મેઘાલયમાં તો 28 સપ્ટેમ્બર સુધી સમયાંતરે વરસાદ પડતો રહેશે.
દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસ ચેતવણી
ડીપ ડિપ્રેશનના કારણે દરિયાકાંઠાના મેદાની વિસ્તારોમાં પવનની ગતિ ઘણી ખતરનાક રહેશે. ઉત્તર આંધ્રપ્રદેશ, પૂર્વ તેલંગાણા, દક્ષિણ ઓડિશા અને છત્તીસગઢમાં 24 સપ્ટેમ્બરની બપોર સુધી 55 થી 65 કિમી/કલાકની સ્પીડથી પવન ફૂંકાશે (ઝટકા 75 કિમી/કલાક સુધી જઈ શકે છે). આ ઝડપ સાંજ સુધીમાં ઘટીને 50-60 અને ત્યારબાદ 45-55 કિમી/કલાક થવાની ધારણા છે. નાગરિકોને ખરાબ હવામાનમાં ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.