India Iran Relations: અમેરિકાની ધમકી છતાં ભારત કેમ નહીં છોડે ઈરાનનું ચાબહાર પોર્ટ? જાણો શું છે પીએમ મોદીનો માસ્ટર પ્લાન!
India Iran Relations: અમેરિકાના દબાણ છતાં ભારત ઈરાનના ચાબહાર પોર્ટથી પાછળ હટવા તૈયાર નથી. જાણો કેમ આ બંદર ભારત માટે પાકિસ્તાન અને ચીનને માત આપવા માટે જરૂરી છે.
ભારતે આ પ્રોજેક્ટમાં મોટું રોકાણ કર્યું છે. 2016માં ત્રિપક્ષીય સમજૂતી: ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે આ પોર્ટના વિકાસ માટે કરાર થયા હતા. ભારતે 120 મિલિયન ડોલરના સાધનો પૂરા પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
India Iran Relations: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને અમેરિકાના કડક વલણ વચ્ચે ફરી એકવાર ચાબહાર પોર્ટ ચર્ચાના કેન્દ્રમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર 25% વધારાના ટેરિફ લગાવવાની ચીમકી આપી છે. આ ધમકી બાદ સોશિયલ મીડિયાથી લઈને ડિપ્લોમેટિક સર્કલમાં સવાલો ઉઠ્યા કે શું ભારત અમેરિકાના દબાણમાં આવીને ચાબહાર પ્રોજેક્ટ પડતો મૂકશે? જોકે, ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કરી દીધું છે કે ચાબહાર ભારત માટે માત્ર એક પોર્ટ નથી, પણ એક વ્યૂહાત્મક મજબૂરી અને જરૂરિયાત છે.
ચાબહાર પોર્ટ જ કેમ છે ભારત માટે ખાસ?
ચાબહાર બંદર ઈરાનના દક્ષિણ-પૂર્વી તટ પર ઓમાનની ખાડીના મુહાને આવેલું છે. આ ઈરાનનું એકમાત્ર એવું બંદર છે જે સીધું હિંદ મહાસાગર સાથે જોડાયેલું છે. ભારત માટે આ પોર્ટ એટલા માટે મહત્વનું છે કારણ કે તે પાકિસ્તાનને બાયપાસ કરીને ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશો સાથે સીધો જોડાણ માર્ગ આપે છે.
ચીન-પાકિસ્તાનને ટક્કર આપવાની રણનીતિ
પાકિસ્તાનમાં ચીન દ્વારા વિકસાવવામાં આવેલા ગ્વાદર પોર્ટના જવાબમાં ભારત માટે ચાબહાર ખૂબ જ મહત્વનું છે. ગ્વાદર અને ચાબહાર વચ્ચેનું અંતર ઘણું ઓછું છે, જેના કારણે ભારત આ વિસ્તારમાં ચીનની હિલચાલ પર નજર રાખી શકે છે અને અરબી સમુદ્રમાં પોતાનું પ્રભુત્વ જાળવી શકે છે.
ચાબહારમાં ભારતનું રોકાણ અને ભૂમિકા
ભારતે આ પ્રોજેક્ટમાં મોટું રોકાણ કર્યું છે. 2016માં ત્રિપક્ષીય સમજૂતી: ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે આ પોર્ટના વિકાસ માટે કરાર થયા હતા. ભારતે 120 મિલિયન ડોલરના સાધનો પૂરા પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. પ્રોજેક્ટ માટે 250 મિલિયન ડોલરની ક્રેડિટ લાઇન આપવાનો પણ કરાર થયો છે. વર્ષ 2024માં ભારતે આ પોર્ટના સંચાલન માટે 10 વર્ષના લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
અમેરિકી પ્રતિબંધો અને ભારતની મુત્સદ્દીગીરી
અમેરિકાએ 2003 અને 2018માં ઈરાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા હતા. પરંતુ ભારતની મજબૂત વિદેશ નીતિને કારણે અમેરિકાએ હંમેશા ચાબહારને તેમાંથી મુક્તિ આપી છે. કારણ કે અમેરિકા પોતે પણ માને છે કે અફઘાનિસ્તાનમાં માનવીય સહાય પહોંચાડવા માટે આ પોર્ટ અનિવાર્ય છે. હાલમાં મળેલી છૂટ એપ્રિલ 2026 સુધી માન્ય છે.
ચાબહાર પોર્ટ એ 'ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર' (INSTC) નો મુખ્ય હિસ્સો છે. આ માર્ગ દ્વારા રશિયા અને યુરોપ સુધી માલ પહોંચાડવામાં સમય અને ખર્ચ બંનેમાં ધરખમ ઘટાડો થાય છે. આર્થિક લાભ અને સુરક્ષાના દૃષ્ટિકોણથી જોતા, નવી દિલ્હી કોઈપણ સંજોગોમાં આ ગેટવે છોડવા માંગતું નથી. ભારત માટે આ પોર્ટ મધ્ય એશિયાના બજારોમાં પ્રવેશવાની સુવર્ણ ચાવી છે.