IMDની નવી ચેતવણી: બંગાળની ખાડીમાં સર્જાશે ભયંકર ચક્રવાતી વાવાઝોડું! 26 ઓક્ટોબર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર હવે ભયંકર વાવાઝોડામાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગએ આંધ્રપ્રદેશ અને ઓડિશા માટે ભારે વરસાદની ચેતવણી આપી છે. જાણો લેટેસ્ટ અપડેટ.
આગાહી મુજબ, આ વાવાઝોડું ઉત્તર આંધ્રપ્રદેશ અને તેની સાથે જોડાયેલા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
IMD cyclone warning: ભારતમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. બંગાળની ખાડીમાં દરિયાની સપાટી પર સર્જાયેલું હવાનું હળવું દબાણ હવે ધીમે ધીમે વધુ મજબૂત બની રહ્યું છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ, આવનારા દિવસોમાં આ દબાણ એક અત્યંત શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડાનું રૂપ ધારણ કરી શકે છે.
શુક્રવાર, 23 ઓક્ટોબરના રોજ IMD દ્વારા જારી કરાયેલા સ્પેશિયલ બુલેટિનમાં આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.
વાવાઝોડાની દિશા અને સંભવિત ખતરો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે સવારે 5:30 વાગ્યાની આસપાસ આ સિસ્ટમ પૂર્વ-મધ્ય અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં સક્રિય થઈ હતી. હવે તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે. આગાહી મુજબ, આ વાવાઝોડું ઉત્તર આંધ્રપ્રદેશ અને તેની સાથે જોડાયેલા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
ક્યારે અને કેવી રીતે મજબૂત બનશે વાવાઝોડું? જાણો સંપૂર્ણ ટાઈમલાઈન
25 ઓક્ટોબર: આ સિસ્ટમ વધુ ખતરનાક ડીપ ડિપ્રેશનમાં બદલાશે, જેનાથી દરિયામાં ખૂબ જ ભારે પવનો ફૂંકાશે.
26 ઓક્ટોબર: સવાર સુધીમાં આ સિસ્ટમ એક સંપૂર્ણ ચક્રવાતી વાવાઝોડાનું રૂપ ધારણ કરી લેશે.
27-28 ઓક્ટોબર: આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા તરફ આગળ વધશે, જેનાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે.
આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ
આ વાવાઝોડાની સૌથી પહેલી અને સૌથી વધુ અસર આંધ્રપ્રદેશના કાંઠાળ વિસ્તારોમાં જોવા મળશે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના મતે, 27 થી 29 ઓક્ટોબર વચ્ચે રાયલસીમા સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળી પડવા સાથે અતિભારે વરસાદ પડી શકે છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે વાવાઝોડા સમયે ઝાડ, વીજળીના થાંભલા કે મોટા હોર્ડિંગ્સ નીચે ઊભા ન રહેવું અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થવાનું ટાળવું.
ઓડિશામાં પણ તબાહી મચાવી શકે છે વરસાદ
ઓડિશામાં 26 ઓક્ટોબરથી જ વાતાવરણ પલટાશે. 27 થી 29 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં તોફાની પવન સાથે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જો આ વાવાઝોડું વધુ શક્તિશાળી બનશે, તો દરિયાકાંઠાના કાચા મકાનો, વૃક્ષો અને ખેતીના પાકને મોટું નુકસાન થઈ શકે છે.
માછીમારો માટે કડક ચેતવણી
દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોતાં હવામાન વિભાગે માછીમારોને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ 23 થી 28 ઓક્ટોબર સુધી બંગાળની ખાડીમાં માછલી પકડવા બિલકુલ ન જાય. આ ઉપરાંત, દરિયામાં કામ કરતી એજન્સીઓ અને જહાજોને પણ લેટેસ્ટ અપડેટ પર નજર રાખવા જણાવાયું છે.